ગળામાં ભયંકર તૃષા જાગી હોય, ખાબોચિયાં સુક્કાં ભઠ્ઠ થઇ ગયાં હોય ને દૂર દૂર પાણીનાં કોઈ વાવડ નહિ હોય, ત્યારે ઝાંઝવાનાં પાણી જોઇને, જીવડો હરખી તો ઊઠે, પણ પાસે જાય એટલે આશાની ભેખડ તૂટી પડે. ચૂંટણીનો ચક્રવાત એવો જ. પરિણામ સુધી તો મસ્ત-વ્યસ્ત ને અલમસ્ત, પણ હાર્યા પછી માણહ ભાંગી પડે..! એવો ભાંગી પડે કે, બેઠો કરવા કોઈ ટેકેદાર પણ પાસે ના હોય. બિચારો તકિયા ઉપર માથું ટેકવી આંહુડા ઠાલવીને ગાતો હોય કે,
આ તો ઝાંઝવાનાં પાણી, આશા જુઠી રે બંધાણી
મોતીડાં નહિ રે મળે, હંસલા હાલો ને હવે મોતીડાં નહિ રે મળે..!
ઠાઠમાઠ સાથે નીકળેલી જાન, કન્યાને લીધા વગર લીલા તોરણે પાછી આવે તો આઘાત તો લાગે ને..? કાન સુઉઉઉઉણન મારી જાય, આંખના ડોળા બહાર ખેંચાઈ આવે, ને એવો શંકાશીલ થઇ જાય કે, પ્રત્યેક મતદાર જાલમસિંહ જાડેજા જેવો લાગવા માંડે..! જે હોય તે..!
આ વખતની ચૂંટણીનું વાવાઝોડું ‘રેમલ’ કરતાં પણ ખતરનાક તો હતું..! ઉત્સવ કરતાં મહોત્સવ જેવું વધારે લાગ્યું. શું પ્રચાર થયા..? માઈક તો ઠીક, ગળાં-ગળાં ફાડી નાંખ્યાં..! ગળાને ગરનાળામાં ફરક તો પડે ને..? અમુકનાં ગળાં તો, પાણી વગરના ગરનાળાની માફક, હજી ‘ચોક-અપ’ છે..! ચૂંટણીનો ફેંસલો ભલે આવી ગયો, પણ અમુકના ગળામાંથી અવાજનો પ્રસવ હજી થયો નથી. ચૂંટણી છે દાદૂ..! આજે ચારેય કોર ‘કહીં ખુશી કહીં ગમ’ ના માહોલમાં સૌ શ્વસી રહ્યાં છે. ચૂંટણીમાં ક્યાં તો હારવાનું આવે કે જીતવાનું ..! જે જીત્યા એ મસ્ત કલંદર અને જેના નસીબે હાર આવી, એ બેચેનીમાંથી બહાર આવ્યાં નથી.
એક વાતની ખાતરી થઇ કે, માતૃભૂમિના કલ્યાણ માટે આપણી પાસે સેવાભાવીનો મબલખ ‘સ્ટોક’ છે ખરો..! કેટલાંક તો હજી Waiting માં પણ છે. Branded party ની ટીકીટ મળે તો ઠીક, નહિ મળે તો લટકીને પણ ચૂંટણી-યાત્રા કરવી, એવા ઝનૂની .! દેશ માટે મરી ફીટવાની એ મર્દાનગી કહેવાય. અમુકનું તો ઝનૂન જ એવું સોલ્લીડ કે, જે થવાનું હોય તે થાય, ‘યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે’ ની માફક, ચૂંટણીમાં ઝંપલાવ્યા વગર જંપે નહિ..! રાણો રાણાની રીતે જ ચાલે..! કાળજા કેરો કટકો (ખુરશી) હાથથી છૂટવાનો હોય તો ભલે છૂટે, પણ દેશદાઝવાળી ભીનાશ સુકાવા નહિ દે.
