ઉત્તરાયણઃ જૂની અને નવી

અસલી ચાણક્ય કરતાં જેમ નકલી ચાણક્યોનો, અસલી સરદાર કરતાં જેમ નકલી (છોટે) સરદારોનો વધારે મહિમા થઈ જાય છે તેમ છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણ કરતાં વાસી ઉત્તરાયણનો મહિમા વધી ગયો છે. તેમાં વિશુદ્ધ ઉત્તરાયણના પ્રેમીઓએ કે ઉત્તરાયણના વિશુદ્ધ પ્રેમીઓએ દુઃખી થવાપણું નથી. નકલી ચીજનો મહિમા વધે તેના કારણે અસલી ચીજ સદંતર ભૂંસાઈ જતી નથી. કંઈ નહીં તો પોતાનું માહાત્મ્ય કરવા માટે પણ નકલી ચીજોએ અસલીને યાદ કરવી પડે છે—તેમની મહાનતાને અંજલિ આપવી પડે છે. ચાણક્યને ભૂંસી નાખવામાં આવે તો પછી ‘આધુનિક ચાણક્ય’ કે ‘ફલાણા પક્ષના ચાણક્ય’, એવાં બિરુદોનો પણ કશો મતલબ ન રહે એટલે ભારતમાં લોકશાહી પરંપરા ખતરામાં છે એવું માનનાર લોકો પણ ઉત્તરાયણની પરંપરા વિશે આશ્વસ્ત છે. એ જુદી વાત છે કે તેમાંથી પણ ધીમે ધીમે લોકશાહી મિજાજ અને વૈવિધ્ય ઘટી રહ્યાં છે.

પહેલાંની ઉત્તરાયણોમાં પતંગ ચગાવવા જેટલું જ કે તેનાથી પણ વધારે મહત્ત્વ પતંગ પકડવાનું (લૂંટવાનું) રહેતું. બહારવટિયાની પરંપરા મોટે ભાગે સૌરાષ્ટ્રે જોઈ છે પણ ઉત્તરાયણના દિવસોમાં ભલભલા બહારવટું ખેડવા થનગનતા. એ પ્રવૃત્તિની લોકપ્રિયતાનું એક કારણ એ પણ હતું કે પતંગ ચગાવવા અને ખાસ તો બીજાની પતંગ સડસડાટ કાપવા માટે ખાસ પ્રકારના કૌશલ્યની જરૂર પડતી. તે ત્યારે પણ દુર્લભ હતું એટલે એવા ખેંચવીર કે ઢીલવીરોની ગામના ‘થોડા દિવસના નામાંકિતો’માં ગણના થતી.

મહાભારત જેવી યુદ્ધકથાઓ ટાંકીને કેટલાક ફીરકી પકડનારા પણ સિઝનલ સેલિબ્રિટીની હરોળમાં પોતાનો દાવો નોંધાવવા ઉત્સુક રહેતા હતા. તેમની દલીલ હતી કે ખેંચ-ઢીલ તો સમજ્યા, અસલી કળા ફીરકી પકડવાની છે. ફીરકી કેવી રીતે પકડવી, પેચ ચાલતા હોય અને ચગાવનાર સડસડાટ ખેંચ મારતો હોય ત્યારે ફીરકી લઈને તેની પાછળ પાછળ શી રીતે ફરવું કે જેથી તે ફીરકીવાળા સાથે અથડાઈ ન જાય કે તેના પગમાં ખેંચની દોરી ન ભરાય, ઢીલના પેચ ચાલતા હોય ત્યારે શી રીતે ફીરકીને ઢીલી મૂકીને, ચગાવનારની વ્યૂહરચના પ્રમાણેની ઢીલ ગગડાવવી—આ બધાં પરિબળો વિજેતા નક્કી કરવામાં મહત્ત્વનાં છે, જેમ મહાભારતના યુદ્ધમાં વિજયનો ઘણો આધાર સારથીના કૌશલ્ય પર હતો.

એ સમય એટલો પછાત હતો કે ઢઢ્ઢા પરથી પતંગોની ગુણવત્તા નક્કી કરવાના, કિન્ના બાંધવાના, પતંગ ચગાવવાના, પતંગ પકડવાના, ફીરકી મેનેજમેન્ટના (એટલે કે ફીરકી પકડવાના), પીલ્લું વીંટવાના, પકડેલી પતંગોની દોરીની લચ્છીઓ ઉકેલીને તેમાંથી પરચૂરણ દોરીનું પીલ્લું બનાવવાના—એવા કોઈ ક્લાસ ચાલતા ન હતા. હજુ પણ એવા ક્લાસ શરૂ ન થયા હોય તો ગુજરાતનો વિકાસ એટલો અધૂરો ગણાય કેમ કે, હવે નવરાત્રિમાં ગરબા ગાવા સુધીની લગભગ દરેકેદરેક ચીજના ક્લાસ ચાલુ થઈ ગયા છે. આવતા વર્ષે  ઉત્તરાયણ પહેલાં કોઈ આવા ક્લાસ શરૂ કરવા ઇચ્છે તો તેમણે (આ લખનારને આઇડિયાની વાજબી રોયલ્ટી આપીને) ઝાઝો વિચાર કરવા જેવો નથી.

