અકસ્માતવાળી ટ્રકની બોડી વધારવામાં આવેલ હોવાનું જણાવી તેમ જ અકસ્માત સમયે ટ્રકમાં માન્ય ક્ષમતા કરતાં વધુ માલ ભરેલ હોવાની એટલે કે ટ્રક ઓવર લોડેડ હોવાનું જણાવી ટ્રકને અકસ્માતથી થયેલ નુકસાન અંગેનો કલેમ પોલીસીની શરત ભંગનું કારણ દર્શાવી નકારવામાં વીમા કંપનીના પક્ષે સેવામાં ખામી થયેલ હોવાનું જણાવી અત્રેની જિલ્લા ગ્રાહક અદાલતે ટ્રકના અકસ્માતવાળો કલેમ નોન-સ્ટાન્ડર્ડ ધોરણે સેટલ કરવાનો અને કલેમની ૭૫ % રકમ વ્યાજ+વળતર સહિત વીમેદારને ચૂકવવાનો વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો હતો.
સુરત કામરેજના ભૂપતભાઈ વાઘાણીએ એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફત ધી ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિ. અને તેના બ્રાંચ મેનેજર વિરૂધ્ધ અત્રેના જિલ્લા ગ્રાહક કમિશન સમક્ષ દાખલ કરાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદીએ Ashok Leyland કંપનીની Tipper Ashok Leyland 2516 T IL તરીકે ઓળખાતી Tipper ટ્રક (ડમ્પર) રૂ. ૨૪,૨૯,૪૨૨/- ની કિંમતે તા. ૨૯/૦૬/૨૦૧૨ના રોજ ખરીદેલી. ફરિયાદી દ્વારા ટ્રકના પાછળના ભાગમાં ફાળકાની હાઈટ ૨૪ ઈંચ વધારવામાં આવેલ તેમ જ પાછળના ભાગમાં બોડીને બે બાજુથી પણ ૨૪ ઈંચ વધારવામાં આવેલ. મજકૂર વાહન અંગે R.T.O. રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ R.T.O. સુરત દ્વારા તા. ૦૪/૦૭/૨૦૧૨ના રોજ ઈશ્યુ કરવામાં આવેલું. ટ્રક-ટીપરનો વીમો સમાવાળા ધી ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિ. સૈફી બીલ્ડિંગ, નાનપુરા સૂરત કનેથી લેવામાં આવેલો. વીમો અમલમાં હતો તે દરમિયાન તાઃ ૦૪/૦૫/૨૦૧૩ ના રોજ મજકૂર વાહન બોડેલીથી Load થઇને સુરત પરત ફરતું હતું.
ત્યારે ઉમલ્લા પાસે રસ્તામાં સામેથી પૂર ઝડપે એક બાઈક આવવાથી ટ્રકના ડ્રાઈવરે તે બાઈકસવારને બચાવવા જતા મજકૂર ટ્રક પાસે આવેલ ખાડીના નાળાની પાળ સાથે અથડાતાં મજકૂર ટ્રકને ગંભીર અકસ્માત થયેલો. મજકૂર ટ્રકની ડીઝલ ટાંકીમાંથી ડીઝલ બહાર નીકળીને ઢોળાયેલ તેમ જ મજકૂર ટ્રક ખાડીમાં પડી ગયેલ અને મજકૂર ટ્રકના આગળના ભાગ તેમ જ એન્જિન સળગી ગયેલ તેમ જ મજકૂર ટ્રકને ગંભીર નુકસાન થઈ ગયેલ. મજકૂર ટ્રકને રીપેર કરવાનો લગભગ રૂ. ૧૮,00,000/- નો એસ્ટીમેટ ડીલરે આપેલો. મજકૂર ટ્રકને થયેલ અકસ્માત અંગે ફરિયાદીએ સામાવાળા નં.(૧) વીમાકંપનીને જાણ કરેલી ત્યાર બાદ સામાવાળા વીમા કંપની દ્વારા કોઈ સર્વેયરની નિમણૂક કરવામાં આવેલ. સર્વેયરે ફરિયાદવાળા મજકૂર ટ્રકનો સર્વે કરેલો પરંતુ લગભગ પાંચ-છ મહિના સુધી સામાવાળા કંપની દ્વારા મજકૂર ટ્રકને થયેલ નુકસાન અંગેનો ઇન્શ્યોરન્સ કલેમ પ્રોસેસ- સેટલ થયેલ નહીં. જેથી ફરિયાદીએ વારંવાર વીમાકંપની સમક્ષ ઇન્શ્યોરન્સ કલેમના સેટલમેન્ટની કામગીરી બનતી ત્વરાએ પૂરી કરવા વિનંતી કરેલી. ત્યાર બાદ, સામાવાળા નં.(૧)નાએ તેમના તા. ૩૦/૧૨/૨૦૧૩ ના રોજના પત્રથી ફરિયાદીનો કલેમ મજકૂર ટ્રક અકસ્માતના સમયે Overloaded હોવાનું જણાવીને નામંજૂર કરેલો.