મૂળ વાત એ છે કે, બંદાએ લોકોને તો બહુ હસાવ્યા, પણ આજે ખંજવાળ એ વાતની આવી કે, લાવ હારેલાને હસાવીને હળવા કરું..! જેમણે દેશ માટે ક્રૂર ગરમીમાં પરસેવા પાડ્યા હોય, એમનામાં પરસેવા ફૂટે ને, હાસ્ય નહિ છૂટે તો અમારી ઈજ્જત ભોંઠી પડે..! અમારે તો કાલે ઇતને સબ જાંબુ…! જેનું કુળ હાસ્યનું છે, એની કોઈ જાતિ નથી, ધર્મ નથી, આભડછેટ નથી કે, એની પાસે કોઈના ખેસ નથી. સબ ભૂમિ ગોપાલકી..! આ તો હસવા હસાવવાની વાત છે દાદૂ..!
ઉમેદવાર ગમે એવો રત્નજડિત હોય, પણ એનો આધાર, એનો મતદાર કહેવાય. મતદારને કોઈ માપી પણ નહિ શકે ને લાલચ આપી પામી પણ નહિ શકે. એમના વાવાઝોડાની તાસીર જ અલગ..! વાવાઝોડું ક્યારે કઇ દિશામાં ફંટાવાનું છે એની છેલ્લી ઘડી સુધી ખબર નહિ પડે. ચૂંટણીમાં તો એવું છે ને કે, જે ફાવ્યો એ ડાહ્યો..! જીત્યો એ સિકંદર ને બાકીના બધા જંતરમંતર ..! નેતા શબ્દ જ એવો, ‘નેતા’ શબ્દને ઝડપથી બોલીએ તો, તાનેતા..તાનેતા..તાનેતા, એવું જ સંભળાય…! નેતા દુનિયા છોડે, પણ ખુરશી નહિ છોડે..! “તું નહીં તો ઔર સહી, ઔર નહીં તો ઔર સહી, એનું ગાડું ગબડતું જ હોય. આ ચૂંટણીમાં નહિ ફાવ્યા તો, સુગર ફેકટરીની ચૂંટણીમાં, એમાં પણ પડીકું વળી ગયું તો, સ્થાનિક પંચાયત કે સહકારી મંડળીની ચૂંટણીમાં..! છેલ્લે અગમ નિગમના ખેલ તો ખરા જ..! ગમે ત્યાં ને ગમે ત્યાં ઠેકાણે પડે ખરો..! નેતા કોને વફાદાર છે એના ઉપર આધાર..!
સાચું પૂછો તો, જીવનમાં સુખી થવું હોય તો બે જ રસ્તા..! ક્યાં તો ખડખડાટ હસો, ક્યાં તો ઘસઘસાટ ઊંઘો..! શ્રી રામ-રાવણનું યુદ્ધ થયું ત્યારે, લંકામાં કેટલી માથાકૂટ થયેલી. બધું ઉથલપાથલ થઇ ગયેલું..! છતાં, કુંભકર્ણને કોઈ ટેન્શન હતું..? ‘માંહ્ય ગયું’ સમજીને કેવો ઘસઘસાટ ઊંઘતો હતો? જે લોકો ગામમાં હોવા છતાં, મત આપવા નહિ જાય, એ બધા ઘસઘસાટ ઊંઘતા હોય એટલે તો મતદાનની ટકાવારી ઓછી આવે..!
‘માંહ્ય ગયું ઈલેક્શન’ કહીને નીંદર જ ખેંચતા હોય ને..? પણ એ દેશસેવા નથી. સરકાર બહુમતીથી બને. મને એક પ્રસંગ યાદ આવે છે કે, એક છાત્રાલયમાં છાત્રોને રોજ રીંગણા-બટાકાનું શાક ખવડાવતા. રોજનાં રીંગણાં-બટાકાં ખાઈને, છાત્રો ત્રાસી ગયાં. જેનો વિરોધ કરવા, અચાનક એક દિવસ છાત્રોએ હડતાળ પાડી. હડતાળ લાંબી ચાલી ત્યારે, સંસ્થા અકળાઈ. એટલે સંચાલકે વિદ્યાર્થીઓને જણાવ્યું કે, જેને જે શાક ભાવતું હોય એનું નામ, એક કાગળમાં લખીને લાવો. જે શાકની બહુમતી હશે, તે શાકનાં રાંધણ આપણે કરીશું. એના કપાળમાં કાંદા ફોડું, શાકની પસંદગી માટે ‘વોટીંગ’ થયું.
