Business

કંચન કાટ ન લાગે

એક શાયરે કહ્યું છે કે ‘‘સર પર ચાંદી બાલ હુએ, અબ સોના હી સોના હૈ’’ ઘડપણમાં માથા પરના વાળ ચાંદી જેવા સફેદ થતાં મૃત્યુ સમીપે જવાના વિચાર સાથે સોના હૈ એટલે કે કાયમી પોઢી જવાનો નિર્દેશ થાય છે. રોજીંદા વ્યવહારમાં નસીબ જાગી જતાં સોનેરી દિવસો આવે છે. દેશની સમૃદ્ધિમાં વૃદ્ધિ થતાં દેશનાં ધર્મ ધામો પર સોનું ઝળકે છે. ગુંબજો સોને મઢાય છે, મૂર્તિઓ સુવર્ણ અલંકૃત થાય છે. સોનાની એક ખૂબી એ છે કે તેને કાટ લાગતો નથી. બપ્પી લાહિરી જેવા સંગીતકાર આખા શરીર પર સુવર્ણ અલંકારોથી સજ્જ રહેતા હતા, તેમના વારસદારોએ કરોડો રૂપિયાના દાગીનાનું ખાનગી મ્યુઝિયમ ઊભું કરવા વિચાર્યુ છે, ભલે દેશ ગરીબ હોય પણ સોનાની ખરીદીનું આયોજન લોકો કરતા રહે છે. પુષ્ય નક્ષત્ર જેવા શુભ મૂર્હુતમાં સોનાની ખાણો ખોદાઈ ચૂકી છે અને હવે સોનાની શોધમાં સમુદ્ર મંથન થઈ રહ્યું છે. પુષ્ય નક્ષત્ર જેવા શુભ મૂહુર્તમાં સોનાની ધૂમ ખરીદી થાય છે.

તહેવારો, શુભ અવસરોમાં તેની માંગ રહે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના હેવાલ મુજબ બે હજાર એકવીસની સાલના છેલ્લાં ત્રણ વર્ષોમાં વિક્રમ સર્જક  વેચાણ થયું છે, પ્રત્યેક સપ્તાહે પાંચ હાથીના વજન બરાબર એટલે કે ત્રણસો ચાલીસ ટન સોનું વેચાયું હતું. દુનિયામાં સૌથી વધુ સુવર્ણ ખરીદી ચીન કરે છે, તે પછી ભારત આવે છે. ચીન સોનાની ખરીદી ઔદ્યોગિક વિકાસ માટે કરે છે, ભારતમાં આભૂષણો માટે સુવર્ણ ખરીદીની એક સંસ્કૃતિ રચાઈ છે. ખરાબ દિવસોમાં સોનું મદદરૂપ થાય છે. સોનું સલામત મૂડી રોકાણ છે. હવે ભારતે તો સોનું આયાત કરવું પડે છે, તેની ચૂકવણી અમેરિકી ડોલરમાં થાય છે. વિદેશી હુંડિયામણ ઘટતાં અર્થતંત્ર નબળું પડે છે. ભારતનાં કુટુંબો પાસે બાવીસ હજાર પાંચસો ટન સોનું હોવાનો અંદાજ છે.

અમેરિકાની સરકાર પાસે ફોર્ટનોક્સના ભંડારમાં જેટલું સોનું પડયું છે, તેનાથી પાંચ ગણું તો ભારતમાં છે. અનેક તરકીબોની સાથે સોનાની દાણચોરી થતી રહે છે. ભારત સરકાર અને બેન્કોએ મળીને સોવરીન ગોલ્ડ બોન્ડ ઈસ્યુ કર્યા છે, ઉપરાંત સરકારે ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ દાખલ કરી, તે જમા કરાવનાર ખાતાધારકને વ્યાજ મળે છે. ઓનલાઈન ડિજીટલ ગોલ્ડ તરીકેની પણ ખરીદી થઈ. ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં પણ સારો કારોબાર થયો. દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ,  ટંડેલો અને ઘોડિયા પટેલની સ્ત્રીઓ માટે સોનું હોવું એ જીવનની એક મહત્ત્વની સિદ્ધિ ગણાય છે. સોનાનો મોહ સદા રહ્યો છે છતાં તુલસીદાસ જેવા ભક્ત કવિ માણસના સ્વમાન, આદરને મહત્ત્વ આપતા કહે છે કે જ્યાં સન્માનજનક આવકાર ન મળે ત્યાં જવું નહીં, ભલે ‘‘કંચન બરસે મેહ’’, ત્યાં ભલે સોનાનો વરસાદ વરસતો હોય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top