ઉત્તરાયણ ખુલ્લા મેદાનમાં ક્યારે ઉજવાતી હશે ખબર નથી. પણ દાયકાઓથી તે અગાસી-છાપરાં-ધાબાંવાળાં મકાન ધરાવતા લોકોનો તહેવાર છે. એ સિવાયના લોકોની ગુજરાતમાં-ભારતમાં બહુમતી નહીં તો પણ બહુ મોટી સંખ્યા હોઈ શકે છે પરંતુ ભણતર-આરોગ્ય જેવી જીવનજરૂરી બાબતોમાં. તેમની ગણતરી ન હોય ત્યાં બિચારી ઉત્તરાયણને તે સમુદાયોની ઉપેક્ષા માટે બદનામ કરવા જેવી નથી. એ દૃષ્ટિએ પતંગ લૂંટવાની પ્રવૃત્તિ ખાસ્સી સમાજવાદી અને તેમાં ક્યારેક હિંસા ભળતાં સામ્યવાદી સ્વરૂપની ગણી શકાય એવી રહેતી.

શેરીઓમાં દોડતા છોકરા જેટલી ચીવટથી કપાતી પતંગો પર નજર રાખતા અને કપાયેલી પતંગ ગમે તે ભોગે પકડી પાડવાનો ઉત્સાહ દેખાડતા, એવું જ ધાબાં-અગાસી-છાપરાંવાળા લોકો પણ કરતા. સંપન્ન લોકોનો અન્યાયબોધ વધારે તીવ્ર હોય છે અને તેનાં પરિણામ વધારે લોહિયાળ—એવો ઇતિહાસબોધ પતંગલૂંટની ઘણી ઘટનાઓમાંથી મળતો હતો કેમ કે સંપન્ન પરિવારો વચ્ચે પતંગ બાબતે થતી બોલાચાલી જોતજોતાંમાં યુદ્ધનું સ્વરૂપ લેતી. નળિયાં અને પથ્થરોનો છૂટથી ઉપયોગ થતો અને જીભ તો ખરી જ.

એ ઝઘડા ફક્ત ધાબે પૂરા થઈ જવાને બદલે ઘણી વાર ધાબેથી નીચે ઊતરીને સડક સુધી-એકબીજાનાં આંગણાં સુધી પહોંચતા અને ‘સવાલ પતંગનો નથી…’ એવી ધ્રુવપંક્તિ સાથે બંને પક્ષો એકબીજાને વધુ નીચે પાડવાના પ્રયાસ કરતા હતા. પતંગલૂંટની સાથે દોરી કાતરવાની પણ બોલબાલા હતી. પતંગ કપાયા પછી તેની દોરી પાછી ખેંચાતી હોય ત્યારે રસ્તામાં આવતાં ધાબાં-અગાસીવાળા તે દોરીને વચ્ચેથી કાપીને ગેરીલા યુદ્ધનો રોમાંચ અનુભવતા હતા. એ પ્રવૃત્તિ ‘તાર લૂંટ્યો’ એવા નામે ઓળખાતી, પણ તાર લૂંટનારનો ઉત્સાહ એવો રહેતો, જાણે બેતાળીસની ચળવળમાં સરકારી તારટેલિફોનના તાર કાપ્યા હોય.

 ઉદારીકરણ પહેલાંના સમયમાં જેમ નાની બચતથી મોટો ફરક પડી શકતો હતો તેમ લૂંટેલા તારથી બીજા વર્ષે થોડી પતંગોને કિન્ના બંધાય એટલી દોરી એકઠી થઈ શકતી હતી. હવે બધાને ખબર છે કે નાની બચત કે તાર લૂંટવાથી કશો શક્કરવાર વળવાનો નથી. દાંત ખોતરીને પેટ ભરવાના જમાના ગયા. હવે તો બેન્કોને નવડાવીને જલસા કરવાનો યુગ છે. પહેલાં ફક્ત ઉત્તરાયણ વખતે લોકો લાડુડીઓમાં પૈસા સંતાડીને ગુપ્ત દાન કરતા હતા. હવે વરસમાં ગમે ત્યારે PM કેર્સ ફંડમાં કે રાજકીય પક્ષોમાં ગુપ્ત દાન થતાં રહે છે પણ તેની કદર કરવા જેટલી ધાર્મિક દૃષ્ટિ ક્યાંથી લાવવી?

Most Popular

To Top