Kapadvanj

કપડવંજના સિંઘલીમાં નજીવી બાબતે પિતા-પુત્ર ઉપર છરીના ઘા ઝીંકી મારી નાંખવાની ધમકી આપી


કપડવંજ: કપડવંજ તાલુકાના સિંઘાલીમાં નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈ ગેર કાયદેસર મંડળી રચી પિતા તથા પુત્રને છરીના ઘા ઝીંકી દીધા હતા. બન્નેને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીના બનાવ અંગે કપડવંજના આતરસુંબા પોલીસ મથકે ફરીયાદ થઈ છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ તાલુકાના સિંઘાલીના ઘનશ્યામનગરમાં રહેતા ૨૮ વર્ષીય હીતેન્દ્રકુમાર ઉર્ફે રાજુ પ્રવિણભાઈ ડાભી, તેમના પિતા પ્રવિણભાઈ ડાભી તથા રણછોડભાઈ લક્ષ્મણભાઈ ડાભી તેમની બોલેરો ગાડી લઈને સિંઘાલી જવા માટે નીકળ્યા હતા. દરમિયાન તેમના ગામના પોપટ દોલાભાઈ રાઠોડના ઘર નજીકથી જતા હતા.તે સમયે પોપટ તેના ઘર પાસે ઉભો હતો.જેથી તેઓએ ગાડી ઉભી રાખી પ્રવિણભાઈએ નીચે ઉતરી પોપટને જણાવ્યું હતું કે તારો દિકરો સુનિલ મારી દિકરીને ફોન કરી કેમ હેરાન કરે છે.તેવું કહેતા પોપટ એકદમ ઉશ્કેરાઈ જઈ ગમે તેમ બોલવા લાગ્યો હતો.દરમિયાન તેનો દિકરો સુનિલ,નવઘણ, ભુરીબેન,સીતાબેન,સુનિલની પત્ની તથા નવઘણની પત્ની તેઓના ઘરમાંથી બહાર આવી ગયા હતા.અને પ્રવિણભાઈને કહેવા લાગ્યા કે તમે અહીં કેમ આવ્યા છો અને મારા દિકરાને કેમ બદનામ કરો છો.જેથી હીતેન્દ્ર ગાડીમાંથી નીચે ઉતરી ઝઘડો કરવાની ના પાડતા પોપટ તથા તેમના દિકરા ઉશ્કેરાઈ ગયા હતા.અને સુનિલે તેની પાસેનું ચપ્પુ પ્રવિણભાઈને પેટના ભાગે મારી ઈજાઓ પહોંચાડી હતી. જેથી હીતેન્દ્ર છોડાવવા જતા ભુરીબેન તથા સીતાબેને પાછળથી પકડી સુનિલે તેને પણ ચપ્પાના ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી.તે સમયે નવઘણ અને પોપટે હીતેન્દ્રને લાકડીઓ મારી ઈજા પહોંચાડી હતી.તે સમયે સુનિલ તથા નવઘણની પત્નીએ પ્રવિણભાઈ નીચે પડી ગયા હોય તેમને ગડદાપાટુનો માર મારતા તેઓએ બુમાબુમ કરતા તેમની સાથે આવેલ રણછોડભાઈ વચ્ચે પડી છોડાવ્યા હતા.દરમિયાન લોકો એકત્ર થઈ જતા કોઈ વ્યક્તિએ ૧૦૮ વાનને ફોન કરતા બન્ને ઈજાગ્રસ્તોને કપડવંજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં પ્રવિણભાઈની હાલત ગંભીર હોય તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે રીફર કર્યા હતા.આ બનાવ અંગે આતરસુંબા પોલીસ સ્ટેશનના સુત્રોએ હીતેન્દ્રભાઈના ફરીયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top