:વિદ્યાર્થિનીની છેડતી કરનાર ત્રણ પૈકી એક ઝડપાયો બે ફરાર : સુરક્ષા સામે સવાલો ?
સયાજીગંજ પોલીસ અને શી ટીમે તપાસ હાથધરી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.13
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં જમવા બેઠેલી વિદ્યાર્થી સંગઠનની વિદ્યાર્થિની કાર્યકર્તાઓની બહારના તત્વો દ્વારા છેડતી કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્રણ પૈકી એકને વિદ્યાર્થીઓએ ઝડપી લીધો હતો. જ્યારે, બે ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને લઈ વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા હતા. જ્યારે ફેકલ્ટી ડીન દ્વારા પોલીસ બોલાવતા ઝડપાયેલા યુવકને હવાલે કર્યો હતો. જે બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બેઠેલા યુનિવર્સીટી બહારના ત્રણ યુવકો દ્વારા એબીવીપીની યુનિવર્સીટીની વાઈસ પ્રેસિડેન્ટ સહિત સંગઠનની વિદ્યાર્થિની કાર્યકર્તાઓ સાથે છેડતી કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં એબીવીપીના કાર્યકર્તાઓએ એક યુવકને પકડી પાડ્યો હતો. જ્યારે અન્ય બે યુવકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બનાવની ગંભીરતા ધ્યાનમાં રાખી સાયન્સ ફેકલ્ટીના ડીન દ્વારા તાત્કાલિક પોલીસની શી ટીમને બોલાવવામાં આવી હતી. ત્યારબાદ શી ટીમ સ્થળ પર પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
યુનિવર્સીટીની એબીવીપીની વાઈસ પ્રેસિડેન્ટ દર્શની પટેલે જણાવ્યું હતું કે, અમે પાંચ બહેનો સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં જમી રહ્યા હતા, એ સમયે બહારના અસામાજિક તત્વો ત્રણ છોકરાઓ ક્યારના અમને ટોકીંગ એન્ડ સ્ટેર કરી રહ્યા હતા અને એ વસ્તુ જોઈને અમે અમારી જગ્યા બદલી તો એ લોકો ત્યાં પણ આવ્યા અને જ્યારે, અમે એ ગેટની બહાર નીકળ્યા, ત્યારે એ લોકોએ અમને ધક્કો માર્યો, જેમાં એક બહેનનો ફોન હાથમાંથી નીચે પણ પડી ગયો હતો અને પછી અમે એવું કીધું કે સોરી તો બોલો તો એમણે અમને એવું કીધું હતું કે, તમે બહાર આવો તમને અમે જોઈ લઈશું. તેઓ યુનિવર્સિટીના સ્ટુડન્ટ પણ નથી. અમે જ્યારે કેન્ટીનમાં આ વસ્તુ કહેવા જઈએ છે, તો ત્યાંથી એવું કહેવામાં આવે છે. તમારી કોઈપણ મેટર હોય એ બહાર જઈને શોર્ટ આઉટ કરો, યુનિવર્સિટીમાં નહીં. તો કેમ આ વિદ્યાર્થીઓ બહેનો યુનિવર્સિટીની નથી શું બહેનોની સેફટી યુનિવર્સિટીની જવાબદારી નથી. આજે ઘટના બન્યા બાદ એ છોકરાઓ જ્યારે ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે, અમે વિજિલન્સ અને સિક્યુરિટીને કહેવામાં આવ્યું કે એ લોકોનું આઈકાર્ડ ચેક કરે, ત્યારે યુનિવર્સિટી તરફથી કોઈપણ એક્શન હતી નહીં. સિક્યુરિટી દ્વારા ના એમનું આઈકાર્ડ ચેક કરવામાં આવ્યું કે ના એમને ઊભા રાખવામાં અમને મદદ કરી. અમારા ભાઈઓ અને અમુક બહેનોએ ભેગી થઈને એમને ઘેરી લીધા હતા. અમે જ્યારે યુનિવર્સિટીને અરજ કરી એ લોકોની સામે કેસ ફાઈલ થાય તો તેમના દ્વારા પણ કોઈ રિએક્શન જોવા મળ્યું નથી. જો યુનિવર્સિટી આ બાબતે ફરિયાદ દાખલ નહીં કરે તો અમે બહેનનો મળી જાતે જઈને ફરિયાદ દાખલ કરાવીશું. વારંવાર આવી ઘટનાઓ થઈ છે. અસામાજિક તત્વો બહારથી આવીને હાની પહોંચાડે છે, પણ આ વખતે મહિલાઓની સુરક્ષા બાબતની વાત હતી જે ખૂબ જ નિંદનીય હરકત કહેવાય. જોકે ઘટનાને પગલે વિદ્યાર્થી સંગઠન એબીવીપી મેદાનમાં ઉતર્યું હતું. ફેકલ્ટીના સત્તાધીશોને આડેહાથ લઈ ઉગ્ર રજૂઆત કરી હતી. જો યુનિવર્સીટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
શી ટીમને બોલાવી અને તેમના દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી :
આ ઘટના બની, ત્યારે અહીંયા હું હાજર ન હતો હું ક્લાસ લેતો હતો. મને ફોન કરીને બોલાવીને કીધું છે કે, એક છોકરો પકડાયો છે અહીંયા, જે ફેકલ્ટીની કેન્ટીનમાં બેઠો હતો અને છોકરીઓની સામે ઘુર્યા કરતો હતો. એ છોકરીએ એને કીધું તો એણે ધમકી આપી કે, બહાર આવી જાવ બતાવીશું. જેથી છોકરીઓએ મને ફરિયાદ કરી હતી. તે યુનિવર્સીટીનો નહીં હોવા છતાં પણ યુનિવર્સિટીમાં શું કામ આવે છે. એટલે એ હિસાબે પગલાં લેવા માટે અમે શી ટીમને બોલાવી અને તેમના દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે. સિક્યુરિટીની અછત ન કહી શકાય. કારણ કે, સિક્યુરિટી ગેટ પર હોય છે આ જે જગ્યાએ ઘટના બની તે કેન્ટીનની જગ્યા પર સિક્યુરિટી નથી હોતી એટલે સિક્યુરિટીનો વાંક કાઢી ન શકાય. : વિપુલ કલમકર ડીન, સાયન્સ ફેકલ્ટી