વહાલા વાચકમિત્રો,
છેલ્લા 19-20 મહિનામાં આપણા સૌના જીવનમાં ધરખમ ફેરફારો આવ્યા. વૈશ્વિક મહામારીને લીધે જીવનનાં દરેક પાસાંઓમાં નકારાત્મક-હકારાત્મક અસરો જોવા મળી છે. આજે ઓક્ટોબર 2021માં ગુજરાતમાં માધ્યમિક તેમ જ કોલેજો-સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ વર્ગો ઓફલાઈન- એટલે કે રેગ્યુલર વિદ્યાર્થીની શારીરિક હાજરીથી શરૂ થઈ ગયા છે અને ટૂંકમાં જ ધો 1-5 પણ શરૂ કરવાની માંગ વાલીમંડળ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે થોડું ચિંતન- મનન વિદ્યાર્થીઓ માટે કરવું રહ્યું. છેલ્લાં દોઢ વર્ષથી શિક્ષકો-વિદ્યાર્થીઓ ‘ઓનલાઈન’ મોડમાં ભણ્યાં જે તદ્દન નવું જ હતું. શાળાએ ગયા વગર શિક્ષણકાર્ય- શરૂઆતમાં નવી-નવી સમસ્યાઓ આવતી ગઈ. વિદ્યાર્થી-શિક્ષક અને વાલીઓ અનુકૂલન સાધતા ગયા. કોરોનાના બીજા વેવ વખતે તો શિક્ષણકાર્ય- પરીક્ષાઓ પણ ઓનલાઈન લેવાઈ ગઈ. ઓનલાઈન પરીક્ષામાં મોટે ભાગે વિકલ્પવાળા પ્રશ્નો એટલે કે MCQ હોય છે. જે સહેલાઈથી થઈ જાય છે.
હવે જ્યારે હાલમાં ‘સબ નોર્મલ’ આભાસ કે અનુભવ કરી રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા અનુભવાતી મુશ્કેલીઓની વાતો કરીએ. # ઓનલાઈન શિક્ષણકાર્યમાં વીડિયો અને PTT શેર કરી એટલે વિદ્યાર્થીઓએ લખવાનું કામ ઓછું થયું, હળવું થયું. લેખનકાર્યની પ્રેક્ટીસ પણ ઓછી રહી કેમ કે હોમવર્ક- ઘરકામ નહીંવત જેવાં રહ્યાં. # હવે ઓફલાઈનમાં જ્યારે વિદ્યાર્થી ભણે છે ત્યારે લેખનકાર્ય વધે છે. હવે જ્યારે દોઢ વર્ષથી લખવાની પ્રેક્ટીસ નહીંવતમાંથી વધુ લખવાની શરૂ થાય ત્યારે વિદ્યાર્થીના હાથ દુખવાથી માંડી અક્ષર ખરાબ નીકળવાની શક્યતા વધી જાય છે. તેવે વખતે શિક્ષક, ટ્યુશન ટીચર કે વાલીઓએ આ દૃષ્ટિકોણથી સમસ્યાને જોવી જોઈએ અને બળજબરી ન કરતાં હળવેથી લેખનકાર્યની ક્ષમતા વધારવી જોઈએ. ખાસ કરીને નાનાં બાળકોમાં સમસ્યા વકરવાની શક્યતા વધુ છે.
# દોઢ વર્ષથી આપણે સૌ ‘bubbles’ માં રહ્યા છીએ. કહેવાનું તાત્પર્ય ઘરના સ્વચ્છ વાતાવરણમાં, ઘરના મર્યાદિત સભ્યો સાથે રહ્યા છીએ માટે હવે જ્યારે બહાર જઈએ છીએ ત્યારે અમર્યાદિત લોકો સાથે અને ઘરની બહારનાં અલગ વાતાવરણ સાથે તાદાત્મ્યતા કેળવવી પડે છે. એને માટે શારીરિક-માનસિક તણાવ મહેસૂસ કરવો સર્વ સામાન્ય બાબત છે. ત્યારે શાળામાં પણ થોડું વધુ હળવાશવાળું વાતાવરણ ઊભું કરી શકાય. ઓછું શિક્ષણકાર્ય- કે ઓછી શારીરિક એક્ટીવીટીઝ કરાવીને બાળકોને ધીરે ધીરે શાળાના વાતાવરણમાં સેટ કરી શકાય.