સામાવાળા વીમા કંપનીના જણાવ્યા મુજબ મજકૂર ટ્રક-ટીપર ખરીદયા પછી ફરિયાદી દ્વારા બિનઅધિકૃત રીતે તેની હાઈટ ૨૪ ઈંચ (એટલે કે ૨ ફૂટ જેટલી) વધારવામાં આવી હતી તેમ જ અકસ્માતના સમયે મજકૂર ટ્રકમાં ૧૫૨૩૮ કિલોગ્રામ વજનનો માલ હતો એટલે કે ટ્રક-ટીપરની માન્ય ક્ષમતા કરતાં ૭૭ %થી પણ વધુ ઓવર લોડેડ ટ્રક હતી અને ટ્રક ઓવર લોડેડ હોવાને કારણે અકસ્માત થયેલ હતો. તેમ જ વીમા પોલીસીની શરત અનુસાર જો ટ્રકમાં ઓવર લોડીંગને કારણે નુકસાન થયું હોય તો તેવા નુકસાનનો કલેમ ચૂકવવા વીમા કંપની જવાબદાર થતી નથી તેવું જણાવી વીમા કંપનીએ કલેમ નકારી કાઢયો હતો. જેથી ફરિયાદીએ ગ્રાહક અદાલતમાં કાર્યવાહી કરવાની જરૂરત પડી હતી.
ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈએ ગ્રાહક કમિશન સમક્ષ દલીલો કરતા જણાવ્યું હતું કે, ફરિયાદી દ્વારા વાહનની બોડીમાં જે ફેરફાર કરેલ છે તેના કારણોસર સમગ્ર કલેમનો ઈન્કાર કરી શકાય નહીં. ટ્રકની હાઈટ વધાર્યા બાદ જ આર.ટી.ઓ.માં તેનું પાસીંગ કરાવેલ હતું એટલે હાઈટ બિનઅધિકૃત રીતે વધારવામાં આવેલ હોવાનું ગણાય નહીં. વધુમાં વાહનના બોડીમાં વધારો કરવાના કારણે યા ઓવર લોડીંગના કારણે આખા કલેમનો ઈન્કાર કરી શકાય નહીં તેવું જણાવી કુલ ખર્ચના ૭૫ % રકમ ચૂકવવી જોઈએ તેવો કાનૂની સિધ્ધાંત નામદાર સુપ્રીમ કોર્ટે પ્રસ્થાપિત કરેલ છે. નામદાર ગુજરાત સ્ટેટ કમિશને પણ આ પ્રકારના કાનૂની સિધ્ધાંતને અનુમોદન આપ્યું છે. જે હકીકતોમાં ફરિયાદીને ટોટલ ખર્ચના ૭૫ % રકમ ચૂકવવા વીમા કંપની જવાબદાર હોવાની રજૂઆત કરી હતી.
સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (અધિક)ના પ્રમુખ ન્યાયાધીશ એમ. એચ. ચૌધરી અને સભ્ય પૂર્વીબેન જોષીએ આપેલ ચુકાદામાં ફરિયાદીની ફરિયાદ અંશત: મંજૂર કરી સામાવાળાએ ફરિયાદીના કલેમના ૭૫ % રકમ એટલે કે રૂા. ૧૩, ૮૭, ૫00/- અરજી કર્યાની તારીખથી એટલે કે તા. ૩૧/૧૨/૨૦૧૪ થી રકમ વસૂલ થાય ત્યાં સુધી વાર્ષિક ૬ % ના વ્યાજસહિત સંયુકત અથવા વિભકત રીતે હુકમની તારીખથી દિન–૩0માં બારોબાર અકાઉન્ટ પેઈ ચેકથી ચૂકવી આપવાનો તેમ જ ફરિયાદીને થયેલ માનસિક ત્રાસ, હાડમારી અને હેરાનગતિના વળતર પેટે રૂા. ૩OOO/- તેમ જ અરજીના ખર્ચ પેટે રૂ. ૨,000/- ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. ટ્રાન્સપોર્ટરો અને વીમા કંપનીઓ માટે આ ચુકાદો દીવાદાંડીરૂપ બની રહેશે.