uncategorized

ઈમરજન્સીમાં કાર્યરત વેલ્ફેર હોસ્પિટલના ન્યુ કોવિડ સેન્ટરની બિલ્ડીંગ પાસે ફાયર NOC ન હતી

bharuch : કોરોના ( corona ) સામે જિંદગીનો જંગ જીતવા દાખલ થયેલા ૧૬ દર્દી અને ૨ સ્ટાફ નર્સ જીવતા જીવ જ કાયમ માટે મૃત્યુની આગમાં સમાઈ જવાની હચમચાવી દેનારી આ હોનારતમાં રિજનલ ફાયર ઓફિસર દીપક મખીજાનીએ કહ્યું છે કે, હોસ્પિટલ પાસે ફાયર એન.ઓ.સી. ( fire noc) ન હતી. ખાલી વેલફેરની આગળની મુખ્ય ઇમારતની ફાયર એન.ઓ.સી. હતી. નવી પાછળની કોવિડ સેન્ટર ( covid centre ) ની ફાયર એન.ઓ.સી. ન હતી. આટલું ઓછું હોય તેમ હોસ્પિટલે કોવિડ સેન્ટર માટે લીધેલો વીજ પૂરવઠો પણ હંગામી હોવાની હકીકત દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાંથી બહાર આવી છે. હોસ્પિટલ માટે કામચલાઉ ટેમ્પરરી વીજ જોડાણ મેળવવામાં આવ્યું હતું. મધરાતે ભરૂચ જિલ્લાની કોરોના કાળમાં હોસ્પિટલની સૌથી મોટી આગ હોનારત અને તેમાં હોમાઈ ગયેલાં ૧૮નાં મોત પાછળ ફાયર સેફ્ટીનો અભાવ તેમજ હંગામી વીજજોડાણ પણ એટલાં જ કારણભૂત છે.


આગની તપાસ કરવા કમિટીની રચના: આઈએએસ વિપુલ મિત્રા અને રાજકુમાર બેનીવાલને તપાસ કરવા આદેશ

ભરૂચ: આ આગને પગલે ભરૂચ કલેક્ટર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં બે સિનિયર આઈએએસ વિપુલ મિત્રા અને રાજકુમાર બેનીવાલને તપાસ સોંપાઈ છે. અને પુરાવાના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સાથે જ કલેક્ટરે કહ્યું કે, આ ઘટનામાં જવાબદાર લોકો સામે કડકમાં કડક પગલાં લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષમાં કોરોનાકાળ દરમિયાન ગુજરાતમાં સતત હોસ્પિટલોમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટની હોસ્પિટલોમાં આગના બનાવ બન્યા છે. જેમાં અનેક દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.


ભરૂચના પશ્ચિમ વિસ્તારના 5થી 6 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યા

અંકલેશ્વર: ભરૂચ-જંબુસર બાયપાસ પર આવેલી વેલફેર હોસ્પિટલને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરાઈ હતી. જ્યાં મધ્ય રાત્રિએ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુવેગે ફેલાતાં ભરૂચના પશ્ચિમ વિસ્તારના 5થી 6 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યા હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓનાં સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યા હતા. આ ઘટનાને પગલે 40 ઉપરાંત એમ્બ્યુલન્સ બચાવ કામગીરીમાં લાગી હતી. તેમજ જિલ્લા પોલીસનો કાફળો અને ફાયર બ્રિગેડની 12થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા કામે લાગી છે.

Most Popular

To Top