Vadodara

ઈસ્તાંબુલ એરપોર્ટ પર ભારતીયોની વતન વાપસી અટકી​

જિલ્લા પંચાયત સભ્ય કમલેશ પટેલ હાલ સુરક્ષિત, પરંતુ ફ્લાઈટ્સ શરૂ થાય ત્યાં સુધી ‘વેઈટ એન્ડ વોચ’

વડોદરા: મધ્યપૂર્વમાં વધી રહેલા રાજકીય તણાવ અને અમેરિકા-ઈરાન વચ્ચેના સંઘર્ષની સીધી અસર હવે આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન પર જોવા મળી રહી છે. અલી ખેમાનીયાના નિધન બાદ સમગ્ર મધ્યપૂર્વ વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે, જેના પરિણામે યુરોપ અને મધ્યપૂર્વ વચ્ચેની અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સુરક્ષાના કારણોસર રદ કરી દેવામાં આવી છે. આ સ્થિતિમાં વિદેશ પ્રવાસે ગયેલા સેંકડો ભારતીય મુસાફરો અધવચ્ચે અટવાયા છે.
આ પ્રવાસીઓમાં પિલોલ જિલ્લા પંચાયતના સભ્ય કમલેશ પટેલ પણ સામેલ છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર, કમલેશ પટેલ હાલ સુરક્ષિત છે પરંતુ ફ્લાઇટ સેવાઓ ખોરવાવાને કારણે તેઓને ઈસ્તાંબુલ ખાતે જ રોકાવવાની ફરજ પડી છે. જ્યાં સુધી એરલાઇન્સ દ્વારા ગ્રીન સિગ્નલ આપવામાં ન આવે અને હવાઈ માર્ગ સુરક્ષિત જાહેર ન થાય, ત્યાં સુધી તેઓએ તુર્કીમાં જ રહેવું પડશે.
કમલેશ પટેલ વિદેશમાં ફસાયા હોવાના સમાચાર મળતા જ તેમના વતન પિલોલ અને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. તેમના પરિવારજનો સતત તેમના સંપર્કમાં છે અને સરકાર પાસે ભારતીય મુસાફરોની વહેલી તકે વતન વાપસી માટે વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે.
હાલમાં ભારત સરકાર અને વિદેશ મંત્રાલય આ પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. ઈસ્તાંબુલ અને અન્ય શહેરોમાં ફસાયેલા ભારતીયોને તમામ જરૂરી મદદ પૂરી પાડવા માટે દૂતાવાસ સક્રિય હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top