દુબઈ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી ઠપ્પ, મિસાઇલ યુદ્ધ નજરે જોયાનો દાવો મોબાઈલ પર સાયરન એલર્ટથી લોકોમાં ફફડાટ

વડોદરા: મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્ધની અસર હવે વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે. શનિવારે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન સામે કરેલી મોટી સૈન્ય કાર્યવાહી બાદ ગલ્ફ દેશોનું એરસ્પેસ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. આ તણાવપૂર્ણ સ્થિતિમાં વડોદરાના જાણીતા એડવોકેટ શૈલેષ અમીન પણ દુબઈમાં ફસાયા છે. તેમણે ત્યાંના ભયાનક દ્રશ્યો અને એરપોર્ટની દુર્દશા અંગે વિગતો આપી છે.
દુબઈથી સંપર્ક સાધતા એડવોકેટ શૈલેષ અમીને દાવો કર્યો હતો કે તેમણે પોતાની નજરે આકાશમાં મિસાઇલોનો મારો અને યુદ્ધ જેવી સ્થિતિ જોઈ છે. અચાનક થયેલા જોરદાર ધડાકાઓને કારણે સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. શૈલેષ અમીને જણાવ્યું કે, સ્થિતિ એટલી ગંભીર છે કે દુબઈ સરકાર દ્વારા સતત મોબાઈલ ફોન પર સાયરન એલર્ટ મોકલવામાં આવી રહ્યા છે, જે નાગરિકોને સાવધ રહેવા સૂચવે છે.
અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર કરેલા હુમલા બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ યુદ્ધની સીધી અસર વૈશ્વિક ઉડાન વ્યવસ્થા પર પડી છે. યુરોપ અને એશિયા વચ્ચેના હવાઈ માર્ગો બંધ થવાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસન અને વેપારને મોટો ફટકો પડવાની શક્યતા છે.
“દુબઈ એરપોર્ટ પર સ્થિતિ અત્યંત ગંભીર છે. વારંવાર વાગતા સાયરન અને ફ્લાઇટ્સ રદ થવાથી પ્રવાસીઓમાં ગભરાટ છે. અમે સુરક્ષિત રીતે વતન પરત ફરવાની રાહ જોઈ રહ્યા છીએ.”
— એડવોકેટ શૈલેષ અમીન (વડોદરા)
:- એરપોર્ટ પર મુસાફરોની કફોડી હાલત
ગલ્ફ એરસ્પેસ બંધ કરી દેવાતા દુબઈ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
*ફ્લાઇટ્સ રદ: ભારત સહિત વિશ્વભરની તમામ ફ્લાઇટ્સ રદ થતા હજારો પ્રવાસીઓ એરપોર્ટ પર અટવાયા છે.
*અનિશ્ચિતતા: એરલાઇન્સ કંપનીઓ પાસે પણ ફ્લાઇટ ક્યારે શરૂ થશે તેની કોઈ સ્પષ્ટ માહિતી નથી.
*સુવિધાઓનો અભાવ: અચાનક સર્જાયેલી આ કટોકટીને કારણે મુસાફરોને ખાવા-પીવા અને રહેવાની ભારે અગવડતા પડી રહી છે.