
ગયા સપ્તાહના મારા લેખમાં મેં લખ્યું હતું કે ખુમારી દરેક પ્રજાને ગમે છે, પણ તે રળવી પડે છે, ગર્જનાઓ કરવાથી અને બીજાને ગાળો દેવાથી નથી આવતી. એ રળવાનો એક માત્ર માર્ગ છે પુરુષાર્થ. પુરુષાર્થીમાં આ ચાર ગુણ જોવા મળશે; ધીરજ, મહેનત, ધ્યેયલક્ષી લાંબા ગાળાનું આયોજન અને સહિષ્ણુતાપૂર્વકની અસહિષ્ણુતા. જેમકે ભ્રષ્ટાચાર કે અમલદારશાહી માટે અણગમો હોય (અને અસહિષ્ણુતાના સ્તરે હોવો જ જોઈએ), પણ એ અણ્ણાની ટોપી પહેરીને રામલીલા મેદાનમાં ઉતરી પડવાથી ન આવે, તેને માટે ધીરે ધીરે વ્યવસ્થામાં સુધારા કરવા જોઈએ. ધીરોદત્ત માણસોની અસહિષ્ણુતા સહિષ્ણુતાપૂર્વકની હોય છે. એ પછી જે સ્થાન મળે છે એ અનોખું હોય છે. આનું ઉદાહરણ ચાર દિવસ પહેલાં દક્ષિણ કોરિયામાં જોવા મળ્યું. મારી વાચકોને સલાહ છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીની નેતા શી ઝિંગપીંગ વચ્ચે ટ્રેડ વોરના મામલે જે વાટાઘાટ થઈ અને સમજૂતી થઈ તેની વિડીયો કલીપ અવશ્ય જુઓ. ફાચરમાંથી પૂંછડી નીકળી હોય અને વાંદરાને જે રાહતનો અનુભવ થાય એવી રાહત અને રાજીપો ટ્રમ્પના ચહેરા પર જોવા મળે છે અને સામે શી ઝિંગપીંગના ચહેરાના ભાવ જુઓ. કોઈ ઉત્સાહનો અતિરેક નહીં. ઠીક છે, નાદાન છે, પણ કામનો છે. તિરસ્કારયુક્ત આદર!
આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી. એની શરૂઆત 1979 પછીથી થઈ હતી જ્યારે ચીનનું સુકાન દેંગ ઝિયાઓપીંગના હાથમાં આવ્યું. એ માણસ સામ્યવાદી હતો અને માઓ ઝેદોંગનો ચુસ્ત અનુયાયી હતો. 1980 સુધીમાં તેને સમજાઈ ગયું હતું કે સામ્યવાદી વિચારધારા અને વહીવટ ઝડપી આર્થિક વિકાસ માટે અનુકુળ નથી. ખુલ્લું અર્થતંત્ર ધરાવનારા દેશો આમાં સરસાઈ ધરાવે છે. બીજી બાજુ લોકશાહી ધરાવનારા દેશો લોકશાહીને કારણે ઝડપી નિર્ણયો લઈ શકતા નથી કે કૃતનિશ્ચયી પગલાં લઈ શકતા નથી. તેમણે વિરોધના કારણે કે ચૂંટણી જીતવા પ્રજાને રાજી રાખવા પીછેહઠ પણ કરવી પડે છે. તેમણે ચીનમાં એવો ઢાંચો વિકસાવ્યો જેમાં આર્થિક બાબતે ખુલ્લાપણું અને રાજકીય બાબતે બંધિયારપણું હતું અને આજે પણ છે. ત્યારે આ લખનારને અને બીજા અનેક લોકોને એમ લાગતું હતું કે આ મૂળભૂત વિરોધાભાસ લાંબો સમય નહીં ચાલે. એક દિવસ ચીન એના વિરોધાભાસનો ભોગ બની જશે. પણ એવું બન્યું નહીં. ચીને ધીરે ધીરે દરેક મોરચે પાંખ વિસ્તારવાનું શરુ કર્યું જેને કારણે સામ્યવાદી નેતૃત્વ સામે આંતરિક વિદ્રોહ મુશ્કેલ થઈ ગયો. જ્યાં સુધી સફળતા મળતી હોય અને શાસકો વિશ્વમાં દેશની જગ્યા અને પ્રભાવ વિસ્તારી આપતા હોય ત્યાં સુધી વિરોધ મેનેજ કરી શકાય છે અને ચીનમાં ઉત્તરોત્તર સામ્યવાદી શાસકોએ એ માર્ગ અપનાવ્યો હતો.
