( પ્રતિનિધિ )વડોદરા,તા.29
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં એસવાયની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે બીજી તારીખથી એફવાયની પરિક્ષા શરૂ થવાની છે. જોકે તે પૂર્વે વેબસાઈટ પરથી અનેક વિદ્યાર્થીઓને હોલ ટીકીટ ડાઉનલોડ કરવામાં મુશ્કેલી આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે કે પરિક્ષા કેવી રીતે આપીશું ?
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં પરિક્ષાઓનો દોર જારી છે. કોમર્સ ફેકલ્ટીમાં એસવાયની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. જોકે આ વર્ગની પરીક્ષાઓ ટાણે વિદ્યાર્થીઓને હોલ ટીકીટ ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડી હતી. સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ટેક્નિકલ ખામીને કારણે હોલ ટીકીટ ડાઉનલોડ નહિ કરી શકતા તેમને આઈકાર્ડના આધારે પરીક્ષા આપવા માટે મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે, બીજી તરફ 2 ડિસેમ્બરથી એફવાય બીકોમની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે. આ વિદ્યાર્થીઓ પણ હોલ ટીકીટ ડાઉનલોડ નહીં થતી હોવાની સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે. એક વિદ્યાર્થીનીને પણ આ સમસ્યા સર્જાય હતી. જોકે એક વિદ્યાર્થી સંગઠનના આગેવાનો સત્તાધીશો સાથે સાથે રૂબરૂ મુલાકાત કરાવી હતી. જ્યાંથી કહેવામાં આવ્યું હતું કે, આવતીકાલની રાહ જુવો થઈ જશે. બાકી સોમવારે આવી જજો કોઈ તકલીફ નહીં પડે, અન્ય પુરાવાના આધારે પરીક્ષામાં બેસવાની મંજૂરી અપાઈ છે.