Charchapatra

કન્યા કેળવણી સાર્થક થઇ!?

આજે કન્યા કેળવણી ખૂબ વ્યાપક બની છે. અદ્યતન વિષયો કન્યાઓ માટે પણ ઉપલબ્ધ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અત્યંત વિકાસ પામી છે અને આજથી પચાસ વર્ષ પહેલાં સત્યની ચકાસણી કરવા માટે સાધનો હતાં તેનાથી  અનેક ગણાં સાધનો અને ટેક્નિક આજે સુલભ છે. સમાજનું ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે, જેમાં આપણી કન્યાઓ કૌવત નહીં દાખવી શકતી હોય. કન્યાઓ માટે તેમણે પોતે જ જીવનસાથીની પસંદગી કરવાની હોય એવું ચલણ વધતું જાય છે. મા-બાપ અને વડીલોની ભૂમિકા ઘટતી જાય છે. વડીલો પોતાનો આગ્રહ રાખે તો તેને જોહુકમીનું બિરુદ મળે. પણ આજકાલ લગ્નના નામે છેતરપિંડીના બનાવો વધતા જાય છે. કન્યા જેની સહધર્મચારિણી બનવા માંગતી હોય તે જ બનાવગીર નીકળે.

પરણાવવા જેવડી દીકરીનો બાપ ધર્મને નામે છેતરપિંડી કરી  પંથવર તરીકે ફેરા ફરે અને પછી પોતાનું પાપ પોત પ્રકાશે. થોડા ફેરફાર સાથે આવી ઘટના અવારનવાર બનતી રહે છે અને તેનો ભોગ બનનાર કોઈ ગામડાની અભણ છોકરી નથી, પણ સોશ્યલ મીડિયાનો બેફામ ઉપયોગ કરનારી આધુનિક શિક્ષિત યુવતી હોય ત્યારે આશ્ચર્ય અને આઘાત થાય. સોશ્યલ મીડિયાનો ફેલાવો વધતાંની સાથે વાસનાભૂખ્યા વરુઓ સમાજમાં બેફામ બન્યા છે તે આજની ભણેલી ગણેલી છોકરીઓને કેમ સમજ નથી પડતી!? કેટલી જહેમત પછી મા-બાપ છોકરીને ભણાવે તેને વિકાસ માટે સ્વતંત્રતા આપે અને છોકરીઓ જેની સાથે જીવતર જોડવાનું છે તેની સાથે આંખ મીંચીને ચાલી જાય અને પછી નિરાંતે પસ્તાય એવો તો કન્યા કેળવણીનો હેતુ નથી અને ન હોવો જોઈએ.સુરત     -સુનીલ રા.બર્મન  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top