એમ.એમ. હોલના રૂમમાંથી દારૂની બોટલો અને સિગારેટના પેકેટ મળતાં ખળભળાટ
સયાજીગંજ પોલીસ દ્વારા તપાસ શરૂ
(પ્રતિનિધિ) વડોદરા, તા. ૩૧
વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (એમએસયુ)માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ એમ.એમ. હોલના એક રૂમમાંથી દારૂની બોટલો સહિતના નશીલા પદાર્થો મળી આવતાં સમગ્ર કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સયાજીગંજ પોલીસ સ્ટેશન દ્વારા મોડી રાત્રે કરવામાં આવેલી રેડ દરમિયાન એમ.એમ. હોલના એક રૂમમાંથી ૨૫થી ૩૦ ખાલી દારૂની બોટલો મળી આવી હતી. આ ઉપરાંત એક બોટલમાં દારૂ ભરેલો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હોસ્ટેલ રૂમમાંથી ખાલી સિગારેટના પેકેટ પણ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની જાણ થતાં જ એમ.એસ. યુનિવર્સિટીનું પ્રશાસન પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું અને મામલે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ એમ.એમ. હોલમાં લાંબા સમયથી દારૂ પાર્ટી થતી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મોટી માત્રામાં નશીલા પદાર્થો હોસ્ટેલ સુધી કેવી રીતે પહોંચ્યા, કોના દ્વારા લાવવામાં આવ્યા અને તેમાં કેટલા વિદ્યાર્થીઓ સંડોવાયેલા છે તે બાબતે અનેક સવાલો ઊભા થયા છે. આ ઘટનાને પગલે યુનિવર્સિટી પ્રશાસનની દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર પ્રશ્નચિહ્ન ઉભાં થયા છે. સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.
