નાગરિકોની સલામતી માટે ખાસ પગલાં
વડોદરા |
આગામી 14 અને 15 જાન્યુઆરીએ ઉજવાતા ઉત્તરાયણ પતંગોત્સવને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર સુરક્ષા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. પતંગની દોરીથી થતા અકસ્માતો અટકાવવા તેમજ વાહનચાલકો અને પગપાળા રાહદારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ તકેદારી પગલાં લેવામાં આવ્યા છે.

સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલભાઇ મિસ્ત્રીએ જણાવ્યું કે ઉત્તરાયણ વડોદરાની આગવી ઓળખ ધરાવતો ઉત્સવ છે અને આ ઉત્સવ દરમિયાન નાગરિકોની સલામતી મહાનગરપાલિકાની પ્રાથમિકતા છે. પતંગોત્સવ દરમિયાન વધતા ટ્રાફિક અને ભીડને ધ્યાનમાં રાખી શહેરના મુખ્ય વિસ્તારોમાં પૂર્વતૈયારી કરવામાં આવી છે.

શહેરના કુલ 17 ઓવરબ્રિજ પર સ્ટ્રીટલાઇટના પોલ વચ્ચે GI કેબલ બાંધવામાં આવ્યા છે, જેથી ઉડતી પતંગો અથવા તેની દોરીથી રાહદારીઓને ઇજા ન થાય. આ વ્યવસ્થા અમિતનગર, ઉર્મિ, લાલબાગ, છાણી, પંડ્યા હોટલ, અટલ, કલાલી, દિનેશ મિલ, અકોટા દાંડીયા બજાર, નવાયાર્ડ, વિશ્વામિત્રી, હરિનગર, વડસર, સોમાતળાવ, પ્રતાપનગર અને ન્યૂ માંજલપુર બ્રિજ પર કરવામાં આવી છે. આ માટે અંદાજે રૂ. 95 હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે પતંગ ચગાવતી વખતે નાયલોન કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે, વાહન ચલાવતા સમયે હેલ્મેટ અને સલામતી સાધનો પહેરે, તેમજ બાળકોને ખુલ્લા રસ્તા કે બ્રિજ પર પતંગ ચગાવવાની મંજૂરી ન આપે. કોઈ અકસ્માત કે ઇજા થાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા ઇમરજન્સી સેવાઓનો સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે.

મહાનગરપાલિકાએ નાગરિકોના સહકારથી ઉત્તરાયણ પતંગોત્સવને સુરક્ષિત અને આનંદમય બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.