નડિયાદમાં બુટલેગર ગીરીશનો માણસ દારૂ સાથે પકડાયો
પોલીસને જોઇ કાર ભગાડતા એક્ટિવા ને બાઇક હડફેટે ચડ્યું
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં સ્થાનિક પોલીસ સહિત જિલ્લાના એલ.સી.બી., એસ.ઓ.જી. અને પોલીસ પ્રશાસનના નાક નીચે બુટલેગર ગીરીશ પ્રજાપતિ બેફામ બન્યો છે. આ અંગેની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા ગીરીશ પ્રજાપતિનો મુદ્દામાલ સપ્લાય કરવા નિકળેલો ખેપીયો પકડાયો હતો. વારંવાર એસએમસી દ્વારા પકડાતા દારૂથી નડિયાદ પોલીસની કાર્યક્ષમતા અને નિયત સામે સવાલો ઊંભા થયા છે.
નડિયાદ પશ્ચિમ પોલીસ મથકની હદમાં વાઘેશ્વરી માતાજીના મંદિર નજીક એસએમસીએ પાર્ક કરેલી ઈકો કાર જોતા નજીક પહોંચતા કાર ચાલકે પોલીસથી બચવા માટે કાર ભગાડી હતી. જોકે આગળ પાર્ક કરેલા એક્ટીવા અને મોટરસાયકલને ભટકાડી હતી. જે બાદ આ કાર ચાલક પોલીસ પહોંચે તે પહેલા જ ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. વિજલન્સ પોલીસે બંદોબસ્ત ગોઠવી બીજી માહિતી મળી હતી ત્યાં નજીકમાં પહોંચી રીક્ષાને પકડી લીધી હતી અને રીક્ષા ચાલક સાગર ઉર્ફે વીકી અનિલભાઈ બારોટ (રહે.જુના ડૂમરાલ રોડ, નડિયાદ) પકડી પાડ્યો હતો. પોલીસે આ બંને વાહનોને યોગ્ય જાપ્તા સાથે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં લાવી બંને વાહનમાં તપાસ આદરતા અંદરથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી કુલ નંગ 844 કિંમત રૂપિયા 1 લાખ 26 હજાર 400 તેમજ બંને વાહનો મળી કુલ રૂપિયા 5 લાખ 6 હજાર 400નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. પોલીસે આ પકડાયેલા સાગર ઉર્ફે વીકી અનિલભાઈ બારોટની પુછપરછ કરતા બુટલેગર ગિરીશ પ્રજાપતિએ આ દારૂનો જથ્થો સાચવવા માટે આપ્યો હોવાનું જણાવ્યું છે અને તે માટે દૈનિક 500 રૂપિયા આપતો હોવાનું વિગતો પોલીસ સમક્ષ કબુલી છે.
સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા વધુ એક વખત નડિયાદમાં વિદેશી દારૂ કડી સ્થાનિક પોલીસને ઉંઘતી ઝડપી હતી.