Comments

એનાં અઢાર હશે, આપણાં છત્રીસ છે

શાળાના અભ્યાસકાળ દરમિયાન અનેક વૈજ્ઞાનિક, ઐતિહાસિક, ભૌગોલિક તથ્યો ભણવામાં આવતાં હોય છે, જે ભણતી વખતે મોટે ભાગે યાંત્રિક ઢબે વિદ્યાર્થીઓ યાદ રાખી લેતાં હોય છે. તેનો મુખ્ય હેતુ પરીક્ષા પૂરતો જ હોય છે. આવું એક ભૌગોલિક સત્ય એટલે ‘ઊંટને રણનું જહાજ કહે છે’. ઊંટની શારીરિક રચના એવી છે કે તે રેતાળ પ્રદેશમાં સહેલાઈથી અનુકૂલન સાધી શકે છે. સ્વાભાવિકપણે જ રણપ્રદેશમાં તેનો ઉપયોગ બહુવિધ હોય. ઊંટને ‘રણનું જહાજ’ગણવાનું આ જ કારણ. રણપ્રદેશનાં રહેવાસીઓ માટે તેનું જે મહત્ત્વ છે, તેને ધ્યાનમાં લઈને સરકારી સ્તરે ઊંટના સંરક્ષણ માટે વિવિધ નીતિઓ પણ ઘડાતી આવી છે. આમ છતાં, ચિંતાજનક બાબત એ છે કે રાજસ્થાનના પશુપાલન વિભાગના આંકડા અનુસાર આ પ્રદેશમાં ઊંટની સંખ્યા ઘટી રહી છે.

નવાઈ લાગે એવી વાત છે કે છેલ્લા બે દશકમાં ઊંટના સંરક્ષણ માટે જે કામ થતું આવ્યું છે તેનાં પરિણામ સાવ વિપરીત અને આશ્ચર્યજનક મળ્યાં છે. ઊંટની સંખ્યામાં ચાળીસેક ટકા જેટલો ઘટાડો થયો છે, જેનું મુખ્ય કારણ છે ઊંટપાલનમાં પશુપાલકોની ઘટતી જતી રુચિ. ઈ.સ.2014થી ઊંટને રાજસ્થાનના ‘રાજ્ય પશુ’તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઊંટપાલન માટે પશુપાલકોને સરકારી સ્તરે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. રાજસ્થાનમાં પ્રવાસન સાથે સંકળાયેલાં પ્રત્યેક પાસાંમાં ઊંટોનો સમાવેશ કરાયેલો છે. આ બધા પ્રયત્નો છતાં ઊંટની સંખ્યા ઘટી રહી છે. આ બાબત ચિંતાપ્રેરક છે.

ભારતનાં, ખાસ કરીને રાજસ્થાનનાં ઊંટો બાબતે અધિકૃત અભ્યાસ કરનારાં જર્મન વિજ્ઞાની, વિદૂષી ઈલ્સે કોહ્‍લર રોલેફ્સનના જણાવ્યા અનુસાર પાકિસ્તાન, મધ્ય એશિયા, આફ્રિકા કે વિશ્વભરમાં અન્યત્ર બધે જ ઊંટોની વસતિ વધતી રહી છે, પણ ભારતમાં એ ઘટી રહી છે એ ચિંતાનો અને અમુક અંશે વક્રતાનો વિષય કહી શકાય. 2024ના વર્ષને યુનાઈટેડ નેશન્‍સ ફુડ એન્‍ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફ.એ.ઓ.) દ્વારા ‘યર ઑફ કેમલીડ્સ’તરીકે ઘોષિત કરવામાં આવ્યું હોય ત્યારે તો ખાસ.

રોલેફ્સને આ ઘટાડા માટે અનેક કારણો ટાંક્યાં છે. એ મુજબ ભારતના કાયદા અનુસાર હવે રાજ્યની સરહદ બહાર તેમજ દેશ બહાર ઊંટોની નિકાસને પ્રતિબંધિત કરે છે. આને કારણે ઊંટનું મૂલ્ય સાવ ઘટી ગયું છે. તેમનો ચરાણવિસ્તાર નષ્ટ થઈ ગયો છે. ઊંટની પેદાશોના વેચાણ માટે યોગ્ય કડીનો અભાવ છે. રોલેફ્સને ‘કેમલ કરિશ્મા’નામનું એક સામાજિક સાહસ આરંભ્યું છે, જે પશુપાલકોને બજાર સાથે સાંકળવાનું અને એ રીતે ઊંટના સંવર્ધનમાં સહાયરૂપ થવાનું લક્ષ્ય ધરાવે છે, જેથી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાં ઊંટનું જે સ્થાન છે એ ટકી રહે.

