ઉમરેઠમાં ઝાડા-ઉલ્ટીના રોગચાળાને અટકાવવા આરોગ્ય વિભાગના ધાડા ઉતરી પડ્યાં
આરોગ્યની 20 ટીમ દ્વારા 164 ઓઆરએસ પેકેટ તથા 1401 જેટલી ક્લોરીન ગોળીનું વિતરણ કરાયું
આરોગ્ય શિક્ષણ, ક્લોરીનેશન, રોગચાળા બાબતે સર્વે તથા સારવારની કામગીરી હાથ ધરાઈ
(પ્રતિનિધિ) ઉમરેઠ તા.7
ઉમરેઠના ખાટકીવાડ અને કાજીવાડ જેવા વિસ્તારમાં કોલેરાના કેસ મળ્યાં બાદ શહેર અને આસપાસના ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેના પગલે આરોગ્ય સહિત વિવિધ વિભાગની ટીમના ધાડા ઉમરેઠમાં ઉતરી પડ્યાં છે. આ વચ્ચે નવા 70 કેસ નોંધાયાં છે. જ્યારે મામલતદાર સહિતની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં પાણીના નમુના લેવામાં આવ્યાં છે.
આણંદ કલેકટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સુચના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિપક પરમારના માર્ગદર્શન હેઠળ ઉમરેઠ તાલુકામાં રોગચાળા (ઝાડા-ઉલ્ટીના કેસો) અટકાવવા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આણંદ જિલ્લા એપેડેમિક ઓફિસર ડો. રાજેશ પટેલના સુપરવિઝન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, થામણાના ડો. જે.એમ.મૌર્ય અને તેમની ટીમ દ્વારા તુરંત જ અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને સર્વેલન્સ, ક્લોરીનેશન, આરોગ્ય શિક્ષણ અને સારવારની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમજ ડો.રાજેશ પટેલ, મામલતદાર એન.પી.પારેખ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. દર્શિત પટેલ દ્વારા વડાબજાર, ગોલવાડ, ભગવાન વગો, ખાટકીવાડ, કાજીવાડો અને જાગનાથ ભાગોળ સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, ઉમરેઠ ખાતે દાખલ દર્દીઓની મુલાકાત લઈ તમામ વિસ્તારોમાં લોકોને વધુમાં વધુ સ્વચ્છતા જાળવવા અને ક્લોરીનેશન વાળું પાણી જ ઉપયોગમાં લેવા જણાવ્યું હતું.
આ અન્વયે ઉમરેઠ શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં કુલ 70 જેટલાં ઝાડા-ઉલ્ટીના નવા કેસો જોવા મળ્યા છે. જેમાંથી 43 કેસમાં સ્થળ ઉપર જ સારવાર આપવામાં આવી છે. જ્યારે 27 જેટલાં દર્દીઓને આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરી સારવાર આપવામા આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા કુલ પીવાના પાણીના 5 સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે 164 ઓઆરએસ પેકેટ તથા 1401 જેટલી ક્લોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે. આરોગ્યની કુલ- 20 ટીમ દ્વારા ઘરે ઘરે મુલાકાત કરીને આરોગ્ય શિક્ષણ તથા રોગચાળા બાબતે સર્વેની કામગીરી કરવામાં આવી છે તથા લોકોને પાણી ઉકાળીને પીવા અથવા ક્લોરીનયુક્ત પાણી પીવા તેમજ તાજો અને ઘરનો જ ખોરાક ખાવા, જમતા પહેલા હાથ ધોવા જેવી બાબતો અંગે સમજણ આપવામાં આવી છે.