મકરસંક્રાંતિ-2026નાં તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ઉતરાયણની ઉત્સાહભેર જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ દર વર્ષે નાયલોન અને સિન્થેટિક માંજાને પરિણામે માનવ જિંદગી અને મૂંગા પક્ષીઓ આ તહેવાર દરમિયાન જોખમમાં મુકાય છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે મકરસંક્રાંતિ સંદર્ભે ઘાયલ પક્ષીઓને તરત જ સારવાર મળે તેવા ઉદ્દેશથી કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. સરકાર દ્વારા ઉતરાયણ પર્વમાં સામાજિક વનીકરણ વિભાગ અને સેવાભાવી સંસ્થાઓના ઉપક્રમે કરુણા અભિયાન ખૂબ સારી રીતે ચાલે છે. ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે ટીમ ખડે પગે તૈયાર રહે છે. પરિણામે પક્ષીઓના મૃત્યુદરમાં ઘટાડો થયો છે.
મકરસંક્રાંતિના તહેવાર પર પતંગ ચગાવવાના રસિયાઓ પતંગ ચગાવવાની અને એકમેકના પતંગ કાપવાની ખૂબ જ મજા લેતા હોય છે. ફક્ત ભારતમાં જ ઉજવાતો મકરસંક્રાંતિનો તહેવાર આજે વિશ્વના અન્ય દેશો જેવા કે મલેશિયા, જાપાન, ચીન, કોરિયા વગેરે દેશોમાં પણ આ તહેવાર ઉજવાય છે. ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવામાં આવે તો પક્ષીઓની જાનહાની ઘટી શકે છે. આ દેશના જાગ્રત નાગરિક તરીકે તમે પણ કરુણા અભિયાનના સહભાગી થવા માંગતા હોય તો ઘાયલ પક્ષી દેખાય તો 1962 પર કોલ કરીને જાણ કરી શકો છો. તમારી થોડીક મજા કોઈના માટે સજા નહીં બને તે જોવાની જવાબદારી આપણી છે. મકરસંક્રાંતિ પર્વની સૌને હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું.
નવસારી- ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.