Vadodara

એમએસયુમાં સત્તાધીશોએ સરકારના નીતિ નિયમોને નેવે મૂક્યા

ચાલુ ફરજે કર્મચારીના અવસાન બાદ પરિવારના આશ્રિતને નોકરી આપવામાં ઠાગાઠૈયા

15 વર્ષથી ન્યાય નહિ મળતા યુનિવર્સિટીના રજિસ્ટ્રારને રજૂઆત

( પ્રતિનિધિ )વડોદરા,તા.6

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં જોવા મળી છે. સરકારના નીતિ નિયમોની પણ અવગણના કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર કર્મચારીના નિધન બાદ 15 વર્ષ વીતી ગયા તેમ છતાં પણ સરકારના નિયમોની જોગવાઈઓ મુજબ આશ્રિત તરીકે નોકરી આપવામાં નહીં આવતા યુનિવર્સિટીના રજીસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી હતી.

સરકારના નિયમોની જોગવાઈઓ મુજબ ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત તરીકે નોકરી આપવાની માંગ સાથે એમ.એસ યુનિવર્સિટીના રજીસ્ટ્રારને મૃતક કર્મચારીના પુત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રાઘવ શુક્લ હાલમાં એમ.એસ.યુનિવર્સિટીમાં બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયમાં ટેમ્પરરી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેમના પિતા સ્વર્ગસ્થ પ્રસન્નવદન શુક્લ એમ.એસ.યુનિવર્સિટી ઓફ બરોડામાં હોલ ઓફ રેસીડેન્સ ખાતે કાયમી ધોરણે સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા.જેઓ તારીખ 22 ઓગસ્ટ 2009 ના રોજ અવસાન પામ્યા હતા. ચાલુ નોકરીએ તેઓ અવસાન પામ્યા હોય તેમના એકમાત્ર પુત્ર તરીકે સરકારની જોગવાઈઓ મુજબ રહેમરાહે નોકરી મેળવવા જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય સરકારના ઠરાવ અને નીતિ મુજબ યોગ્ય સમય મર્યાદામાં તેઓ દ્વારા 9 સપ્ટેમ્બર 2009 ના રોજ યુનિવર્સિટીમાં નોકરી મેળવવા માટે અરજીપત્રક દાખલ કર્યું હતું. ત્યારબાદ લાંબા સમયગાળા સુધી તે અંગેની યુનિવર્સિટી કક્ષાએથી કોઈપણ આગળની કાર્યવાહી નહીં થતાં ફરીથી તારીખ 15 નવેમ્બર 2017 ના રોજ પ્રથમ સ્મૃતિ પત્ર લખવામાં આવ્યો હતો. સરકારના નિયમોની જોગવાઈઓ મુજબ ચાલુ નોકરી દરમિયાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત તરીકે રહેમરાહે નોકરી મેળવવા માટે હકદાર હોય અને તે હેતુસર સમયસર અરજી કરી હોવા છતાં 15 વર્ષથી પણ વધુનો સમયગાળો વીતી ગયો છે. જોકે યુનિવર્સિટી તરફથી આજ દિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરી અને કોઈપણ પ્રત્યુતર ના મળતા એ રાજ્યના એક નાગરિક તરીકેના હકોનું ઉલંઘન થયું હોવાના આક્ષેપ પણ કર્યા હતા. તારીખ 13 મે 2010 ના રોજથી તદ્દન એડહોક ધોરણે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક અને ત્યારબાદ બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયમાં આજ દિન સુધી સેવાઓ આપી રહ્યા છે. ત્યારે આર્થિક રીતે વિષમ એવી પ્રવર્તમાન પરિસ્થિતિ પરત્વે સંવેદનશીલતા દાખવીને સરકારની જોગવાઈ મુજબ અવસાન પામનાર અમારા પિતાના આશ્રિત તરીકે પાછલી અસરથી યુનિવર્સિટીમાં કાયમી નોકરી મળે તે હેતુ સત્વરે ઘટિત કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જો યુનિવર્સિટી તરફથી આ ત્વરિત કાર્યવાહીમાં થનાર અનાવશ્યક વિલંબ કે શિથિલતા અમોને ન્યાયની અદાલતમાં જવા અવશ્ય મજબૂર કરશે તેવી ચેતવણી પણ યુનિવર્સિટીના સત્તાધીશોને આપવામાં આવી હતી.

Most Popular

To Top