# ઘરના વાતાવરણમાં સૌ કોઈનો સ્ટેમીના સારો જ રહેતો હોય છે. વચ્ચે લોકડાઉનથી ઓનલાઈન શિક્ષણકાર્યમાં મેન્ટલ એક્ટીવીટીઓ પણ ઓછી થઈ હવે જ્યારે ઓફલાઈન મોડમાં ફરી પાછા જઈ રહ્યા છીએ ત્યારે 2019ના જેવો શારીરિક સ્ટેમીના મેળવવો અને ઘણી-બધી ઈત્તર પ્રવૃત્તિમાં કાર્યરત થવું બાળકો માટે તણાવયુક્ત બની શકે છે. સાથે જ સીઝનલ ફીવર-વાયરલના વાયરાઓ તો ચાલુ જ હોય છે. ત્યારે બાળકો તરત જ માંદાં પડવાની શક્યતાઓ વધી જાય છે. તો વાલીઓએ પણ બાળકોને ધીરે-ધીરે બધી જ SOPને યાદ રાખી, પાલન કરાવી શને: પન્થા: એટલે કે સ્લોલી, ધીરજપૂર્વક કાર્યરત કરવા જેવી માનસિક રીતે સ્વસ્થ્ય રહી બાળક શિક્ષણકાર્ય સાથે અનુકૂલન સાધે.
# શાળામાં પણ વિદ્યાર્થીને એના વર્ગમિત્ર સાથે વધારે પ્રવૃત્તિમય રાખવાનું વિચારવું જોઈએ જેથી ‘‘Peer learning’’ જે અટકી ગયું હતું તે શરૂ થાય અને મનો-સામાજિક કુશળતાઓનો સહજ વિકાસ થાય. વિદ્યાર્થીઓમાં જે લર્નિંગ ગેપ આપણે સૌ જોઈ રહ્યા છીએ તેને જલ્દીથી ભરવા માટે વિદ્યાર્થીઓને વધુ કાર્યરત કરવા વધુ કાર્યોની ફાળવણી કરવા કરતાં, ધીરે-ધીરે, સહજતાથી વધુ ક્રિયાશીલ કાર્યો દ્વારા-રમતગમત દ્વારા એની કાર્યક્ષમતા વધારશું તો એને વિવિધ મોરચે મનો શૈક્ષણિક – સામાજિક અનુકૂલન સાધવામાં સરળતા રહે. # અનુસ્નાતક-સ્નાતકના છેલ્લા વર્ષવાળા વિદ્યાર્થી ત્રીજા અને પાંચમા સેમેસ્ટરમાં ઓનલાઈન એટલે કે MCQ પધ્ધતિથી પરીક્ષા આપશે અને છેલ્લા સેમેસ્ટરમાં ઓફલાઈન – વર્ણનાત્મક પરીક્ષાઓ આપશે તો તેને માટે લેખનકાર્ય માટેનું વાંચન નોંધ કરાવવાનું કે વાંચન મટીરિયલ્સ ભેગું કરવાની માનસિક તૈયારીઓ આરંભી દેવાની.
# સાથે જ નવરાત્રી-માતાની આરાધનાનો તહેવાર. દરેકને આજે મોકળાશથી બહાર જવું છે, કુદરતી વાતાવરણમાં હાશકારો લેવો છે પરંતુ કોરોનાનું શ્રાધ્ધ થયું નથી. એ ચોક્કસ ગતિથી આગળ વધે છે માટે સૌ કોઈએ પોતાનાં સ્વાસ્થ્યની જવાબદારી પોતાના શિરે લઈ લેવાની જરૂર જેથી સ્વસ્થ વાતાવરણ ઊભું કરવામાં આપણો પણ ફાળો મહત્ત્વનો બની રહે. તો મિત્રો, પરિવર્તન સાતત્ય છે, સતત છે, નાનાં ભૂલકાંઓની માનસિક સ્થિતિનો વિચાર મોટેરાંઓએ જ કરવાનો છે. થોડી હળવાશ, થોડી રમૂજી વાતાવરણ આપીશું તો બાળકોમાં લર્નિંગ ગેપ ક્યારે પુરાઈ જાય તેની ખબર પણ ન પડે. ‘‘ ભણેલાગણેલા લોકો સંજોગો મુજબ પોતાને બદલી નાંખે છે જ્યારે અનુભવી લોકો પોતાના અનુભવથી સંજોગોને બદલી નાંખે છે.’’