બોલિવૂડના ફિલ્મનિર્માતાઓમાં કોમવાદના મુદ્દા પર ફિલ્મ બનાવવાની જાણે હરીફાઈ જામી છે. કાશ્મીર ફાઈલ્સ પછી ઉદયપુર ફાઈલ્સમાં પણ મુસ્લિમ કટ્ટરવાદને હિન્દુ દૃષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉદયપુર ફાઇલ્સ એક સત્ય ઘટના પર આધારિત સસ્પેન્સથ્રિલર ડ્રામા છે. આ ફિલ્મમાં એક સરળ દરજી કન્હૈયાલાલ તેની એક સોશ્યલ મિડિયા પોસ્ટને કારણે કેવી રીતે ઘાતક ષડયંત્રનો ભોગ બન્યો તેની વાર્તા કહેવામાં આવી છે. આ ફિલ્મમાં ઘટના પહેલાં અને પછીના સંજોગો તેમજ તપાસ એજન્સીઓની કાર્યવાહી અને લોકોની પ્રતિક્રિયાઓ દર્શાવવામાં આવી છે.
આ ફિલ્મ ફક્ત તે ઘટનાને જ દર્શાવતી નથી, પરંતુ એ પણ બતાવવાનો પ્રયાસ કરે છે કે કટ્ટરપંથી વિચારસરણીનું વાતાવરણ કેવી રીતે સર્જાયું અને તેની સમાજ પર શું અસર પડી. આ વાસ્તવિકતાનું દિગ્દર્શન એટલું સ્ફોટક થઈ ગયું છે કે દિલ્હી હાઈ કોર્ટે આ ફિલ્મ રિલીઝ કરવા પર કામચલાઉ પ્રતિબંધ ફરમાવ્યો છે અને કેન્દ્ર સરકારને ફિલ્મને આપેલાં સર્ટિફિકેટ બાબતમાં ફેરવિચારણા કરવાની ભલામણ કરી છે. ફિલ્મના નિર્માતા હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા પણ સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમને તાત્કાલિક રાહત મળી નથી.
ફિલ્મની કથા મુજબ ઉદયપુર શહેરના ધનમંડી વિસ્તારમાં બે કટ્ટરપંથી યુવાનોએ કન્હૈયાલાલ તેલી નામના દરજીની તેની દુકાનમાં ધોળા દિવસે ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. હુમલાખોરોએ સમગ્ર ઘટનાનો વિડિયો પણ બનાવ્યો હતો અને બાદમાં તેને સોશ્યલ મિડિયા પર વાયરલ કર્યો હતો અને ખુલ્લેઆમ હત્યાની જવાબદારી લીધી હતી.હત્યારાઓએ દાવો કર્યો હતો કે કન્હૈયાલાલે નુપૂર શર્માના સમર્થનમાં એક પોસ્ટ શેર કરી હતી, જેનાથી તેમનું અપમાન થયું હતું. આ ઘટનાએ માત્ર રાજસ્થાનમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સનસનાટી મચાવી દીધી હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી હતી અને તેને આતંકવાદી કાવતરું ગણાવ્યું હતું.આ ફિલ્મ એ પ્રશ્ન પણ ઉઠાવે છે કે શું સોશ્યલ મિડિયાનો ઉપયોગ અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે થઈ રહ્યો છે કે તે નફરત ફેલાવવાનું માધ્યમ બની રહ્યું છે? આ ફિલ્મ દ્વારા નિર્માતા-દિગ્દર્શકે એક સંવેદનશીલ મુદ્દાને લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે બુધવારે ઉદયપુર ફાઇલ્સ – કન્હૈયાલાલ ટેલર મર્ડર કેસની સુનાવણી ૨૧ જુલાઈ સુધી મુલતવી રાખી હતી અને ફિલ્મના નિર્માતાઓને ફિલ્મ સામેના વાંધાઓ સાંભળવા માટે કેન્દ્ર દ્વારા નિયુક્ત સમિતિના નિર્ણય સુધી રાહ જોવા કહ્યું હતું. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જે. બાગચીની બેન્ચે ફિલ્મ નિર્માતાઓને જણાવ્યું હતું કે તેમને આર્થિક રીતે વળતર મળી શકે છે પરંતુ કન્હૈયાલાલ દરજી હત્યા કેસના આરોપીઓની છબીને થયેલા નુકસાનની ભરપાઈ કરી શકાતી નથી. ફિલ્મનિર્માતાઓએ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. ઉદયપુર ફાઈલ્સ ૧૧ જુલાઈએ રિલીઝ થવાની હતી, પરંતુ ૧૦ જુલાઈએ દિલ્હી હાઈકોર્ટે જ્યાં સુધી કેન્દ્ર સરકાર ફિલ્મ પર કાયમી પ્રતિબંધ મૂકવાની માંગણી કરતી અરજીઓ પર નિર્ણય ન લે ત્યાં સુધી ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દીધી હતી.
જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજી સહિતમાં દાવો કરવામાં આવ્યો હતો કે ૨૬ જૂને રિલીઝ થયેલી ફિલ્મનું ટ્રેલર એવા સંવાદો અને દૃશ્યોથી ભરેલું છે જેણે ૨૦૨૨માં સાંપ્રદાયિક તણાવ પેદા કર્યો છે અને એવો ભય છે કે ફિલ્મની રિલીઝ ફરીથી એ જ લાગણીઓને ભડકાવી શકે છે.અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ સમાજમાં નફરત ફેલાવી શકે છે અને તેથી તેની રિલીઝ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જૂન ૨૦૨૨ માં ઉદયપુરના દરજી કન્હૈયાલાલની મોહમ્મદ રિયાઝ અને મોહમ્મદ ગૌસે હત્યા કરી હતી. હુમલાખોરોએ બાદમાં એક વિડિયો જાહેર કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ હત્યા સોશ્યલ મિડિયા એકાઉન્ટ પર ભાજપના ભૂતપૂર્વ નેતા નુપૂર શર્માના મોહમ્મદ પયગમ્બર પરની ટિપ્પણી બાદ તેમના સમર્થનમાં વાયરલ કરાયેલી પોસ્ટના જવાબમાં કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે ઉદયપુર ફાઇલ્સ ફિલ્મ પર પ્રતિબંધ ચાલુ રાખ્યો છે અને કેન્દ્ર સરકારના નિર્ણયની રાહ જોવાનો નિર્દેશ આપ્યો છે. અરજદારો વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ફિલ્મ જોયા પછી પોતાની ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ ફિલ્મ મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવે છે અને હિંસાને પ્રોત્સાહન આપે છે. કપિલ સિબ્બલે ફિલ્મમાં સમલૈંગિકતા, મહિલાઓ સાથેના દુર્વ્યવહાર અને ન્યાયિક પ્રક્રિયાનાં ખોટાં ચિત્રણ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.કપિલ સિબ્બલે કહ્યું કે જ્યારે હાઈકોર્ટે અમને પૂછ્યું ત્યારે મેં પોતે ફિલ્મ જોઈ હતી. હું સંપૂર્ણપણે હચમચી ગયો હતો. જો કોઈ ન્યાયાધીશ તેને જુએ તો તેને ખબર પડશે કે તે સંપૂર્ણપણે સમુદાય સામે નફરતનો વિષય છે. આ એક દુર્લભ કેસ છે.આ એક સમુદાયનું અપમાન છે. ફિલ્મમાં સમુદાયનું એક પણ સકારાત્મક પાસું દર્શાવવામાં આવ્યું નથી. સમલૈંગિકતા, ન્યાયિક બાબતો, મહિલાઓ સાથેનો વ્યવહાર, એક લોકશાહી દેશ આવી ફિલ્મને પ્રમાણિત કરી રહ્યો છે. મને નથી લાગતું કે આવી એજન્ડા આધારિત ફિલ્મને કોઈ પણ દેશમાં મંજૂરી આપવી જોઈએ.
