Madhya Gujarat

કડાણાના 67 ખેડૂતોને જમીન આપવા કવાયત

ખાનપુર : આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના જીવાદોરી સમાન કડાણા ડેમનો પ્રોજેક્ટ પૂર્ણ થયાને ચાર દાયકા થવા છતાં હજુ તેમાં ડૂમમાં જમીન ગુમાવનાર 67 જેટલા ખેડૂતોને ન્યાય મળ્યો નથી. આ ખેડૂતોએ જમીનના બદલામાં જમીન માંગતા ચાર દાયકાથી પ્રશ્ન લટકેલો રહેતાં આખરે સાંસદ અને કલેક્ટરની અધ્યક્ષતામાં સોમવારના રોજ બેઠક યોજાઇ હતી. જેમાં જમીન આપવા માટે દરખાસ્ત તૈયાર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. કડાણા ડેમનો પ્રોજેક્ટ 80ના દાયકામાં પૂર્ણ થયો હતો. આ સમયે તેમાં ત્રણ હજાર ઉપરાંત ખેડૂતોની જમીન ડૂબમાં જતાં તેમને વળતર પેટે જંગલ ખાતામાંથી જમીન ફાળવવામાં આવી હતી. જોકે, તેમાંથી કેટલાક ખેડૂતોએ જમીન સ્વીકારી નહતી.

આથી, તેમને વળતર પેટે નાણા ચુકવવામાં આવ્યાં હતાં. પરંતુ 67 ખેડૂત એવા હતા કે તેઓએ જમીન કે નાણા બન્નેમાંથી કોઇ જ વળતર પેટે સ્વીકાર્યું નહતું. આ મુદ્દે ચાર દાયકાથી લટકી રહ્યો હતો. ખેડૂતોની વારંવારની માગણીમાં બેઠક યોજાતી હતી. પરંતુ બાદમાં ફાઇલ અભેરાયે ચડી જતી હતી. આખરે ફરી એક વખત કડાણા જળાશયના અસરગ્રસ્તોની જમીન ફાળવણી બાબતે મહિસાગર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષ સ્થાને અસરગ્રસ્ત ખેડૂત સાથે બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરની હાજર રહ્યાં હતાં અને ખેડૂતોના પ્રશ્નો સાંભળી સંબંધિત અધિકારીઓને તેનો ઉકેલ લાવવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબહેન ડામોર, કલેક્ટર ભાવિન પંડ્યા, અધિક નિવાસી કલેક્ટર સી.વી. લટા, પ્રાંત અધિકારી, મામલતદાર, ખેતીવાડી અધિકારી વિગેરે હાજર રહ્યાં હતાં. અલબત્ત, આ બેઠકમાં 67 ખેડૂતોને જમીન વળતર પેટે આપવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવા માટે તૈયારી હાથ ધરવામાં આવી હતી.

Most Popular

To Top