આણંદ : ઉમરેઠમાં ભાઇની પોળ વિસ્તારમાં રહેતા વૃદ્ધા ઓડ બજારમાં સ્વામિનારાયણ મંદિરમાં કથા સાંભળવા ગયા હતા તે દરમિયાન ત્રણેક વૃદ્ધાનો સોનાનો દોરો ચોરતા મહિલા પકડાઇ હતી. આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉમરેઠમાં રહેતા 60 વર્ષિય વૃદ્ધા કામીનીબહેન કમલેશભાઈ પટેલ છેલ્લા પંદરેક વર્ષથી બે તોલાનો સોનાનો દોરો પહેરતાં હતાં. ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં કથા ચાલતી હોવાથી કામીનીબહેન અન્ય કેટલીક મહિલાઓ સાથે 26મી માર્ચના રોજ બપોરે સ્વામિનારાયણ મંદિરે કથા સાંભળવા ગયાં હતાં. આ કથા પૂર્ણ થયા બાદ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસાદ વહેંચણી દરમિયાન ભારે ભીડ થઇ હતી. આ ભીડનો લાભ લઇ એક મહિલા મધુબહેન જશવંતભાઈ પટેલ (રહે.સીલીવગો)ના ગળામાંથી સોનાનો દોરો ચોરતા રંગેહાથ પકડાઇ હતી. જેની તપાસ દરમિયાન આ મહિલાએ કામીનીબહેનનો પણ સોનાનો દોરો ચોર્યો હતો. આ અંગે પુછપરછ કરતાં મહિલા પોતે સુભદ્રા રાજુભાઈ દંતાણી (રહે.નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન દોરો કાપવાની કટર પણ મળી આવી હતી. જેથી પોલીસને બોલાવી પોલીસ સ્ટેશને લઇ ગયાં હતાં. જ્યાં પૂછપરછ કરતાં કંચનબહેન ચૌહાણનો પણ દોરો તોડ્યો હોવાનું બહાર આવ્યું હતું. આમ બન્ને દોરા મળી કુલ રૂ.34 હજારની મત્તા ચોરી કરી હોવાનું ખુલતા પોલીસે સુભદ્રા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આણંદ જિલ્લામાં કોરોના દરમિયાન સોનાની ચીલઝડપના બનાવો ઘટી ગયાં હતાં. પરંતુ ભીડભાડ વધતાં ફરી તસ્કરો સક્રિય થયાં છે.
ઉમરેઠમાં ચાલતી કથામાં ચોરી કરતી મહિલા પકડાઇ
By
Posted on