ઊંટની જેમ ગધેડાં જેવાં અન્ય ભારવાહક પશુઓની વસતિ ભારતમાં ઘટતી ચાલી છે. યાંત્રિકીકરણ આ માટેનું મુખ્ય પરિબળ ખરું, પણ રોલેફ્સનના જણાવ્યા અનુસાર પશુધનનું ઔદ્યોગિકીકરણ વધુ જવાબદાર છે. વિશ્વભરમાં પશુપાલકો ઊંટ તેમજ અન્ય પશુઓને પોતાના પરિવારનો હિસ્સો જ ગણે છે. તેનાથી આ બાબત સાવ વિપરીત છે. એકવીસમી સદીના આરંભથી વિશ્વભરના વિચરતા પશુપાલકો જોખમગ્રસ્ત બન્યા છે, કેમ કે, તેમની ગણના પછાતમાં થાય છે. ખનનકામ, સિંચાઈકામ કે અન્ય ઊર્જા પ્રકલ્પો થકી ‘વિકાસ’ના નામે તેમનાં વડવાઓના સમયથી ઉપયોગમાં લેવાતાં ગોચરો તેઓ ગુમાવી રહ્યા છે. રોલેફ્સને ભારતનાં ઊંટો પર પુષ્કળ અભ્યાસ કર્યો છે.

તેમણે ઊંટના પર્યાવરણ પર પડતા પ્રભાવ બાબતે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે આવાં પશુઓ સતત ફરતાં રહે તો તેનો પ્રભાવ પર્યાવરણ પર સકારાત્મક પડે છે. અન્ય જંગલી શાકાહારી પશુઓની જેમ જ તે બીજને પ્રસરાવે છે, એના અંકુરણને સહાય કરે છે, સેન્દ્રિય સામગ્રીને જમીનમાં ઊતારે છે, કાર્બનચક્રને ટકાવે છે, જમીનનાં સૂક્ષ્મ જીવાણુઓને પોષણ આપે છે તેમજ પક્ષીઓના આહાર એવાં જંતુઓના પ્રજનન માટે અનુકૂળતા ઊભી કરે છે. ‘એફ.એ.ઓ.’દ્વારા ઘોષિત ‘યર ઑફ કેમલીડ્સ’દરમિયાન નિર્ધારિત લક્ષ્યાંકને પાર પાડવાં હોય તો ઊંટના ચરાણવિસ્તારનું રક્ષણ કરવું જરૂરી છે. તેની પેદાશો માટે વિકેન્‍દ્રિત માળખાકીય સુવિધાઓમાં રોકાણ કરીને તેને બજાર સાથે સાંકળવી જરૂરી છે.

રાજસ્થાન સરકાર પણ આ સમસ્યાના ઉકેલ માટે વિવિધ પગલાં લઈ રહી છે. નવા જન્મેલા બોતડા દીઠ દસ હજાર રૂપિયાની સબસીડી તેના માલિકને આપવામાં આવે છે. રાજસ્થાનની ‘સરસ ડેરી’દ્વારા ઊંટના દૂધનો વ્યાપાર આરંભાયો છે. રાજસ્થાન સરકારે વર્તમાન વર્ષના બજેટમાં ઊંટની જાળવણીના મિશનની ઘોષણા કરી છે અને બોતડાને ઉછેરવા માટે વીસ હજારની પ્રોત્સાહક રકમ આપવાનું નક્કી કર્યું છે. આમ છતાં, આ પગલાં પૂરતાં નથી. ઊંટની જાળવણી માટે વધુ વ્યાપક સ્તરે, લાંબા ગાળાનાં પગલાં લેવાં જરૂરી છે.

ઊંટ એક વિશિષ્ટ પ્રાણી છે, જે અતિ વિશિષ્ટ ભૌગોલિક પ્રદેશ માટે સર્જાયું છે. માનવ પોતાના સ્વાર્થ માટે તેને તદ્દન વિપરીત ભૌગોલિક વિસ્તારમાં પણ સ્થળાંતરિત કરે છે. એ હકીકત છે કે કોઈ પણ ચીજ આપણી પાસે સુલભ હોય ત્યારે આપણે ભાગ્યે જ એની જાળવણી બાબતે ફિકર કરતાં હોઈએ છીએ. એમાં ને એમાં તે જોખમગ્રસ્ત બને ત્યારે આપણે સફાળા જાગીએ છીએ. સફાળા જાગ્યા પછી પણ જો યોગ્ય પગલાં ન ભરાય તો જોતજોતાંમાં એ ચીજ નષ્ટ થવાને આરે આવી જાય છે. ઊંટ હોય કે પર્યાવરણ સાથે સંકળાયેલાં અન્ય પરિબળો, સરકારી રાહે તેને બચાવવાના કાર્યક્રમ ભલે થતા રહે, પણ વ્યક્તિગત સ્તરે તેની જાગૃતિ ન આવે તો એનો કશો અર્થ નથી રહેતો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top