શાંતિપૂર્ણ આયોજન માટે પોલીસ તંત્ર સજ્જ, ફ્લેગ ઓફ સ્થળે ઉચ્ચ અધિકારીઓનું નિરીક્ષણ



પ્રતિનિધિ | વડોદરા | તા. 31
વડોદરા શહેરમાં આજે યોજાનારી આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડને લઈને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મેરેથોન શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારા, નાયબ પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલ સહિતના અધિકારીઓએ મેરેથોનના ફ્લેગ ઓફ સ્થળનું પોલીસ કાફલા સાથે નિરીક્ષણ કર્યું હતું.

પોલીસ કમિશનરે શહેરના નાગરિકોને અપીલ કરી છે કે દોડવીરોને કોઈ પણ પ્રકારની અડચણ ન પડે તે માટે સહકાર આપવો અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું.
આ આંતરરાષ્ટ્રીય મેરેથોનનું આયોજન નવલખી ગ્રાઉન્ડ ખાતેથી કરવામાં આવ્યું છે. જેમાં 42 કિમી (ફુલ મેરેથોન), 21 કિમી (હાફ મેરેથોન), 10 કિમી, 5.65 કિમી (ટાઇમ રન) તથા 5 કિમી (ફન રન) જેવી વિવિધ દોડોમાં દેશ-વિદેશ તેમજ વડોદરાના મોટી સંખ્યામાં દોડવીરો ભાગ લેશે.
⏰ દોડના સમયપત્રક મુજબ:
42 કિમી (ફુલ મેરેથોન): સવારે 4:10
21 કિમી (હાફ મેરેથોન): સવારે 4:25
5.65 કિમી (ટાઇમ રન): સવારે 5:10
10 કિમી: સવારે 6:00
5 કિમી (ફન રન): સવારે 7:00
મેરેથોન દરમિયાન શહેરીજનોને મુશ્કેલી ન પડે તે માટે પ્રતિબંધિત માર્ગો અને વૈકલ્પિક રૂટ સાથેનું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. મેરેથોન પૂર્ણ ન થાય ત્યાં સુધી નો એન્ટ્રી, નો પાર્કિંગ અને ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે.
મીડિયા સાથે વાત કરતા પોલીસ કમિશનર નરસિમ્હા કોમારાએ જણાવ્યું હતું કે, મેરેથોનના આયોજન માટે પોલીસ વિભાગે વિગતવાર સુરક્ષા યોજના તૈયાર કરી છે. આયોજકો સાથે સંકલન સાધવામાં આવ્યું છે અને સમગ્ર રૂટ પર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ તૈનાત રહેશે. કોઈ વિઘ્ન કે વિવાદ ન સર્જાય તે માટે ખાસ આયોજન કરાયું છે.જન્મ, મૃત્યુ તેમજ અન્ય ઇમરજન્સી સેવાઓ માટે પોલીસ સતત સજ્જ રહેશે. મેરેથોન સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે શહેરીજનોનો સહકાર અપેક્ષિત હોવાનું તેમણે જણાવ્યું હતું.