વરસાદી પાણીના નિકાલ માટે પાલિકાનું સ્માર્ટ તંત્ર તદ્દન નિષ્ફળ :
શાકભાજી,કરીયાણા,જીવન જરૂરિયાત સહિતની તમામ દુકાનો પાણીમાં ડૂબી :
સમગ્ર વડોદરાને મેઘરાજાએ ધમરોડ્યું છે. ત્યારે વિશ્વામિત્રી નદીએ પણ તેની ભયજનક સપાટી વટાવતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે, તો બીજી તરફ સયાજીગંજ રેલ્વે સ્ટેશન નજીક આવેલ કડક બજારનો પણ પાણીમાં ગરકાવ થયો છે. અનાજ ફ્રુટ કરિયાણું સહિતની તમામ દુકાનો પાણીમાં ડૂબી જતા વેપારીઓને ભારે નુકસાની વેઠવાની ફરજ પડી છે.
આજવા સરોવરમાંથી છોડાયેલા પાણીને કારણે વિશ્વામિત્રી નદીની સપાટી વર્ષોના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત 37 ફૂટે પહોંચતા વડોદરામાં પુરનો પ્રકોપ જોવા મળ્યો છે. વડોદરા શહેરનો 85 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હજારો લોકોનું રેસ્ક્યુ કરીને સ્થળાંતર કરવામાં આવ્યા છે. અન્યત્ર આશ્રય સ્થાનોમાં આશરો આપવામાં આવ્યો છે. વિશ્વામિત્રીની જળ સપાટીમાં કોઈ ઘટાડો જોવા નહીં મળતા પૂરની પરિસ્થિતિ વચ્ચે પ્રજાની વચ્ચે નહીં જનાર અને સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાં બેસી પરિસ્થિતિનો તાગ મેળવનાર મહાનુભાવો અને અધિકારીઓએ વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં ઘટાડો કરવા માટે મંગળવારે મોડી રાત્રે કેલ્ક્યુલેટિવ રિસ્ક લીધું હતું. આજવા ડેમના 62 દરવાજા મોડી રાત્રે 213.5 ફૂટે બંધ કરવામાં આવ્યા હતા. અને એવું માનવામાં આવી રહ્યું હતું કે, પાંચ કલાક પછી આગામી વિશ્વામિત્રીનું પાણી ઉતરવા લાગશે. જો કે બુધવારે આજવા સરોવરની સપાટી 213.62 ફૂટ અને વિશ્વામિત્રી નદીની સપાટી સવારે 6 કલાકે 36.5 ફૂટે જોવા મળી હતી. સતત બીજા દિવસે પણ પાણી નહીં ઓસરતા લોકો પોતાના ઘરોમાં પુરાયા છે. તો બીજી તરફ શહેરના રેલ્વે સ્ટેશન પાસે આવેલું કડક બજાર પણ પાણીમાં ગરકાવ થયું છે. આ કડક બજારમાં તમામ પ્રકારની દુકાનો આવેલી છે. જેમાં શાકભાજી, કરીયાણા સહિતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની તમામ દુકાનો પાણીમાં ડૂબી ગઈ છે. જેના કારણે વેપારીઓને ભારે નુકસાની પહોંચી છે. નોંધનીય છે કે તંત્રનું ગણિત ખોટું પુરવાર થયું છે. બીજા દિવસે પણ પરિસ્થિતિ યથાવત રહેવા પામી હતી.