અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને પગલે મિડલ-ઈસ્ટમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. આ દરમિયાન ઓમાને શાંતિ માટે પહેલ કરી છે અને રાજધાની મસ્કતમાં અમેરિકા-ઈરાન વચ્ચે બેઠક યોજી છે. પરંતુ આ દરમિયાન ઈરાને એક એવું પગલું ભર્યું છે જે ઓમાનની મધ્યસ્થતામાં થનારી વાટાઘાટો પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પને હુમલો કરવા માટે ઉશ્કેરી શકે છે.
2000 કિલોમીટરની રેન્જમાં તબાહી મચાવી શકે એવી મિસાઈલ
ઈરાનની સરકારી ન્યૂઝ ચેનલ પ્રેસ ટીવીએ જાણકારી શેર કરી છે કે ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ 6 ફેબ્રુઆરી, શુક્રવારણા રોજ તેના એક લશ્કરી અડ્ડા પર બેલિસ્ટિક મિસાઈલ ખોર્રમશહર-4 તૈનાત કરી છે. ખોર્રમશહર-4 બેલિસ્ટિક મિસાઈલ 2000 કિલોમીટરની રેન્જમાં વિનાશક પ્રહારો કરવાની ક્ષમતા ધરાવે છે. તે 1,500 કિલોગ્રામ વજનના વોરહેડ વહન કરવામાં પણ સક્ષમ છે, જેના કારણે તે અત્યંત ખતરનાક માનવામાં આવે છે.
ઈરાની લશ્કરી થાણા પર ખોર્રમશહર-4 બેલિસ્ટિક મિસાઈલ તૈનાત કરવાના સંદર્ભમાં IRGCના રાજકીય બાબતોના ડેપ્યુટી કમાન્ડર બ્રિગેડિયર જનરલ યદોલ્લાહ જાવાનીએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનનો હેતુ અમેરિકાને સંદેશ મોકલવાનો હતો કે ઈરાન તેની સંરક્ષણ ક્ષમતાઓથી પાછળ હટવાનો કોઈ ઇરાદો ધરાવતું નથી. તેમણે કહ્યું કે ઈરાન ક્યારેય તેના વલણથી પાછળ હટશે નહીં અને તે યુદ્ધ ઇચ્છતા નથી, પરંતુ જો દુશ્મન કોઈ ખોટું પગલું ભરશે, તો તે કડક જવાબ આપશે. વધુમાં એમણે જણાવ્યું કે ઈરાની રાજદ્વારીઓ ઓમાનની આગેવાની હેઠળની વાટાઘાટોમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે અમેરિકા સાથે ભાગ લેશે.