Vadodara

ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં

ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓના ચાલકો બેફામ

બાલભુવનથી આર્યકન્યા સ્કૂલ તરફ પુરપાટ દોડી રહેલી ગાડીનો વીડિયો વાયરલ

(પ્રતિનિધિ) વડોદરા | તા. 14

સ્માર્ટ સિટી વડોદરામાં એક પછી એક અકસ્માતોની વણઝાર હજુ શમી નથી ત્યાં ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતી ગાડીઓની બેફામ કામગીરીનો વધુ એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. ઓવરલોડેડ કચરાથી ભરેલી ગાડીમાં એક મહિલાને ખુલ્લામાં બેસાડી જોખમી રીતે ગાડી હંકારવામાં આવી હોવાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ બન્યા છે.

વડોદરા શહેરમાં ભારદારી વાહનો અને નશામાં વાહન ચલાવનારા ચાલકો બાદ હવે ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતી ગાડીઓના ચાલકો પણ બેફામ બન્યા હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. અગાઉ પણ આવી ગાડીઓના કારણે અનેક અકસ્માતો થયા છે, જેમાં લોકોને ઈજાઓ અને જાનહાનિ પણ ભોગવવી પડી છે. તેમ છતાં કોન્ટ્રાક્ટરો સામે નક્કર કાર્યવાહી ન થવાને કારણે આજે પણ જોખમી રીતે કચરા કલેક્શન ચાલુ છે.

રવિવારે કારેલીબાગ વિસ્તારમાં બાલભુવનથી આર્યકન્યા સ્કૂલ તરફ જતા માર્ગ પર આવી જ એક જોખમી સવારી નજરે પડી હતી. ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી ઓવરલોડેડ કચરાથી ભરેલી હતી. ગાડી પર ખુલ્લામાં કચરો એકત્ર કરતી મહિલાને બેસાડીને પુરપાટ ઝડપે ગાડી હંકારવામાં આવી રહી હતી. ગાડીમાં ખીચોખીચ ભરેલા કચરાના પોટલા ન તો યોગ્ય રીતે બાંધેલા હતા ન તો સુરક્ષિત રીતે મૂકાયેલા હતા.

આવી સ્થિતિમાં જો એકાદ પોટલું ગાડીમાંથી નીચે પડી જાય તો પાછળથી આવનારા વાહનચાલકો માટે ગંભીર અકસ્માત સર્જાય તેવી ભયજનક પરિસ્થિતિ ઊભી થઈ શકે. શહેરમાં વારંવાર ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ દ્વારા આ રીતે જોખમી સવારી કરવામાં આવે છે, જેનાથી ગાડીમાં બેઠેલા કર્મચારીઓ સાથે સાથે માર્ગ ઉપરના અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે.

હાલ સામે આવેલા વીડિયોએ ફરી એકવાર તંત્રની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. આવા બેફામ ચાલકો અને જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરી, નિયમોનું પાલન કરાવવું અત્યંત જરૂરી બની ગયું હોવાનું શહેરવાસીઓ માની રહ્યા છે.

Most Popular

To Top