Business

ઓ બસંતી પવન પાગલ…..!

ખડ્ડૂસ હોય કે, ખખડેલો, વસંત ઋતુ સૌને ગમે..! ફૂલોનાં રંગબેરંગી કપડાં, પંખીઓનાં મીઠાં ગીતો અને પવનની હળવી ઠંડક – બધું જ ‘સ્ટાઇલિશ’ માં જોઇને, વૃધ્ધાત્મા પણ ધોતિયા ખંખેરી ફાટેલા જીન્સમાં આવી જાય..! લાકડી વગર શરીર ટકે નહિ એટલે, બાકી લાકડીની જગ્યાએ ઠંડીમાં પણ ‘સ્ટાઈલીશ’ચાઈના છત્રી લઈને ફરે એવાં..! બધું તાજું-નવું અને રંગીન પામવાની તમન્નામાં આવી જાય..! અમુક તો એવાં વસંતઘેલાં બની જાય કે, ફૂલનાં કુંડાં પકડીને જાતે જ સેલ્ફીઓ લઈને ‘સેલ્ફી’ઓ મૂકીને યુવાનીનો ડોળ બતાવે..! ‘દિલ માંગે મોર’ મોર જેવું છે ભૈલા..! એકના એક ઉકરડા જોઇને ત્રાસેલી આંખોને ટાઢક આપવા તો વસંત ઋતુનું પ્રાગટ્ય થાય. એની કોમેન્ટ ચમનિયા..?

વસંત ઋતુ એટલે કુદરતનો પોતાનો ફેશન shaw..! મગજ્ડું ખીલું-ખીલું થવા માંડે. કાગડાના કર્કશ અવાજો સાંભળીને સૂઉઉઉઉન મારી ગયેલા કાનોમાં કોયલના ટહુકા પડે, એટલે કાનની સર્વિસ થઇ જાય..! ચારેય બાજુ ફોરમનો પમરાટ પામીને, ભમરા જેવા ભમરા, ‘બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના’ની જેમ, ભ્રમણ કરવા માંડે તો પાંચ ફૂટિયા માણસનો શું દોષ..? જેનામાં અજગર જેવી આળસાઈ છે, એ પણ ‘રોમેન્ટિક’ ઊર્જામાં આવી જાય. એની જાતને, “જે થવાનું હોય તે થાય’’ બોલીને, જાતે જ પીઠી ચોળીને સસરાનું સરનામું શોધવા લાગી જાય..! એને કહેવાય વસંત પંચમીનો પ્રકૃતિ-નાચ મામૂ..! આવા જ નાચમાં ચમનિયો ભેરવાઈ ગયેલો..!

આજીવન લગન નહિ કરવાની ગાંઠ વાળેલી હોવા છતાં, વસંત ઋતુની બોલીવુડ છાંટ જોઇને ભીન્નાઈ ગયેલો. વડીલોને એમ કે, વસંત પંચમીનું મુહૂર્ત પકડીએ તો મૂઆનો સંસાર અસાર નહિ થાય, ને કંસાર જેવો મધુરો રહે, એટલે ‘ઓન’ આપીને વસંત પંચમીનું ‘સ્પેશ્યલ’ મુહૂર્ત કઢાવેલું..! અને બિચારાએ પહેલી જ વાર લગન કરેલા..! (ઘણાં તો લગને લગને પણ કુંવારાં હોય..! ) આજે ભગવાનની દયાથી પાંચ છોકરાનો બાપ છે. સંશય એને એ વાતનો છે કે, સારું છે કે, વસંત પંચમીએ લગન કરેલા એટલે પાંચ છોકરા થયા, દશેરાએ કર્યા હોત તો ‘ક્રિકેટ ઈલેવન’ ઊભી થઇ ગઈ હોત..! ઋતુ તો ઓસરી ગઈ, પણ વસંત પંચમીના ‘પંચ’ હજી એ સહન કરે છે બોલ્લો ..!

