(પ્રતિનિધિ) નડિયાદ, તા.8
અમદાવાદ ઝોનલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, આણંદના નિવૃત્ત ફિલ્ડ સુપરવાઇઝર ધીરુભાઈ બાબુભાઈ શર્મા વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કુલ રૂ.4.92 કરોડની સંપત્તિ કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલી મિલકતોમાં નડિયાદમાં આવેલો જલાશ્રય રિસોર્ટ, ખેતીની જમીન, રહેણાંક મકાન તેમજ કોમર્શિયલ દુકાનનો સમાવેશ થાય છે.
આ કાર્યવાહી આણંદ એસીબી દ્વારા નોંધાયેલા અપ્રમાણસર મિલકતના કેસના આધારે હાથ ધરવામાં આવી છે. એસીબીના અહેવાલ મુજબ ધીરુભાઈ શર્માએ 1 એપ્રિલ 2006થી 31 માર્ચ 2018 દરમિયાન પોતાની જાણીતી આવક કરતા અંદાજે 354.56 ટકા વધુ એટલે કે રૂ.8.04 કરોડની અપ્રમાણસર મિલકત એકઠી કરી હતી. આ અહેવાલ બાદ ઈડીએ મની લોન્ડરિંગની દિશામાં તપાસ શરૂ કરી હતી.
નડિયાદમાં આવેલ જલાશ્રય રિસોર્ટ આ કેસનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. વર્ષ 2012માં ધીરુભાઈ શર્માની પત્ની અને પુત્ર મયંક શર્મા દ્વારા આ રિસોર્ટની સ્થાપના કરવામાં આવી હતી, જ્યારે તેનો સંપૂર્ણ વહીવટ મયંક શર્મા સંભાળતો હતો. નોંધનીય છે કે આશરે બે વર્ષ અગાઉ આ જ રિસોર્ટ પર એસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જે સમયે સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે રિસોર્ટ અને અન્ય મિલકતો માટે લેવામાં આવેલી લોનની પરત ચુકવણી માટે શંકાસ્પદ નાણાકીય પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી. બેંક ખાતાઓમાં મોટા પ્રમાણમાં રોકડ જમા કરાવી ત્યારબાદ તરત જ કૃષ્ણા ફાઇનાન્સમાં લોન પેમેન્ટ તરીકે રકમ ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ રીતે પરંપરાગત બેંકિંગ માધ્યમોને ટાળીને નાણાંના મૂળ સ્ત્રોતને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
તપાસમાં વધુમાં ખુલાસો થયો છે કે જલાશ્રય રિસોર્ટના વિકાસ માટે વર્ષ 2007માં રૂ.5.40 લાખમાં ખરીદાયેલી 52 ગુંઠા જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ માટે શરૂઆતમાં રૂ.5.50 કરોડની સિક્યોર્ડ લોન લેવામાં આવી હતી, જે વર્ષ 2018 સુધી વધીને રૂ.7.85 કરોડ થઈ હતી. આ ઉપરાંત વર્ષ 2015થી 2020 દરમિયાન રિસોર્ટના કામકાજ માટે પરિવાર દ્વારા રૂ.1.19 કરોડની અનસિક્યોર્ડ લોન પણ લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ઈડીની તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે ધીરુભાઈ શર્મા અને તેમના પરિવાર દ્વારા લેવામાં આવેલી વીમા પોલિસીઓના પ્રીમિયમ પણ મોટા પ્રમાણમાં રોકડમાં ભરવામાં આવતા હતા, જે મની લોન્ડરિંગ તરફ સંકેત કરે છે. હાલ ઈડી દ્વારા તમામ મિલકતો જપ્ત કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કેસની ઉંડાણપૂર્વક તપાસ ચાલુ છે.