સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનું મહુવેજ ગામ એ મન મોહી લે એવું ગામ છે. આ ગામ સુરત અને ભરૂચ જિલ્લાની સરહદનું છેલ્લું ગામ છે. આ ગામ નેશનલ હાઇવે નં. 48ને અડીને આવેલું છે. આ ગામ 1161.47 હેક્ટરમાં સમાયેલું છે. ગામના વડીલોનું કહેવું છે કે, ઈ.સ. 1900 પહેલાથી આ ગામનો ઈતિહાસ પુરાણો છે. વર્ષો પહેલા આ ગામ જંગલ જેવા વિસ્તારમાં વસેલું હતું. ત્યારે ગામની નજીવી વસતી હોવાથી ગામ સુમસામ ભાસતું હતું. ગામની ભાગોળથી નેશનલ હાઇવે પસાર થતાં શરૂઆતમાં લૂંટફાટના બનાવો બન્યા હતા. લોકો ભયભીત હતા. શરૂઆતમાં વીજળીનો પણ અભાવ હતો. રોજ સાંજ પડે એટલે લોકો ઘરમાં પુરાઈ રહેતા હતા. પરંતુ સમયના વહેણની સાથે ધીમે ધીમે ગામની આસપાસ નાની-મોટી ફેક્ટરીઓ સ્થપાતાં, ગામની વસતી પણ વધવા સાથે ગામ મોટું બન્યું. હાલમાં આ ગામમાં આદિવાસીઓના 400, મુસ્લિમોનાં 200 મકાન છે. તો રજપૂતનાં 10 મકાન છે. જ્યારે પરમારનાં 15 મકાન આવેલાં છે. ગામનો ઘણો બધો વહેવાર કોસંબા સહિત સુરત, અંકલેશ્વર અને ભરૂચ વગેરે જગ્યાએ સંકળાયેલો છે. આજે ગામની વસતી 3000 જેટલી છે. મહુવેજ ગામનાં ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર છે. જેને કારણે આવાગમનમાં સરળતા રહે છે. ગામની આસપાસનો વિસ્તાર હરિયાળો છે અને 200થી 300 જેટલી નાની-મોટી ફેક્ટરીઓ સ્થપાઈ છે, જેમાં જરૂરતમંદ ગ્રામજનો નોકરી-ધંધા કરી રોજીરોટી મેળવે છે. આ ફેક્ટરીઓમાંથી તમામ પ્રકારના વેરા પંચાયતમાં જમા થાય છે, જેમાંથી પણ ગામ લોકોને વિકાસ પેટે ભરપૂર લાભ મળે છે. ગામમાં સરકારી શાળા તેમજ હાઈસ્કૂલ, આંગણવાડી, પોસ્ટ ઓફિસ વગેરેની સુવિધા ઉપલબ્ધ છે. એ સાથે મોટી મસ્જિદ અને મોટું મંદિર પણ આવેલું છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ટેલિકોમ ક્ષેત્રે કાંતિ આવતાં મોબાઇલની સેવા ઉપલબ્ધ બની છે. ત્યારે આ ગામમાં મોબાઈલ ટાવર પણ આવેલો છે. ગામમાં પીવાના પાણી, ગટર, વીજળી, પંચાયત ઘર, દૂધ ડેરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અહીં શિક્ષણની સુવિધા પણ સારી છે. તાજેતરમાં ગામની સરકારી પ્રાથમિક શાળા તેમજ નવી બંધાયેલી મોટી હાઇસ્કૂલમાં ધો.8થી 10 સુધીના વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ મેળવી રહ્યા છે. આ ગામમાં મદ્રેસા આવેલી છે. ઉપરાંત ગામમાં મોટી મસ્જિદ આવેલી છે, જેમાં મુસ્લિમો બંદગી ગુજારે છે અને મંદિર પણ આવેલું છે, જેમાં આદિવાસીઓ સહિત અન્ય જ્ઞાતિના લોકો પૂજાપાઠ કરે છે. ગામ લોકોને લગ્નપ્રસંગ માટે કોઈ અગવડતા નહીં પડે એ માટે ટાઉન હોલ પણ આવેલો છે. ઉપરાંત ગામમાં મૈયત થાય તો ગુસલ આપવા માટે સારી વ્યવસ્થા સાથે ગુસલખાનું પણ ઉપલબ્ધ છે. મરણ પ્રસંગે અવ્વલ મંજિલ એટલે કે કબ્રસ્તાન તેમજ સ્મશાન પણ આવેલું છે. ગટરલાઈન સો ટકા છે. ગામની હદ વિસ્તારમાં તમામ આંતરિક તેમજ મુખ્ય માર્ગ આરસીસીના બન્યા છે. ચોમાસાના પાણીનો પણ નિકાલ વ્યવસ્થિત રીતે થઈ જતાં અને ગામ ઊંચાઈ પર આવેલું હોવાથી ગામવાસીઓને ચોમાસામાં પણ કોઈ રેલની દહેશત રહેતી નથી. જ્યારે વીજળી ક્ષેત્રે તંત્ર તરફથી સારો સહકાર મળી રહેતાં ગામમાં ચારેકોર વીજળીની પણ સારી સુવિધા
મળી રહે છે.
