મહાન ક્રાંતિકારી યુવાન ભગતસિંહ ……દેશપ્રેમથી છલોછલ હ્રદય ..પોતાની જન્મભૂમિ અને દેશવાસીઓ માટે ભરપૂર પ્રેમ અને અંગ્રેજો તરફ અને ગુલામી પ્રત્યે નફરત.યુવાન ભગતસિંહને અંગ્રેજ સરકારે ફાંસીની સજા કરી. જીવનના અંતિમ દિવસોમાં ભગતસિંહ પુસ્તકો વાંચતાં ….દેશપ્રેમનાં ગીતો ગાતાં…પોતાનો અંત નજીક હોવા છતાં તેમના ચહેરા પર દુઃખની એક લકીર પણ ન હતી..દેશપ્રેમની ખુમારી હતી.આખા દેશનો પ્રેમ તેમની સાથે હતો.હજારો દેશવાસીઓ તેમને માટે રડી રહ્યાં હતાં.ફાંસીના બે દિવસ પહેલાં જેલરે પૂછ્યું, ‘ભગતસિંહ, તારી કોઈ ખાસ અંતિમ ઈચ્છા હોય તો કહે, હું તે પૂરી કરવાનો પ્રયત્ન કરીશ.’
જેલરની વાત સાંભળી ભગતસિંહ હસવા લાગ્યા અને બોલ્યા, ‘ઇન્કલાબ ઝીન્દાબાદ …મારી એક જ ઈચ્છા છે મારા દેશની આઝાદી ..શું તમે તે પૂરી કરી શકશો? જેલર કંઈ ન બોલ્યા.ભગતસિંહે હસતાં હસતાં કહ્યું, ‘ચાલો, હું અમારા બધા ક્રાંતિકારીઓની એક ઈચ્છા છે કે સમાજમાં એકતા આવે.તે માટે તમને એક વિનંતી કરું છું અને તમે તે પૂરી કરી શકશો.’ જેલરે કહ્યું, ‘બોલો, હું તે સંતોષવાની જરૂર કોશિશ કરીશ.’ ભગતસિંહ પોતાના સાથીઓની સામે જોઈ બોલ્યા, ‘અમે ‘બેબે’ ના હાથે બનાવેલું ભોજન જમવા માંગીએ છીએ.’ બેબે જેલનો ઝાડુવાલો ..શૌચાલય સાફ કરનારો ભંગી હતો.તેને બોલાવીને જેલરે વાત કરી. બેબે આ સાંભળી રડવા લાગ્યો અને ભગતસિંહને કહેવા લાગ્યો, ‘હું ભંગી છું …ગંદા કામ કરનારા મારા હાથ તમારે માટે ભોજન કઈ રીતે બનાવી શકે.મારા હાથ એવા ચોખ્ખા નથી કે તે હાથે બનેલી રોટલી તમે ખાઈ શકો.’
ભગતસિંહ બેબે પાસે ગયા. તેને ભેટ્યા અને બોલ્યા, ‘બેબે, તું સાંભળ ….એક મા પોતાના નાના બાળકનાં મળ મૂત્ર દિવસમાં કેટલી વાર સાફ કરે છે અને પછી તે જ હાથે તેના માટે રસોઈ બનાવે છે અને તે જ હાથે પોતાના બાળકને જમાડે છે ને.શું કોઈ મા ના હાથ ગંદા ગણાય છે? તું સમાજ માટે ઉપયોગી કામ કરે છે.તારા કામથી સ્વચ્છતા રહે છે. તું કોઈ ચિંતા ન કર. જલ્દી ભોજન અને રોટલી બનાવ. અમારે તારા હાથનું જ ભોજન જમવું છે.’ ભંગી બેબેએ ભોજન બનાવ્યું.ભગતસિંહે પહેલો કોળિયો બેબેના હાથથી પ્રેમથી આરોગ્યો અને જીવનના અંત પહેલાં એકતા પ્રેમનો સંદેશ આપ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.