Gujarat

એકના ચારગણા કરવાની લાલચ આપી કેમિકલ વડે 12 લોકોની હત્યા કરનાર ભુવાનું પોલીસ કસ્ટડીમાં મોત

પોતે માતાજીનો ભુવો છે એટલું જ નહીં એકના ચાર ગણા રૂપિયા કરી આપીશું તેવુ કહીને છેતરપિંડી કરતાં તાંત્રિક ભુવાની સરખેજ પોલીસે 3જી ડિસેમ્બરે ધરપકડ કરી હતી. જો કે ખતરનાક કમિકલ વડે 12 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાની કબૂલાત કર્યા બાદ આખરે પોલીસ કસ્ટડીમાં ભુવાનું મોત નીપજયુ હતું. આ ભુવાએ સોડિયમ નાઇટ્રેટથી 12 લોકોની હત્યા કરી હતી. તે માત્ર 20 મિનિટમાં મોત આપતો હતો. એટલું જ નહિ તેણે પોતાના મા-દાદી અને કાકાને પણ પતાવી દીધા હતા. અમદાવાદમાં ફેક્ટરી માલિકની હત્યાનો પ્લાન ઘડ્યો તો જો કે તેને તે પહેલા જ દબોચી લેવાયો હતો.

સરખેજ પોલીસે ઝડપેલા તાત્રિક ભુવાનું નામ નવલસિંહ ચાવડા હતું. જે મૂળ વઢવાણનો રહેવાસી તાંત્રિક નવલસિંહ ચાવડા છેલ્લા 7 મહિનાથી અમદાવાદ શહેરનાં વેજલપુર વિસ્તારમાં પરિવાર સાથે રહેવા માટે આવ્યો હતો. આરોપી તાંત્રિક નવલસિંહ ચાવડા પોતે મેલડી માતાનો ભૂવો અને તાંત્રિક વિધિ જાણતો હોવાનું લોકોને જણાવતો હતો. તાંત્રિક વિધિ કરીને એકના ચાર ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપતો હતો. આરોપીએ એક અભી નામના યુવકને પણ ફસાવ્યો હતો. એક ના ચાર ગણા કરી આપવાની લાલચ આપીને રૂપિયા પડાવ્યા બાદ તેને તાંત્રિક વિધિના નામે પાણી કે આલ્કોહોલમાં કોઈ પદાર્થ પીવડાવી રૂપિયા પડાવી લેતો હતો.

આરોપીની પૂછપરછમાં બહાર આવેલી વિગતો મુજબ ગત 1લી ડિસેમ્બર બપોરે ત્રણ વાગ્યાની આસપાસ અભિને પૈસા લઈને સનાથલ સર્કલ પાસે બોલાવવાનો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના બહાના હેઠળ તેને પાણી કે કેફી પીણું પીવડાવીને અડધો કલાકમાં ચાર ગણા રૂપિયા લઈ જવા માટેનું કહેતો હતો. આ તાંત્રિક ભુવાએ પોતાની યુ ટ્યૂબ ચેનલ પણ શરૂ કરી હતી. તાંત્રિક વિધિના નામે ચાર ગણા પૈસા કરવાનો કેસમાં પોલીસે પકડેલા આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યું છે. પોલીસ લોકઅપમાં તબિયત લથડતા 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. હોસ્પિટલમાં સારવાર મળે એ પહેલા જ ભુવાનું મોત થયું હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

સરખેજ પોલીસે તાંત્રિક નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી. ત્યારે ભુવાની ધરપકડ બાદ એક કરતા વધુ હત્યા કરી હોવાના ખુલાસા થયા હતા. પોલીસ તપાસમાં એવી હકીકતો બહાર આવી હતી કે આ તાંત્રિક સિરિયલ કિલર હતો. તેણે 12 જેટલી હત્યાને અંજામ આપ્યો હતો. પૈસાની લાલચમાં 12 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તમામ 12 હત્યા લોકોની હત્યામાં સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કર્યાનું તપાસમાં ખૂલ્યું છે. સોડિયમ નાઈટ્રેટથી મોત નીપજાવવામાં આવ્યુ હતું. મરતા પહેલા જ ભુવાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે નાણાં ચાર ગણા કરાવવા આવેલી વ્યકિત્તને પાણી અથવા દારૂમાં સોડિયમ નાઇટ્રેટ ભેળવી દેતો હતો. જે બાદ 15 થી 20 મિનિટમાં વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થઇ જતું હતું.
તાંત્રિકે ૧ હત્યા અસલાલીમાં, ૩ સુરેન્દ્રનગર, ૩ રાજકોટના પડધરી ખાતે, ૧ અંજાર, ૧ વાંકાનેર તથા ૩ પોતાના પરિવારમાંથી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. એટલું જ નહિ પરિવારમાં દાદી, માતા અને કાકાની પણ આજ રીતે હત્યા કરી હતી. તે સુરેન્દ્રનગરના વઢવાણમાં ગોરખધંધો ચલાવતો હતો. સુરેન્દ્રનગરની લેબોરેટરીમાંથી જ તેણે સોડિયમ નાઇટ્રેટ ખરીદ્યુ હતું.

Most Popular

To Top