Business

ઈતના ‘સૈયારા’ ક્યું હૈ ભાઈ?

શોલેનાં ઇમામ સા’બ જેમ માસૂમ બનીને ગંભીર માહોલમાં ઇતના સન્નાટા ક્યું હૈ પૂછે છે! તે જ ભાવથી અત્યારે બોલિવૂડની ઑડિયન્સનો એક ભાગ પૂછી રહ્યો છે… ‘ઇતના સૈયારા કયું હૈ ભાઈ?’ ઘણાં સમય બાદ અને 2025માં તો છાવા પછી કોઈ ફિલ્મની આટલી ચર્ચા થઇ રહી છે. થિયેટરમાં લબરમૂછિયા પ્રેમીઓ, એક તરફી આશિકો, સજોડે-કજોડે, એકલા, ટોળામાં આ ફિલ્મ જોવા જઈ રહ્યા છે. આ ફિલ્મ જેની અઠવાડિયા પહેલા કોઈ ચર્ચા પણ નહોતું કરતું તેના ગીતો લોકો ગણગણી રહ્યા છે. જે કલાકારનાં નામ પણ ઠીકઠીક કોઈ જાણતું નથી, તેમની આ ફિલ્મ ખૂબ ગમી રહી છે. તો એક વર્ગ આ ફિલ્મ પાછળનાં ક્રેઝને જોઈને જ જોવા જવાની ના પાડી રહ્યો છે પણ હાલ બોક્સઓફિસની હકીકત તપાસીએ તો આંકડા પરથી જણાય છે કે સૈયારા એક જબરદસ્ત હિટ તરફ આગળ વધી રહી છે. રિલીઝ થયાનાં 4 દિવસમાં જ 100 કરોડ પાર કરી ચૂકી છે. શુક્રવારે 21.5 કરોડ, શનિવારે 26 કરોડ, રવિવારે 35.75 કરોડ અને સોમવારે 22.50 કરોડ એમ કુલ: 105.75 કરોડ કમાઈ ચુકી છે. આ ભયંકર વાવાઝોડાને જોતા આ અઠવાડિયે રિલીઝ થવા જઈ રહેલી સન ઓફ સરદાર-2ને પોતાની રિલીઝ ડેટ પાછળ લઇ જવી પડી છે એટલે હવે 1 ઓગસ્ટ તે રિલીઝ થવા જઈ રહી છે, સાથે જ ધડક-2 જે એક લવસ્ટોરી જ છે તેણે પણ પોતાની રિલીઝ ડેટ પોસ્ટપોન કરવી પડી, તો પરમસુંદરી જે હજી આગળ મહિને આવવાની હતી તે પણ પાછળ ધકેલાઈ છે. એટલે કે પ્રોડ્યુસરો સમજી ગયા છે કે ઑડિયન્સ હવે આખું જુલાઈ થિયેટરમાં સૈયારાની સુનામી ચલાવશે. નહીં તો અજય દેવગણ, ત્રિપ્તછ, સિદ્ધાંત જેવા કલાકારોની ફિલ્મ સામે નવા આવેલા એક્ટર્સની ફિલ્મ ભરી પડી રહી છે. એમ તો બોલિવૂડનાં ઑડિયન્સને પહેલાથી જ રોમેન્ટિક ફિલ્મો પસંદ પડી છે, પાછલા અઠવાડિયે સૈયારાની સંભવિત હિટ પર વાત થઇ હતી પણ આટલી હિટ થશે તે કોઈ કહીં શકે તેમ નહતું. જેમાં લોકો થિયેટરમાં રડી રહ્યા છે, તો કોઈ હોસ્પિટલથી સીધા ફિલ્મ જોવા આવ્યા હોય તેવા વીડિયો વાયરલ થયા છે. યન્ગસ્ટર્સ ફિલ્મમાં જે જગ્યા બતાવાઈ છે તે અલીબાગ ફરવા જવાના પ્લેન બનાવી રહ્યા છે! આવું ઇન્ફ્લ્યુઅન્સ બોલિવૂડ માટે નવું નથી. વારંવાર એક જ ફિલ્મ જોવી, ગીતો મોઢે કરવા, ઈમોશનલ સીનમાં રડી પડવું આપણી જૂની આદત છે. જે ઘણા સમયથી થિયેટરમાં જોવા નહોતી મળી તે સૈયારામાં જોવા મળી રહી છે.
ફિલ્મ સારી છે કે ખરાબ તેની જવાદારી ઑડિયન્સ અને ક્રિટીક પાસે જ રાખવી જોઈએ પણ ફિલ્મ હાલ ‘ટૉક ઓફ ધ ટાઉન’ છે તે પાછળનું કારણ શું હશે? હાલ જ્યારે સુપરસ્ટાર વગર કોઈ ફિલ્મ બનાવવા માગતુ નથી અને ફિલ્મ કરતા પબ્લિસિટી પર ભયંકર ખર્ચ કરવામાં આવે ત્યારે સૈયારાએ પોતાની હવા કઈ રીતે ઊભી કરી? તો મેકર્સે આ ફિલ્મ પાછળ સરપ્રાઈઝ જ રાખ્યું, તેમણે ઑડિયન્સને આ ફિલ્મ કે સ્ટાર બાબતે ખાસ જણાવ્યું નહીં, તેમની ઑડિયન્સને બરાબર જાણી અને કોલેજનાં લોકોમાં હાઇપ ક્રિએટ કર્યો, મેકર્સે મંગળવાર માટે ટીકિટ્સનાં રેટ પણ ઘટાડી દીધા!
મોહિત સૂરીની પાછલી ફિલ્મોએ આ બધામાં ઘણી મદદ કરી. રોમૅન્ટિક ફિલ્મો હિટ જવા પાછળ નવા ચેહરાનો જાદુ હંમેશા ચાલ્યો છે. ફિલ્મ સારી છે કે ખરાબ તે અંગ ચોઈસ હોય શકે છે પણ આ ફિલ્મ 2025ની યાદગાર રોમૅન્ટિક ફિલ્મ હશે. એક્ટર અહાન પાંડે (જેના પર નેપો કીડનો ટેગ તો છે જ) અને અનીતને બમ્પર ડેબ્યુ મળ્યું છે. બોલિવૂડ સાઉથની એક્શન ફિલ્મ છોડી ફરીથી રોમૅન્ટિક ફિલ્મો પાસે જઈ શકે છે અને આશિકી-3 માટે કાર્તિક આર્યન અત્યારથી હરખાઈ રહ્યો છે. આ બધું જાણ્યા બાદ ફિલ્મ જોવા કે ભરેલા થિયેટર હોલ જોવા હોય તો પૈસા ખર્ચવા જોઈએ. •

Most Popular

To Top