બોલ્લો..! યુવાન લોહી, એટલે બધાએ જાતજાતની ફરમાઈશ કાઢી, પણ કોઈ એકમત થયું નહિ. થયું એવું કે, કોઈએ ચાઇનીશ ફુડ, કોઈએ પંજાબી ફુડ, કોઈએ મેકસીકન ફુડ, કોઈએ કાઠીયાવાડી ફુડની ફરમાઈશ કરી. અમુકે તો જેનાં નામ સાંભળેલાં નહિ, એવા ફુડની પણ માંગણી કરી. જે છાત્રોને માત્ર ‘રીંગણાં-બટાકાં’ ની જ ઓળખ હોય એમણે રીંગણાં-બટાકાં લખ્યાં ને રીંગણાં-બટાકાવાળાં એક મતે બહુમતીમાં આવી ગયા અને ફરી પાછાં રીંગણાં બટાકાનાં આંધણ શરૂ થઇ ગયાં. એમ જ્યાં ‘તુંડે તુંડે મતિર્ભિન્ના’ હોય, ત્યાં બહુમતી સહેલાઈથી જગ્યા શોધી લે, એનું નામ ચૂંટણી…! ચૂંટણીમાં ક્યારેક ભંગાવવી પણ પડે. ડામરરોડ ઉપર ખાતર નાંખવાથી ખેતી થતી નથી, એનું નામ ચૂંટણી..!
કહેવાનો મતલબ, સારું હવામાન ને સારું બિયારણ હોય તો જ ખેતી ફળદ્રુપ થાય. ચમનિયો એટલે ચૂંટણીનો કીડો, આજે પણ ચૂંટણીઓ હારવાનો રેકર્ડ એની પાસે છે. ડીપોઝીટની રકમ જેટલા પણ મત નહિ મળ્યા હોવાના દાખલા હોવા છતાં, એ રંગાખુશ રહે..! પણ અમુક લોકો લગન લગને કુંવારા રહે એમ, કોઈ પણ ચૂંટણી આવે એટલે ચમનિયો પીઠી ચોળીને તૈયાર..! મહેનતુ પણ બહુ..! ચૂંટણી જીતવા માટે ખડે પગે, ઊભા રહીને ૧૦૮ વાર હનુમાન ચાલીસા કરવા પડે તો તે પણ કરે..! પણ નસીબનો એવો ફાટેલો કે, ચૂંટણીમાં એનું પડીકું જ વળી જાય..!
આ વખતની ચૂંટણીમાં કાકીને બહુ આશા હતી કે, મારો ઢ ફત્તેહ થવાનો જ છે. એટલે તો મોટી ઉંમરે સીમંત આવ્યું હોય એમ, કાકી હરખઘેલી બનીને ગામમાં ફરતી ને કાકા સાથે પ્રચાર કરવા પણ જતી. ચમનિયા માટે રાજકારણી સ્ટાઈલના તો બે ડઝન ઝભ્ભા એડવાન્સમાં ખરીદી લાવેલી. પણ જેવું ચૂંટણીનું પરિણામ આવ્યું કે, કાકીના મોંઢાનો કલર ઊડી ગયો. મનની મનમાં જ રહી ગઈ, આશાઓનું ઓસામણ થઇ ગયું..! આકાંક્ષા ઉપર એવું ‘હેવી રોલર’ ફરી વળ્યું કે, કાકી હજી છેડો વાળીને રડે છે..! હૈયાફાટ રડવાનો એમનો અંદાજ પણ માણવા જેવો છે મામૂ..! આવો આપણે કાકીના રડવાના અંદાજમાં વ્યથાને માણીએ..! એક બહેને એટલું જ પૂછ્યું કે, કાકી, ‘ ચૂંટણીમાં કાકાનું પડીકું કેવી રીતે વળી ગયું..?’ આટલું કહ્યું તેમાં તો કાકીએ એવી પોક મૂકી કે, આજુબાજુવાળાને શંકા ગઈ કે ચમનિયો ગયો કે શું..?
