36 માંથી 10 જેટલા એસ.એસ.જી.હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા

(પ્રતિનિધિ) વડોદરા તા. 08
શહેરમાં ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા સહિત તાવના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. એસ.એસ.જી. હોસ્પિટલમાં જ દસ જેટલા રેસિડેન્ટ તબીબો ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા અને મંગળવાર સુધીમાં કુલ 36 જેટલા ડેન્ગ્યુના પોઝિટિવ કેસો નોંધાયા છે.

ગત અઠવાડિયાથી પ્રતિદિન 2 થી 4 ડેન્ગ્યુ પોઝિટિવ કેસો નોધાઇ રહ્યા છે જે અલગ અલગ વિસ્તારોમાંથી નોંધાતાં તંત્ર દોડતું થયું છે. બીજી તરફ દૈનિક ઓપીડી માં 7% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળાની સાથે સાથે પાણીજન્ય રોગચાળાએ પણ માથું ઊંચક્યું છે. શહેરમાં ડહોળું અને દુર્ગંધયુક્ત પાણી કેટલાક વિસ્તારોમાં આવી રહ્યું છે. આજવા સરોવર થી વિતરણ કરવામાં આવતું પાણી ડહોળું અને માટીવાળુ આવતા લોકો ચોમાસામાં આર.ઓ. નું વેચાતું પાણી,જગ મંગાવવા મજબૂર બન્યા છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ચેપી રોગની હોસ્પિટલમાં હાલમાં કમળાના 28 કેસ છે ટાઇફોઇડ ના 04 દર્દીઓ, મેલેરિયા નો 01 દર્દી, ઝાડા ઉલટીના 03 દર્દીઓ અને અન્ય 04 દર્દીઓ મળી કુલ 40 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.જ્યારે ચોમાસામાં ઓપીડી માં 5% જેટલો વધારો જોવા મળી રહ્યો છે.
લોકોએ પાણી ઉકાળીને પીવું બહારની ખાણીપીણી થી બચવું જોઈએ, ઘરની આસપાસ સ્વચ્છતા જરૂરી છે
સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં પીવાનું પાણી ડહોળું આવતું હોય છે ત્યારે લોકોમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે. લોકોએ ચોમાસામાં પાણીને ઉકાળીને ઠંડુ કરી ગાળીને જ પીવાનો આગ્રહ રાખવો જોઈએ.સમયાતરે આર.ઓ. ના ટીડીએસ ની ચકાસણી કરવી જોઈએ, બહારની ખાણીપીણી,ઠંડા પ્રવાહી લેવાથી બચવું જોઈએ સાથે જ મકાનની આસપાસ પાણી ભરાઇ ન રહે, સ્વચ્છતા તરફે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
-ડો.રીકેશ ચાપાનેરીયા,ચેપી રોગનું દવાખાનું, કારેલીબાગ

