Dahod

ઈક્કો ગાડીની ટક્કરે ગંભીર રીતે ઘાયલ થયેલા 39 વર્ષીય બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત

દાહોદ–ગરબાડા રોડ પર વરમખેડા નજીક અકસ્માત, ઈક્કો ચાલક સામે ફેટલ ગુનો નોંધાયો

દાહોદ તા.12

દાહોદ તાલુકાના વરમખેડા ગામે દાહોદથી ગરબાડા જતા માર્ગ પર બનેલા ગંભીર અકસ્માતમાં બાઈક ચાલકનું સારવાર દરમ્યાન મોત થયું છે. પોતાના મામાના ઘરે દેવધા ગામે જવા નીકળેલા વરમખેડા ગામના ગણાવા ફળિયાના 39 વર્ષીય નરેશભાઈ પરશુભાઈ ગણાવાને પૂરઝડપે અને ગફલતભર્યા હિસાબે દોડી આવેલા ઈક્કો વાહને ટક્કર મારી હતી.
વિગતો મુજબ, નરેશભાઈ ગણાવા ગઈ કાલે સાંજે લગભગ 5:15 વાગ્યે પોતાની GJ20 BK 8320 નંબરની મોટરસાયકલ પર દેવધા ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે વરમખેડા ગામે ઉતારા ફળિયા પાસે સામેની દિશાથી પૂરઝડપે આવી રહેલી GJ06 EH 1406 નંબરની ઈક્કો ગાડીએ તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર એટલી ભયાનક હતી કે નરેશભાઈ ફંગોળાઈને રસ્તા પર પડી ગયા હતા, અને ઈક્કો ગાડીનું પૈડું તેમના જમણા પગ પર ફરી વળતાં પગ ચગદાઈ ગંભીર રીતે જખ્મી થયો હતો. સાથે જ માથા અને જમણા હાથની આંગળીઓમાં પણ ગંભીર ઇજાઓ થઈ હતી.
અકસ્માત પછી દાહોદ તાલુકા પોલીસ તરત સ્થળ પર પહોંચી હતી અને ગંભીર ઇજાગ્રસ્ત નરેશભાઈને 108 મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પરંતુ, ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.
મૃતક નરેશભાઈના કાકા, ઈસુકભાઈ ખીમાભાઈ ગણાવા (રહે. ગણાવા ફળિયા, વરમખેડા)એ દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે ઈક્કો ચાલક સામે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ માટે કાર્યવાહી ગતિમાન કરી છે.

Most Popular

To Top