પણ એ બન્યું કેવી રીતે? ઉપર કહ્યા એ ચાર ગુણો દ્વારા. ધીરજ, મહેનત, ધ્યેયલક્ષી લાંબા ગાળાનું આયોજન અને સહિષ્ણુતાપૂર્વકની અસહિષ્ણુતા. એક જ ઉદાહરણ આપું. છેક 1980માં દેંગ ઝિયાઓપીંગે કહ્યું હતું કે રેર મિનરલ્સની બાબતમાં ચીન એ સ્થાન મેળવશે જે આરબ દેશો ખનીજ તેલની બાબતમાં ધરાવે છે. એટલે કે ઈજારાશાહી. આજે ઉપયોગમાં લઈ શકાય એવા રેર મિનરલ્સની બાબતમાં ચીન ૯૦ ટકા કરતાં પણ વધુ માર્કેટ શેર ધરાવે છે અને એવી ઈજારાશાહી આરબ દેશો પણ બળતણની બાતમાં નથી ધરાવતા. દક્ષિણ કોરિયામાં ચીન સાથે સમજૂતી કર્યા પછી ટ્રમ્પબાબાના ચહેરા પર જે રાજીપો અને રાહત નજરે પડી રહી છે એ આ રેર મિનરલ્સ અને બીજાં એવાં કારણોને કારણે. ચીને રેર મિનરલ્સની નિકાસ ઘટાડીને લગભગ બંધ કરી દીધી હતી. છેક 1980માં દેંગ ઝિયાઓપીંગને સમજાઈ ગયું હતું કે ભવિષ્યમાં ટેકનોલોજીના વિકાસ માટે અને તેના પર આધારિત અર્થતંત્ર માટે રેર મિનરલ્સ અનિવાર્ય બનવાનાં છે.
ટ્રમ્પએ ઝૂકવું પડ્યું એનું બીજું કારણ છે ચીન અમેરિકા વચ્ચેના આયાત-નિકાસના ધંધામાં ચીનની સરસાઈ. ચીને ગયા નાણાંકીય વર્ષમાં 401.4 અબજ ડોલરની કિંમતની ચીજવસ્તુઓની અમેરિકામાં નિકાસ કરી હતી અને સામે અમેરિકા પાસેથી 131 અબજ ડોલરની ચીજવસ્તુઓની આયાત કરી હતી. આયાત-નિકાસ વચ્ચે ખાધ હતી 270.4 અબજ ડોલરની. ચીને આ સરસાઈ રાતોરાત નથી મેળવી. 1980માં દેંગ શિયાઓપીંગ શાસક તરીકે આવ્યા ત્યારે ચીન અમેરિકા સામે આયાત-નિકાસમાં માત્ર 6.2 અબજ ડોલરની સરસાઈ ધરાવતું હતું. 1990માં એ વધીને 56.9 અબજ ડોલર થઈ, 2010માં તો પ્રચંડ માત્રામાં વધીને 347.02 ડોલર થઈ અને અત્યારે 270 અબજ ડોલર. આ રાતોરાત નથી બન્યું. ઘણીવાર એવું બનતું હોય છે કે નિકાસ દ્વારા કોઈ દેશ આયાત કરનાર દેશના અર્થતંત્ર માટે અનિવાર્ય બની જાય. ચીન સામે ભારત પણ આવી જ મજબુરી ધરાવે છે. ભારત ચીનથી 101.75 અબજ ડોલરની ચીજવસ્તુઓની આયાત કરે છે અને સામે માત્ર 16.66 અબજ ડોલરની ચીજવસ્તુઓની નિકાસ કરે છે. ક્યાં 101 અબજ અને ક્યાં 16 અબજ! ભારતની આખા વિશ્વમાં કુલ નિકાસ 437.11 અબજ ડોલર. ચીન 120 દેશો સાથે ધંધો કરે છે જેમાંથી 100જેટલા દેશોમાં તેની નિકાસ આયાત કરતાં વધુ છે. ચીન સ્વયં એક વર્લ્ડ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી છે.
ટ્રમ્પબાબાએ પોતાની પૂંછડી ફાચરમાં ફસાવી ત્યારે તેમને આ બધી ચીજની જાણ નહોતી? કદાચ હોય તો પણ તેમને કશો ફરક નહોતો પડતો કારણ કે આવા નેતાઓ હેડલાઈન્સમાં જીવતા હોય છે. અરુણ શૌરી કહે છે એમ રોજેરોજ કમાનાર અને ખાનારની જેમ રોજેરોજ હેડલાઈન મેનેજ કરતા હોય છે. સુરખીઓ મેં રેહના હૈ. કાંઈ પણ બોલો, કાંઈ પણ ફેંકો અને કાંઈ પણ કરો, ઘેલાઓને રાજી કરો અને વાહવાહી મેળવો. તમારું અર્થતંત્ર 400 અબજ ડોલરની આયાત દ્વારા ચીન પર નિર્ભર હોય અને રેર મિનરલ્સ માટે લગભગ 90 ટકા નિર્ભર હોય ત્યારે કયા મોઢે સાહસ કરો? ચીનની અનિવાર્યતા ઘટાડવી હોય તો એ બિલકુલ શક્ય છે, પણ એને માટે ચીન જેવી જ લાંબાગાળાની યોજના બનાવવી જોઈએ, ધીરજપૂર્વક પુરુષાર્થ કરવો જોઈએ. જે માર્ગે ચીન અનિવાર્ય બન્યું એ માર્ગે જ ચીનની અનિવાર્યતાનો અંત લાવી શકાય. અહીં ઘણા લોકોના મનમાં સવાલ થતો હશે કે શું ટ્રમ્પ ચીન જેવી સમજુતી ભારત સાથે કરશે? શક્યતા પૂરી છે, પણ યાદ રહે, અમેરિકાના વિશ્વવ્યાપારમાં ભારતનું સ્થાન 11માં ક્રમે છે. અમેરિકા સાથેના ધંધામાં ચીનની 270 અબજ ડોલરની સરસાઈ સામે ભારત માત્ર 41 અબજની સરસાઈ ધરાવે છે.