આખરે હાઇવે પર અકસ્માત ટાળવા અંડરપાસ ઓવરબ્રિજ બનાવવાની ગામવાસીઓની માંગ સંતોષાતાં રાહત
મહુવેજ ગામની તદ્દન નજીકથી જ નેશનલ હાઇવે પસાર થયો હોવાથી ભારે હાડમારી વેઠવી પડે છે. ગામવાસીઓની થોડી ઘણી મિલકત તેમજ ખેડૂતોની ખેતીની જમીન હાઇવેની સામે પાર પણ આવેલી હોવાથી તેમજ અન્ય જગ્યાએ આવવા જવા માટે હાઇવે ક્રોસ ફરજિયાત કરવું પડતું હોવાથી અકસ્માતના બનાવો પણ બનતા હોવાથી અકસ્માત ટાળવા માટે વર્ષોથી ગામવાસીઓએ મહુવેજ ગામની નજીક હાઇવે પર લોકોની સલામતી, રાહત માટે અંડરગ્રાઉન્ડ ઓવરબ્રિજ બનાવવામાં આવે એવી માંગ કરી હતી. આખરે જવાબદાર તંત્ર દ્વારા નેશનલ હાઇવે પર ગામની ભાગોળે અંડરગ્રાઉન્ડ ઓવરબ્રિજ છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી બનાવવામાં આવતાં લોકોની વર્ષોજૂની માંગ સંતોષાતાં ગામવાસીઓએ કંઈક અંશે રાહતની લાગણી અનુભવી છે.

કાળઝાળ ગરમીમાં ગાય-ભેંસની શું કાળજી લેવી જોઇએ?
મારા તબેલામાં 12 ભેંસ અને 7 ગાય છે જે ગરમીમાં બીમાર નહીં થાય તે માટે શું કાળજી લેવી જોઇએ
પશુઓ માટે છાંયડો, પીવાનું પાણી, યોગ્ય આહાર અને વ્યવસ્થાપન પદ્ધતિ પ્રત્યે વિશેષ ધ્યાન આપવું જરૂરી બને છે. પશુ આહારમાં લીલો ચારો, મિનરલ મિક્ષચર અને વિટામિન્સ સપ્લીમેન્ટ આપવા જોઈએ જેથી ઉત્પાદન જળવાઈ રહે. તેમજ પીવા માટે પર્યાપ્ત માત્રામાં શુદ્ધ તેમજ ઠંડા પાણી આપવું જોઈએ.પશુપાલકોએ પશુ રહેઠાણની છત કે છાપરાને ઘાસ કે પરાળથી ઢાંકવું જોઈએ, જેથી બપોરના સમયે પશુ પર સીધો સૂર્યપ્રકાશ ન આવે. આ ઉપરાંત તબેલામાં સ્પ્રિંકલરથી કે અન્ય રીતે પાણીનો છંટકાવ કરવો, ભીના કોથળા બાંધવા જોઈએ. ખાસ કરીને પશુપાલકોએ પોતાના પશુઓને બપોરનાં વધુ ગરમીવાળા સમયે ખુલ્લા તાપમાં બહાર કાઢવાનું કે તડકામાં બાંધવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ. જો પશુઓ ખોરાક લેવાનું બંધ કરી દે તો તાત્કાલિક પશુચિકિત્સકનો સંપર્ક કરવો જોઇએ.
દૂધડેરી ગામના લોકો માટે જીવાદોરી પુરવાર
મહુવેજ ગામના લોકોએ ખેતીની સાથે સાથે પશુપાલનને પણ મુખ્ય વ્યવસાય તરીકે અપનાવ્યો છે. હાલ ગામમાં 400થી 500 જેટલાં પશુઓ છે. મહુવેજ ગામના પાદરે દૂધડેરી આવેલી છે, જેમાં ગામના પશુપાલકો દૂધ ભરીને પગભર બન્યા છે અને સારી આવક મેળવે છે. મહુવેજ ગામમાં વર્ષોથી ખેડૂતો તેમજ કેટલાક સામાન્ય લોકો પશુપાલનનો પણ વ્યવસાય કરે છે. પશુપાલનમાં મુખ્ય ગાય-ભેંસ મોટી માત્રામાં રાખે છે અને ગામની પાદરે દૂધડેરી આવેલી છે. જે દૂધડેરીમાં પ્રમુખ તરીકે યુસુફ અહમદ ધોરાત અને ઉપપ્રમુખ તરીકે મહંમદ મુસા પટેલ સેવા આપે છે. આ દૂધડેરીમાં લોકો સવાર સાંજ 500 લીટર જેટલું દૂધ ભરે છે. આ દૂધડેરીમાંથી પશુઓને ખવડાવવા માટે દાણ (કપાસીયા ખોળ) પણ ગામમાં જ પશુપાલકોને મળી રહે છે. ગામના પશુપાલકો દૂધડેરીમાં જે દૂધ ભરે છે તે દૂધડેરીના સંચાલકો સુરતની સુમુલ ડેરીમાં દૂધ પહોંચાડે છે. દર મહિને દૂધ ભરતા 80 જેટલા સભાસદને નિયમિત પૈસા ચૂકવણી કરવામાં આવે છે. ઉપરાંત દર વર્ષે વધારો પણ આપવામાં આવે છે. આમ, આ દૂધડેરી ગામના લોકો માટે જીવાદોરી પુરવાર થઈ રહી છે.