હવે, જ્યારે જ્યારે પંચાંગમાં વસંત પંચમી આવે ને પ્રકૃતિ કેસુડાંનાં ડોકાં કાઢવા માંડે ત્યારે, એનામાં ‘વસંતનો વાયરલ’ ભરાય છે મામૂ..! લોકો તો ઊંઘમાં બકવાસ કરે ત્યારે એ જાગતો જ લવારે ચઢી જાય કે, ‘ઓ બસંતી પવન પાગલ, જા તું જા હવે, ચાલી જા…!…! મને કહે, “રમેશિયા..! આ ભગવાનનું મેં શું બગાડેલું કે, વસંત પંચમીના દિવસે જ મારા ગળામાં લગનનો ગાળિયો નાંખેલો..?’ લગન વખતે તો ધંતુરા પણ કેસુડાં લાગેલાં, હવે તો ચારેય બાજુ ગાંડા બાવળિયા ને કાગડાઓના કર્કશ ઘોંઘાટ સંભળાય છે મામૂ..! ફાલુદામાં હિંગ ભળી ગઈ હોય એવું લાગે, ને નબળા ગ્રહો ને, નબળા ચોઘડિયાં ઘોડેશ્વરી કરીને આવે છે બોલ્લો..! ભર વસંતે ભગવો પહેરવાની તાલાવેલી થાય છે..!

optimism (આશાવાદ) અને pessimism (નિરાશાવાદ) બંને એક જ મંચ પરથી debate કરતા હોય એવું લાગે. એક બાજુ રાહુ છીંકતો હોય, ને બીજી બાજુ કેતુ ખાંસતો હોય..! એમાં મારાં ડૂસકાં પણ મંદ બની જાય..! વસંત પંચમી આવે ને મરેલી ભેંસના ડોળાની માફક મારા આંખના દાબડા ઊંચા ચઢવા માંડે. કેસુડાં હવે મઘમઘતા નથી. કોયલોને બદલે ઘુવડ ઘુરુરુરુરુ કરે છે. જેમાંથી મરશિયા સંભળાતા હોય એવું લાગે..! એટલે તો ખૂણા પકડીને આલોમ-વિલોમ કરું છું..! વસંતની મઘમઘતી રાતમાં મધુર મધુર સ્વપ્નાં પણ આવતાં, હવે માત્ર હેડંબાનાં હોંકારા સંભળાય છે. ૫૪ વર્ષ સુધી લગનનો ગાળિયો ગળામાં રાખ્યા પછી, ચમનિયાને પહેલી વાર સ્વપ્નું આવ્યું, તે પણ વસંત પંચમીની મધરાતે..!

પથારીમાંથી ઊભો થઈને બિચારો અડધી રાતે પોકે-પોકે રડવા લાગ્યો. બાજુમાં સૂતેલી ચંચી ગભરાઈ ગઈ કે, નાથને થયું શું..? બોલી પણ ખરી કે, ‘કેમ રડો છો પ્રેમ-નાથ..?’ ચમનિયો કહે, ‘એવું સ્વપ્નું આવ્યું કે, હું ઈમોશનલ થઇ ગયો..!’ચંચી કહે, ‘આ ઉંમરે સ્વપ્નું આવે તે તો સારું કહેવાય..! કોનું, મારું સ્વપ્નું આવ્યું હતું..? ચમનિયો કહે, ‘કોઈ પતિને એની પત્નીનું સ્વપ્નું આવે ખરું..?’ જવાબ સાંભળીને ચંચીનો પાવર ઊંચો ચઢી ગયો. ‘તો પછી કઈ હગલીનું સ્વપ્નું આવ્યું હતું..?’ ચમનિયાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું કે,’‘મારા બીજી વાર લગન થતાં હતાં.’ચંચી બોલી, ‘ઓહહહ..! એ તો ખુશીની વાત છે, એમાં રડવાનું શું..? મારી સાથે જ થતા હતા ને..?’ ત્યારે ચમનિયાએ ફોડ પાડ્યો કે, ‘એ જ તો પ્રોબ્લેમ છે. બીજી વાર થયા, એ પણ તારી સાથે જ થયા..! એના કપાળમાં કાંદા ફોડું, આ સાંભળીને ચંચી એવી ઢળી પડી કે, અડધો કલાક સુધી ભાનમાં નહિ આવી..!

ગમે તે કહો, આ જગતમાં ત્રણ પ્રકારની પત્નીનું સામ્રાજ્ય છે..! ભૂતકાળી-ભવિષ્યકાળી અને વર્તમાનકાળી..! વાઈફ સાથે સહેજ જ વાંકું પડે એટલે, વસંત ઋતુ ઓસરીને પાનખરમાં ફેરવાઈ જાય. સંસારની આખી સારેગમપધનીસા બદલી જાય..! શબ્દાવલીના સૂર બદલાઈ જાય. એવી વંટોળે ચઢે કે, ‘મારી સાથે બહુ હોંશિયારી તો મારતા જ નહિ હંકેકે..? તમારા આખા ખાનદાનને હું ઓળખું છું..! મૂઆ..કડવી વેલનાં બધાં જ કડવાં..!

