આપણા દેશમા સામાન્ય પ્રજાની લાચારી અને નેતાઓની તમાશાબાજી સમાંતરે ચાલી રહ્યાં છે. પ્રજાએ એ જોવાની અને સમજવાની જરૂર છે. યુ.પી.ના એક ખેડૂતે બેંકમાંથી 70 હજારની લોન લીધી, જે તેનાથી સમયસર ભરી ન શકાતાં, તેણે મજબુરીથી આત્મહત્યા કરી લીધી. બીજી તરફ આપણા આત્મશ્લાઘામાં ડૂબેલા મોદીજી પ્રચાર રેલીમાં પોતાની ઉપર 1-1 કરોડની પુષ્પવર્ષા કરાવડાવે છે. જે વંદે ભારત ટ્રેનને તેઓ લીલી ઝંડી બતાવવા દોડે છે એ પ્રત્યેક તમાશાનો ખર્ચ 1 કરોડ 48 લાખ થાય છે. આવી 19 ટ્રેનોને એમણે ઝંડી બતાવવા માટે 30 કરોડથીયે વધુ રૂા.ઉડાવ્યા છે.
હાલમાં જ મધ્યપ્રદેશમાં એક ચૂંટણી-સભા સંબોધન પહેલાં એમણે ભાજપના વીઆઇપી નેતાઓ સાથે બે કલાકમાં ચા નાસ્તો કર્યો, જેનું બીલ ચુકવણું 97 લાખ રૂપિયા! (ઓન રેકોર્ડ) સીએજીના રીપોર્ટ મુજબ મોદીજી પોતાના પ્રચાર પાછળ દર મિનિટે અધધધ 4231 રૂા. પ્રજાની તિજોરીમાંથી ઉડાવે છે. એટલે કે રોજના 61 લાખ રૂપિયા! વળી એમની સુરક્ષા પાછળ ખર્ચાય રોજના 2 કરોડ રૂા. આ ઉપરાંત ગરીબ ફકીર કહેવાતા પ્રધાન મંત્રી મોદીજીએ હાલનાં ત્રણ વર્ષમાં પોતાના માનીતા મિત્ર એવા ઉદ્યોગપતિઓને 2.98 અબજ રૂા.ની વેરા માફી રૂપી સબસિડી આપી છે. બીજી બાજુ સામાન્ય માનવી અને ખેડૂતો લાખ બે લાખ રૂા. માટે ઇજ્જત આબરૂ જતાં રોજેરોજ આત્મહત્યાઓ કરે છે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
લકવાથી બચો
તાજેતરમાં “જર્નલ ઓફ મેડિકલ એસોસીએશન ઓફ કેનેડા” માં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, વરિષ્ઠ નાગરિકોમાં લકવાના હુમલાની શક્યતા બાથરૂમમાં નાહવા સમયે સામાન્ય સંજોગો કરતાં વધારે હોય છે. વધુમાં, અહેવાલમાં જણાવ્યું છે કે લકવો, પક્ષાઘાત કે પેરાલીસીસના હુમલાની શક્યતા જેમાં ઘણી વાર ન્હાવાની રીત જવાબદાર હોય છે. જે આકસ્મિક મૃત્યુનું કારણ બને છે. ન્હાવાની યોગ્ય રીત અપનાવો તો આકસ્મિક મૃત્યુ નિવારી શકાય. સામાન્ય રીતે ન્હાવાની શરૂઆત મોટે ભાગે ગરમ પાણી માથા પર અને વાળ ભીના કરીને કરીએ છીએ ત્યાર બાદ શરીર પર અને અંતે પગ પાણીથી ધોઈએ છીએ.
વળી કેટલાક તો ગંગા ન્હાયા, સરસ્વતી ન્હાયા, નર્મદા ન્હાયા, તાપી ન્હાયા, બોલતા જાય અને બધી નદીનું પુણ્ય લેતા જાય. આ યોગ્ય રીત નથી. કારણ, આ અહેવાલના તબીબોના જણાવ્યા અનુસાર માથા પર ગરમ પાણી રેડવાથી રક્તવાહિનીનો પ્રવાહ ત્વરિત ગતિએ વધી જાય છે અને જો, હાઈ બ્લડપ્રેશર ,હાઇ કોલેસ્ટ્રોલ, આધાશીશી જેવી બીમારીની તકલીફ હોય તો રક્તવાહિની ફાટી જવાની સંભાવના ઘણી વધી જાય છે .જે લકવા કે પક્ષાઘાતનું મુખ્ય કારણ બને છે. યોગ્ય રીત એ છે, કે પહેલાં પગ ભીના કરો, ત્યાર બાદ સાથળ, હાથ ,પગ અને છેલ્લે વાળ ભીના કરી ,માથા પર પાણી નાખો, જેથી શરીરનું તાપમાન પાણીના તાપમાન સાથે સંકલિત થશે.ચાલો, નહાવાની આપણી રોજિંદી ટેવ બદલીએ અને તંદુરસ્ત રહીએ.વાત નાની છે ,પણ અત્યંત જરૂરી છે.
Prevention is better than cure.
સુરત જયેન્દ્ર કાપડિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.