પંચાયતની સક્રિયતાના કારણે સાફસફાઈમાં ગામ નંબર વન
પંચાયતનાં સરપંચ સવિતાબેન અને ડેપ્યુટી સરપંચ તેમજ ગામ પંચાયત બોડીની તેમજ તલાટી કમ મંત્રી મનીષભાઈની સક્રિયતાના કારણે ગામના મુખ્ય માર્ગો પર તેમજ તમામ વોર્ડ વિસ્તારમાં પંચાયતના નિયમિત રહેલા સફાઈ કામદારો થકી રોજેરોજ સાફસફાઈ કરાવવામાં આવે છે અને જરૂર પડ્યે દવાનો છંટકાવ પણ કરવામાં આવે છે. સ્વચ્છતા અભિયાનના કારણે ગામના મુખ્ય માર્ગો તેમજ ગામ ગલીના માર્ગો ચોખ્ખાચણાંક લાગે છે.
આસપાસની આસપાસ
વારંવાર છત બનાવી છતાં ઊડી જ જાય છે તેવા આસ્થાના પ્રતીકસમા જલેબી હનુમાનજીનું મંદિર

મહુવેજથી 20 મિનીટના અંતરે આવેલા જલેબી હનુમાનજી મંદિરની છત નથી. હનુમાનજી બિલી અને લીમડાના છાયડામાં બિરાજમાન છે.માંગરોળ ગામે પાઠક પરિવારના ખેતરમાં હનુમાન મંદિર જલેબી હનુમાનજી તરીકે પ્રસિદ્ધ છે. હનુમાનજી મંદિર અહીં સ્વયંભૂ હોવાનું ભક્તો જણાવી રહ્યાં છે. મંદિરના સંચાલકો દ્વારા અનેકવાર મંદિરની છત બનાવવાની કોશિશ કરી હતી. પરંતુ છત રહેતી નથી. આ અંગે મંદિરના સંચાલકએ જણાવ્યું હતું કે આપણા જીવનમાં અનેક ગૂંચ આવતી હોય છે જે ગૂંચ જલેબી સમાન છે. જે ગૂચનો ઉકેલ હનુમાનજી સિવાય અન્ય કોઈ ઉકેલી શકે તેમ નથી. જલેબી હનુમાની મંદિરની છત બનાવવા માટે 15થી વધુ વખત કોશિશ કરી છે. છતાં મંદિરની છત બની નથી. કોઈને કોઈ કારણ સર છત પડી જાય છે. ગત વર્ષે છત બનાવવા પતરા લાવી છત બનાવવાની કોશિશ કરી હતી, પરંતુ પતરા 100થી 200 ફૂટ દૂર ઉડી ગયા હતાં. જોકે, તે સમયે પવન પણ ન હોવાનું મંદિરના સંચાલકોએ જણાવ્યું હતુ. મંદિર પરિસરમાં ભોજનાલય, પાર્કિંગ સહિતની તમામ સુવિધાઓ છે અને તેના મકાન પર છત છે માત્ર મંદિર પર જ છત નથી.
કીમ કોઠવાની દરગાહ

મહુવેજથી આશરે 16-17 કિલોમીટર દૂર કોઠવાની દરગાહ આવેલી છે જે કીમ કોઠવાના નામથી જાણીતી છે. આ દરગાહમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજની આસ્થા હોવાથી તેને એકતાના પ્રતિક તરીકે પણ ઓળખવામાં આવે છે. હઝરત મખદૂમ શહીદ બાવાની દરગાહને તેના મઝાર શરીફની લંબાઈ બાવન (52) ગજ હોય તેને 52 ગજ નામથી ઓળખાણ મળેલી છે. આ હસ્તી ઉઝબેકિસ્તાન દેશ બુખારાથી યાત્રા કરી ઇસ્લામ ધર્મનો પ્રચાર અને એકતાનો સંદેશ આપતા આ સ્થળ ઉપર પહોંચ્યા હતા. અને અહીં દફન થયા હતા. બોલીવુડના સંજય દત્ત, અમિતાભ બચ્ચન જેવી કેટલીક હસ્તીઓએ પણ આ દરગાહ ઉપર આવી ચૂક્યા છે.