આ તો મારા બાપાએ તમારા ગળે વળગાડી, બાકી તમારી ૭૧ પેઢીને હું ઓળખું..!’આને ભૂતકાળી વાઈફ કહેવાય. બીજી હોય, ભવિષ્યકાળી..! છંછેડાય એટલે ભવિષ્યવાણી કાઢે, ‘તમે તો રહેવા જ દેજો હંકેએએએ..? મારા જેવી વાઈફ તો તમને સાત જનમમાં પણ નહિ મળે..! ત્રીજી હોય, વર્તમાનકાળી..! એમનો એક જ તકિયા કલામ કે, ‘તમારા ઘરમાં તો હું જ ટકી. પાડ માનો ભગવાનનો કે, મારા જેવી સીધી સાદી મળી. જો માથાભારી મળી હોત તો ક્યારની ટાલ પાડી ગઈ હોત..!’ વિચાર એ વાતનો આવે કે, ‘સીધી સાદી જો આટલી માથાભારી હોય તો, ખરેખર માથાભારી તો કેવીક રહેતી હશે..?

સચ્ચી બાત બોલું ક્યા..! પત્ની WIFIi જેવી હોય. WIFI દેખાય નહિ, પણ એક વાર કનેક્શન તૂટે, એટલે માંચડો હલાવી નાંખે. એક વાત છે, પતિ અને પત્ની ગમે એટલું ઝઘડે તો પણ એક સિક્કાની બે બાજુ જેવા..! બંને છાપ સારી હોય તો જ ચલણમાં ચાલે. બાકી ભર વસંતમાં જો રાહુ-કેતુ પગલાં પાડી જાય, તો વીંછીના ચટકાથી પણ અઘરા હોય મામૂ..! શાયર લખે છે એમ…
વો આશિક અપની મહેબૂબાકો બેપનાહ ચાહતા હૈ
લેકિન શાદીકે બાદ સિર્ફ વો પનાહ ચાહતા હૈ…!

 પરણીને ઉખ્ખડ થયેલો કોઈ ઘાયલ જીવ, મહુડાના ઝાડવા નીચે બેસીને આવી કડી લલકારતો જોવા મળે તો, ‘વાહ-વાહી’નહિ કરતા. બિચારાને વસંત પંચમીના ‘પંચ’ વધારે ચુવાગશે ને ‘પ્રણય-પાપ’ લાગશે તે બોનસ..! (આ ‘પ્રણય-પાપ’વાળું હમણાં નવા સેલીબર્સમાં આવ્યું છે, એટલે જૂનાં ચોપડાં ફંફોળવા નહિ..!) સમય હોય તો એના વાંહે હાથ ફેરવજો ને એની વેદના સાંભળજો. ધરપત આપવાની કે, નાસીપાસ થવાથી અરમાનનું ‘ડીમોલેશન’નહિ થાય. ગ્રહ ને ચોઘડિયાં તો બદલાતાં રહે. સંભવ છે કે, ‘આંગળી ચિંધ્યાનું પુણ્ય’ કદાચ લાધી જાય..! ને આટલું કરવાથી તમને પણ કદાચ ‘૧૦૦ ગાયોના દાન જેટલું પુણ્ય મળી જાય..!

લાસ્ટ બોલ
ચમનિયો એની વાઈફને કહે, ‘મારી સાથે બહુ માથાકૂટ કરતી જ નહિ, OK..? યાદ છે ને દશરથ રાજાને ૩ રાણી હતી. હજી મારે બે ની જગ્યા ખાલી છે..!’
ચંચી કહે, “તો તમે પણ સાંભળી લો. દ્રૌપદીને પાંચ પતિ હતા. મારે પણ હજી ૩ ની જગ્યા ખાલી છે.
ચમનિયો કહે, “શિઈઈઈઈટ..! આટલું બધું ગણિત કાચું? ૩ નહિ ૪ ની જગ્યા ખાલી છે એમ કહેવાય..!
ચંચી કહે, ‘એ તો તમે એવું માનો છો..! બાકી, મારા હિસાબની તો મને જ ખબર હોય ને..?
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top