Charotar

કપડવંજના તત્કાલિન પોલીસ કોન્સ્ટેબલ અને એએસઆઈએ 3.75 લાખની લાંચ માંગી

વ્યાજખોરીની અરજીમાં ગુનો દાખલ નહીં કરવા 10 લાખની માંગણી કર્યા બાદ 3.75 લાખમાં ડીલ કરી

(પ્રતિનિધિ) નડિયાદ, તા.18

ખેડા જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ટીમ દ્વારા કપડવંજ ટાઉન મથકના તત્કાલિન પોલીસ કોન્સ્ટેબલ અને એક નિવૃત આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સામે રૂ.3.75 લાખની લાંચ માંગવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ.સી.બી.ની ટીમ દ્વારા સાંયોગિક અને વૈજ્ઞાનિક પુરાવાના આધારે ગુનો દાખલ કરતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.

કપડવંજમાં એક શખ્સ સામે ગેરકાયદેસર નાણાં ધિરવા અંગેની 2 અરજી મળી હતી. આ બાદમાં ફરીયાદી અને તેમના પતિ તેમજ પુત્ર સામે બીજી આ પ્રકારની અરજીઓ આવી હતી. આ અરજીના કામે ગુનો દાખલ ન કરવા માટે તત્કાલિન કપડવંજ ટાઉન મથકના પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ભારતસિંહ સોલંકી (રહે. માતમપુરા, તા. કઠલાલ) દ્વારા 10 લાખની માંગણી કરવામાં આવી હતી. જેથી ફરીયાદીએ તેમાં કંઈક ઓછુ કરવા જણાવ્યુ હતુ. જેથી પ્રવિણસિંહ સોલંકીએ 4 લાખ રૂપિયા નક્કી કર્યા હતા. આ બાદ પ્રવિણસિંહે ફરીયાદી અને તેમના પરીવારને કપડવંજ ટાઉન મથકના તત્કાલિન આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ધીરાભાઈ મોહનભાઈ પગીના ઘરે મળવા બોલાવ્યા હતા.

દરમિયાન નક્કી થયેલા 4 લાખમાંથી ફરીયાદીએ 25 હજાર ઓછા કરવા જણાવ્યુ હતુ. જેમાં રકઝકના અંતે 3.75 લાખ રૂપિયા લેવાનું નક્કી કરાયુ હતુ. તે વખતે એસીબીએ છટકાનું આયોજન કર્યુ હતુ. પરંતુ સ્થળ પર પ્રવિણસિંહ અને ધીરાભાઈ હાજર ન મળતા ટ્રેપ નિષ્ફળ ગઈ હતી. જે અંગે એસીબી દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસ દરમિયાન ઉપરોક્ત બન્ને આરોપીઓએ ફરીયાદી સાથે લાંચની લેતી-દેતી સબંધે હેતુલક્ષી વાતચીત કરી હોવાના દસ્તાવેજી પુરાવા તથા વૈજ્ઞાનીક અને સાંયોગિક પુરાવા મળતા લાંચની માંગણીનો ગુનો બનતો હોવાનું સ્પષ્ટપણે ફલીત થયુ છે. જેથી કપડવંજ ટાઉન પોલીસના તત્કાલિન પોલીસ કોન્સ્ટેબલ અને નિવૃત એ.એસ.આઈ. દ્વારા પોતે સરકારી કર્મચારી તરીકે હોદ્દાનો દુરઉપયોગ કરી અને એકબીજાની મદદગારીમાં ગુનાહીત ગેરવર્તણુક કર્યા બદલ એસીબીએ બંને સામે કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ એસીબીએ નિવૃત એ.એસ.આઈ.ને ઝડપ્યો

આ સમગ્ર મામલે તપાસ આણંદ એન્ટી કરપ્શન બ્યૂરોને સોંપવામાં આવી છે. આ ફરીયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આણંદ એ.સી.બી.ની ટીમ દ્વારા ફરીયાદ પૈકીના આરોપી નિવૃત એ.એસ.આઈ. ધીરાભાઈ મોહનભાઈ પગીની ધરપકડ કરી લીધી છે. ત્યારે હવે બીજા આરોપીની પણ પોલીસ દ્વારા ધકપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top