એસ.એસ.જી.હોસ્પિટલની નિષ્કાળજી ને લઇ પરિવારમાં આક્રોશ

(પ્રતિનિધિ) વડોદરા તા. 16
મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલની વધુ એકવાર નિષ્કાળજી સામે આવી છે જેમાં શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાં રહેતા એક પુરુષનું મોત થયું હતું જેના પોસ્ટમોર્ટમ બાદ પરિવારને તે મૃતક પુરુષનો મૃતદેહ આપવાને બદલે મહિલાનો મૃતદેહ આપી દેતાં હોબાળો મચી જવા પામ્યો હતો.

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલ.આ હોસ્પિટલ જેટલી દર્દીઓની સારવાર માટે જાણીતી છે તેટલી વિવાદો સાથે પણ ઘેરાયેલી છે.અહી જાણે હોસ્પિટલ વિવાદોનો પર્યાય બની રહી હોય તેમ જણાય છે.અહી સુરક્ષા વ્યવસ્થા હોય કે સ્વચ્છતા અથવાતો અન્ય બાબતો હોય હોસ્પિટલ વિવાદોમાં ઘેરાયેલી જોવા મળે છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો હતો જેમાં હોસ્પિટલ તંત્રની મોટી બેદરકારી સામે આવી છે.શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાં ઝૂલતા પુલ પાસે રહેતા પરપ્રાંતીય પરિવારના લાલજી ભારદ્વાજ નામના પુરુષનું ગત તા.15માર્ચે રાત્રે મોત નિપજ્યું હતું જેથી પરિવારે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડ્યો હતો સવારે જ્યારે પોસ્ટમોર્ટમ બાદ પરિવારને મૃતદેહ આપવામાં આવ્યો ત્યારે પરિવાર મૃતદેહને લઈ ઘરે ગયો હતો અને શોકનું વાતાવરણ હતું આ દરમિયાન દૂર રહેતા ઉતરપ્રદેશના સગાંઓએ છેલ્લા દર્શન માટે મૃતકના વિડિયો કોલથી મ્હોં જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી જેથી પરિવારના સભ્યોએ ચહેરો ખોલતાં જ તેમના હોશ ઉડી ગયા હતા કારણ કે મૃતદેહ ઘરના પુરુષની જગ્યાએ કોઇ મહિલાનો હતો જેથી મૃતદેહની અદલાબદલી હોસ્પિટલ તંત્ર દ્વારા થ ઇ હોય પરિજનોએ હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ પોસ્ટમોર્ટમ વિભાગમાંથી પુરુષના મૃતદેહને પરિવારોને સોંપવામાં આવ્યો હતો.પોસ્ટમોર્ટમ થયા બાદ આખેઆખો મૃતદેહ જ બદલાઈ ગયો હતો જેમાં પુરુષની જગ્યાએ મહિલાનો મૃતદેહ આપી દેતાં મોટો છબરડો સામે આવ્યો છે.