અરજદારોએ ફિલ્મનાં ટ્રેલર અને પ્રમોશન અંગે પણ વાંધો ઉઠાવ્યો છે. આ અરજી કન્હૈયાલાલ હત્યા કેસના આઠમા આરોપી મોહમ્મદ જાવેદ દ્વારા દાખલ કરવામાં આવી છે. મોહમ્મદ જાવેદે દલીલ કરી છે કે હત્યા કેસની ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ પણ આ મામલે અરજી દાખલ કરી હતી. મદનીએ અરજીમાં કહ્યું છે કે સેન્સર બોર્ડ દ્વારા ૫૫ દૃશ્યો દૂર કરવા છતાં ફિલ્મનું ફોર્મેટ એ જ રહે છે અને તેની પ્રમોશનલ પ્રવૃત્તિઓ દેશભરમાં હિંસા ફેલાવી શકે છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે સરકારને એ પણ યાદ અપાવવામાં આવ્યું છે કે નુપૂર શર્માના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ભારત પહેલાંથી જ આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ થઈ ચૂક્યું છે, જેના કારણે ભારત સરકારે રાજદ્વારી સ્તરે સ્પષ્ટતા જારી કરવી પડી કે ભારત બધા ધર્મો અને સમુદાયોનું સન્માન કરે છે. નુપૂર શર્માને તેનાં નિવેદન બાદ ભાજપના પ્રવક્તાપદ પરથી દૂર કરવી પડી હતી. આ કારણોસર ભારતની બગડેલી આંતરરાષ્ટ્રીય છબી આંશિક રીતે સુધરી હતી.અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મના નિર્માતા અમિત જાનીનો ભૂતકાળ અને વર્તમાન ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓથી ભરેલો છે. ફિલ્મમાં ઘણી કાલ્પનિક બાબતો બતાવવામાં આવી છે, જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. દિલ્હી હાઈકોર્ટના નિર્દેશો અનુસાર માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક અઠવાડિયાની અંદર અરજી પર સુનાવણી કરીને નિર્ણય લેવો પડશે.
અગાઉ CBFC એ હાઇ કોર્ટને જણાવ્યું હતું કે ફિલ્મમાંથી કેટલાક વાંધાજનક ભાગો દૂર કરવામાં આવ્યા છે. ત્યાર બાદ કોર્ટે નિર્માતાને આ કેસમાં હાજર રહેલા વકીલ મદની તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને CBFC તરફથી વધારાના સોલિસિટર જનરલ (ASG) ચેતન શર્મા માટે ફિલ્મ અને ટ્રેલરનું સ્ક્રીનિંગ ગોઠવવાનો નિર્દેશ આપ્યો હતો.ફિલ્મના સ્ક્રીનિંગના એક દિવસ પછી કપિલ સિબ્બલે હાઇ કોર્ટને જણાવ્યું કે ફિલ્મ જોયા પછી તેઓ ગભરાઈ ગયા હતા.
ફિલ્મનિર્માતાઓનું પ્રતિનિધિત્વ કરતાં વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયાએ આજે દલીલ કરી હતી કે તેમની પાસે CBFC તરફથી માન્ય ક્લિયરન્સ પ્રમાણપત્ર છે.મારી ફિલ્મ ૧૨ કલાક પછી રિલીઝ થવાની હતી. ફિલ્મ ૮૦૦ વિતરકો સાથે હતી. હવે વાત પાઇરેસીના મુદ્દાઓની છે જો તેઓ આવતી કાલ સુધીમાં ઓછામાં ઓછું ફિલ્મ પ્રદર્શિત કરવાનું નક્કી કરે તો. ગૌરવ ભાટિયાએ ફિલ્મ નિર્માતાઓના મૂળભૂત અધિકારો માટે પણ દલીલ કરી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે હાઇ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને તે આ તબક્કે આ મામલાનો નિર્ણય કરી શકે નહીં.દરમિયાન, કોર્ટને જણાવવામાં આવ્યું કે ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને કન્હૈયાલાલ તેલીના પુત્રને ફિલ્મના સંબંધમાં ધમકીઓ મળી છે. કોર્ટે તેમને પોલીસ સમક્ષ રજૂઆત કરવા કહ્યું હતું. હવે જો આ ફિલ્મ રિલીઝ થશે તો તેના વિવાદને કારણે પણ ઘણાં લોકો તેને જોવા જશે.