Charotar

ઉમરેઠમાં એસટી બસ ચાલકને બે શખ્સે ધમકી આપી

ઓવરટેક કરવાના મુદ્દે કાર ચાલકે ફિલ્મીઢબે બસને આંતરી ચાલક સાથે ઝઘડો કર્યો
ઉમરેઠ : ઉમરેઠના ડાકોર રોડ પર જીઇબી ઓફિસની સામે કાર ચાલકે ફિલ્મીઢબે એસટી બસને આંતરી હતી અને તેના ચાલક સાથે ઝઘડો કરી ફેંટ પકડી લાફો માર્યો હતો. બાદમાં ધમકી આપી હતી. આ અંગે ચાલકે બે શખ્સ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
રાજકોટના ઉપલેટના ખીરસરા ગામમાં રહેતા પ્રવિણભાઈ ગોકળભાઈ મહિડા એસટી ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તેઓ એક મહિનાથી વાંકાનેર એસટી ડેપોમાં ફરજ બજાવે છે અને વાંકાનેર ડેપોથી દાહોદ રૂટની બસ ચલાવે છે. તેઓ 30મી માર્ચના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે એસટી બસ લઇ ઉમરેઠ આવ્યાં હતાં. પરંતુ બસનું સ્ટોપેજ ઉમરેઠ ખાતે ન હતું. બીજી તરફ ટ્રાફિક વધુ હોવાથી તેઓ આગળ જતી કાર નં.જીજે 27 ઇબી 7121ના ચાલક ઉમરેઠ – ઓડ ચોકડી ખાતેથી સાઇડ આપતો નહતો. આથી, પ્રવિણભાઈએ વારંવાર હોર્ન વગાડી કાર ચાલક પાસે સાંઇ માંગી હતી. પરંતુ આપી નહતી. દરમિયાનમાં ઉમરેઠ – ડાકોર રોડ પર જીઇબી ઓફિસની સામે રોડ પર કાર ચાલકે પોતાની ગાડી એસટી બસની આગળના ભાગે ઉભી કરી દીધી હતી. બાદમાં અપશબ્દ બોલવા લાગ્યો હતો. આ કારના ચાલકે ફોન કરી તેના મિત્રને બોલાવી લીધો હતો. જે આવી ગયો હતો. આ શખ્સે ડ્રાઇવર સાઇડની બાજુમાં આવી બસનો દરવાજો ખોલાવીને બસની ચાવી કાઢવા કોશીષ કરી હતી. જોકે, પ્રવિણભાઈએ ચાવી કાઢવા દીધી નહતી. આથી, ઉશ્કેરાયેલા શખ્સે ફેંટ પકડી લાફા મારી દીદાં હતાં.
આ ઝપાઝપીમાં કંડક્ટર હરેશ સેંધવ આગળ આવી જતાં બન્ને શખ્સે ધમકી આપી હતી કે, હવે પછીથી અહીંયાથી બસ લઇને નિકળ્યા છો, તો જાનથી મારી નાંખીશું. તેમ કહી વધુ માર મારવા સામા થઇ ગયાં હતાં. આથી, ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં બસના કંડક્ટર સાથે પહોંચી ગયાં હતાં. જ્યાં કારનો ચાલક અને તેનો મિત્ર પણ દોડી આવ્યો હતો. આ શખ્સોની પુછપરછ કરતાં તે મૌઇનુદ્દીન અહેમદ પઠાણ (રહે. સૈફુલ્લા સોસાયટી, તા. ઉમરેઠ) અને કાર ચાલક મહંમદઅલ્ફાજ મહંમદઅનીશ વ્હોરા હોવાનું જણાવ્યુ હતું. આ અંગે ઉમરેઠ પોલીસે મહંમદઅલ્ફાજ અને મૌઈનુદ્દીન સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top