(રડતાં-રડતાં) “ બેએએએન…હું તો છતા ધણીએ વિધવા થઈ ગઈ રે બેન..! (ભારત માતાકી જય ) ગોખેલા ભાષણ ગલોફામાં જ રહી ગયાં રે બેન…! (ભારત માતાકી જય) ઉમેદવારી કરી ત્યારથી કૂટી કૂટીને મરી ગયા રે બેન..! (ભારત માતાકી જય ) તો પણ કંઈ કાંદો નહિ કાઢ્યો નહિ કાઢ્યો રે બેન..! (ભારત માતાકી જય ) ચૂંટણીમાં ને ચૂંટણીમાં મારા ઢોર પણ વેચાઈ ગીયાં રે બેન..! (ભારત માતાકી જય ) મને કહે કે, જીત્યા પછી બંને વેમાનમાં ને વેમાનમાં ફરહું રે બેન..! પણ એનું પાનું નહિ ફરીયું રે બેન..! (ભારત માતાકી જય..! ) એમાં એક બહેને છાની રાખતાં કહ્યું, ‘નહિ રડ, કાકી નહિ રડ..! સર સલામત તો પાઘડી તો ઘણી મળશે. આધાર કાર્ડ હશે તો ચૂંટણી તો ઘણી આવશે. આ નહીં તો આવતી ચૂંટણીમાં જીતશે. ચૂંટણી હારી ગયા, વરહ થોડા હારી ગયાં..? ( ત્યાં તો કાકી પાછા ‘સ્ટાર્ટ’ થઇ ગયાં…!
હવે હું ક્યાંથી પૈસા લાવવાની રે બેન..! ચૂંટણીમાં પાછળવાળું કીયારડું પણ વેચાઈ ગયું રે બેન..! નેતા બનવાની લ્હાયમાં બધી વાતે પરવારી ગયા રે બેન..! (ભારત માતાકી જય) તારા કાકાની બધ્ધી મુરાદ મનમાં જ રેઇ ગઈ રે બેન..! જીતવાનું તો આઘું ગિયું, પેલી ‘ ડેપ્લોઝીટ ‘ (ડીપોઝીટ) પણ ડૂલ થઇ ગઈ રે બેન..! તારો કાકો ઊડી ગયેલા બલ્બ જેવો થઇ ગયો રે બેન..! ( ભારત માતાકી જય.!) એક બહેને તો કાકીને પૂછી જ નાંખ્યું કે, ‘કાકી..! તમે તો પાક્કા દેશપ્રેમી લાગો. તમે તો રડતાં રડતાં પણ ‘ભારત માતાકી જય’ બોલવાનું છોડતા નથી. કાકી કહે, “શું કરું બેન, રાત દહાડો એનું ભાષણ સાંભળી-સાંભળીને મને પણ ‘ભારત માતાકી જય’ બોલવાની ટેવ પડી ગઈ બેન..!’ ભારત માતાકી જય..!
લાસ્ટ બોલ
નવી વહુ ઘરમાં આવી એટલે, સાસુએ કહ્યું, બેન, હું તારી સાસુ છું અને આપણું ઘર સરકારશ્રીના મંત્રાલય પ્રમાણે ચાલે છે. બધાને જુદાં જુદાં ખાતાં વહેંચી આપેલાં છે. મારી પાસે નાણાં ખાતું ને હોમ ડીપાર્ટમેન્ટ છે. તારા સસરા પર્યટન મંત્રી છે. જ્યાં જવાના હોય ત્યાં જાય ને સાંજે એસટી બસ ડેપોમાં હાજર થઇ જાય એમ ઘરે પાછા આવી જાય. તારી નણંદ પાસે જાસૂસ ખાતું છે. તારો પતિ અને મારો દીકરો એટલે, ઉદ્યોગ મંત્રી..! એણે માત્ર ધંધો જ કરવાનો. હવે બોલ તારે કયું ખાતું જોઈએ..?
નવી વહુ કહે, ‘સારાં સારાં ખાતાં તો તમે બધાએ લઇ લીધાં, એટલે હું બનીશ વિરોધ પક્ષના નેતા..! તમારી સરકાર ચાલવા નહિ દઉં..!
તારા કપાળમાં કાંદા ફોડું…!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.