Charotar

કપડવંજના યુવક સાથે 98 હજારની છેતરપિંડી

ગઠિયાએ ભુલમાં ટ્રાન્સફર થયાં હોવાનો મેસેજ મોકલી નાણા પડાવી લીધા


કપડવંજમાં રહેતા યુવક સાથે ગઠિયાએ 98 હજારની છેતરપિંડી કરી હતી. ગઠિયાએ ભુલથી નાણા ટ્રાન્સફર થયા હોવાનો મેસેજ કર્યો હતો. જેના પર વિશ્વાસ કરી યુવકે નાણા મોકલી આપ્યાં હતાં. પરંતુ બાદમાં છેતરપિંડી થયાનું જણાતાં કપડવંજ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.
કપડવંજ મહંમદી પાર્કમાં રહેતા મહંમદઇરફાન અબ્દુલસત્તાર શેખ ડ્રાઇવીંગ કરે છે. ઇરફાન 5મી માર્ચના રોજ ઘરે હાજર હતો તે દરમિયાન બપોરના અજાણ્યા મોબાઇલ પરથી કોલ આવ્યો હતો. જેમાં હિન્દી ભાષામાં વાતચીત કરનાર શખ્સે ભુલમાં તમારા ખાતામાં રૂ.98,750 ઓનલાઇન નંખાઇ ગયા છે અને તેનો સ્ક્રીન શોર્ટ વોટ્સએપ કરેલો છે. જેથી મારા નાખેલા પૈસા પરત નાંખી દો તેમ જણાવ્યું હતું. આથી, ઇરફાને તપાસ કરતાં મેસેજ આવેલો હતો. આથી, તેના પર વિશ્વાસ કરી ઓનલાઇન રૂ.98,750ની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. જોકે, ઇરફાનના ખાતામાં તપાસ કરતાં કોઇ રકમ ક્રેડિટ થયાનું જાણવા મળ્યું નહતું. આમ, સામેવાળા શખ્સે છેતરપિંડી આચરી હોવાનું જણાયું હતું. જોકે, સામેવાળા ગઠિયાએ ફોન પણ રિસિવ કરવાનો બંધ કરી દીધો હતો. આખરે આ અંગે કપડવંજ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ – ખેડા જિલ્લામાં સાયબર ગઠિયા નવી નવી મોડસ ઓપરેન્ડીથી લોકોની છેતરી રહ્યાં છે. જેમાં છેલ્લા બે દિવસની ફરિયાદમાં વધુ બે તરકીબો ખુલ્લી પડી છે.

Most Popular

To Top