ગામનો સાક્ષરતા દર 71.86 ટકા: 70 ટકા લોકો હિન્દુ ધર્મ, જ્યારે 30 ટકા લોકો ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે # જાખાના ગ્રુપ ગ્રામ પંચાયતમાં જાખાના, કોટમદર અને ધૂમખલ ગામનો સમાવેશ # ડાંગ જિલ્લા પાણી પુરવઠા વિભાગ અને જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગની દેણના પગલે ગામ પાણીની સુવિધાઓથી સમૃદ્ધ
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ અને ગિરિમથક સાપુતારાથી 10 કિ.મી.ના અંતરે તથા શામગહાન ગામથી અંદાજિત 3 કિ.મી.ના અંતરે સમથળ ભૂમિ વિસ્તારમાં આવેલું જાખાના ગામ બાગાયત ખેતી અને પશુપાલન થકી આર્થિક રીતે સધ્ધર બનવાના પ્રયાસો કરી રહ્યું છે. શામગહાન-આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગને અડીને આવેલું હોય તથા ચોતરફ પર્વતોની મધ્યમાં ખીણમાંથી વહેતી કોતરોને જોડતું આ ગામ હાલમાં રોજગારી, શિક્ષણ, નોકરી, સિંચાઈ, પશુપાલન, ખેતીવાડી અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે ધીમે ધીમે વિકાસનાં ડગલાં ભરી આગળ ધપી રહ્યું છે.
જાખાના ગામની ચારે બાજુ નજર નાંખીએ તો ચોતરફ પર્વતો અને જંગલોથી ઘેરાયેલો વિસ્તાર છે. જ્યાં ગામડાંની ઝલક જોવા મળે છે. ગામની ચોતરફ ડુંગરો, જંગલો હોય તથા ખીણમાં ખાપરી નદીને જોડતી બે જેટલી કોતરો પણ પસાર થતી હોવાથી ચોમાસા અને શિયાળાની ઋતુ દરમિયાન કુદરતી સંપદા જાજરમાન બની દીપી ઊઠી સોળે કળાએ ખીલી ઊઠે છે. જાખાના ગામ ખીણમાં સમથળ ભૂમિ પર આવેલી હોવાથી ચોમાસાની ઋતુમાં આ ગામનું વાતાવરણ આહલાદક બની રહે છે. આ ગામમાં 11 મહિના સુધી ભરપૂર પાણી મળી રહે છે. આ ગામમાં પાનખર ઋતુમાં જંગલોનાં ઝાડ પરથી પાંદડાં ખરી પડતાં સમથળ ભૂમિ પર માત્ર કાચાં-પાકાં મકાનોની સાથે સાચા ગામડાની ઝલક જોવા મળી રહે છે. જાખાના ગામ પશુપાલન અને બાગાયત ક્ષેત્રે ઊભરી આવ્યું છે. ગામના વડીલોના જણાવ્યા અનુસાર વર્ષો પહેલાં જાખાના ગામ ડાંગ જિલ્લાના વાસુર્ણા સ્ટેટમાં આવતું હતું. આ ગામમાં સૌપ્રથમ રાજા રજવાડા વખતના સૂર્યવંશી રાજ કુંવરોએ વસવાટ શરૂ કર્યો હતો. જાખાના ગામનું નામકરણ સૂર્યવંશી રાજકુંવરોની માન્યતા પ્રમાણે વિજયધ્વજ, રાજ ધ્વજ પરથી ‘જાખાના ગામ’ પાડેલ હોવાનું સાંભળવા મળે છે. જાખાના ગામ વિસ્તારમાં સૌપ્રથમ સૂર્યવંશી ભીલ અને વારલી જ્ઞાતિના રાજકુંવરોએ ફળિયું બનાવી વસવાટ શરૂ કર્યો હતો. બાદ કુનબી અને કોંકણી જ્ઞાતિના લોકો આવ્યા હતા અને અહીં જાખાના ગામમાં સંપીને વસવાટ શરૂ કર્યો હતો. આ ગામમાં સો ટકા આદિવાસી લોકો વસવાટ કરે છે, જેમાંથી સૌથી વધુ ભીલ અને વારલી જ્ઞાતિના છે. જ્યારે જૂજ લોકો કુનબી અને કોકણી જ્ઞાતિના છે. આ ગામના 70 ટકા લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે. જ્યારે 30 ટકા લોકો ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા જોવા મળે છે. આ ગામમાં હનુમાનજીનાં બે મંદિર પણ આવેલાં છે. સાથે બે ચર્ચ પણ આવેલાં છે. આ ગામમાં 70 ટકા હિન્દુ ધર્મના અનુયાયીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. જ્યારે વટાળ પ્રવૃત્તિના પગલે ખ્રિસ્તી ધર્મની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ખ્રિસ્તી ધર્મના લોકો રવિવારે દેવળમાં પ્રાર્થના કરે છે. જાખાના ગામમાં દાતાઓ અને ભક્તો દ્વારા નિર્માણ કરાયેલા હનુમાનજીનાં મંદિરે શનિવારે પૂજા-અર્ચના કરવામાં આવે છે. વધુમાં આ ગામમાં શ્રી સંપ્રદાય તથા મોક્ષમાર્ગી સંપ્રદાયના ભક્તો પણ પૂજા-અર્ચના કરી પોતાના સનાતન હિન્દુ ધર્મનું પાલન કરે છે.
આ ગામનાં 100 ટકા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. સાથે અમુક લોકો સાપુતારા અને માલેગામ ખાતે હોટલ અને રિસોર્ટમાં ધંધા-રોજગાર અર્થે જાય છે. અમુક લોકો મહારાષ્ટ્રના સરહદીય વિસ્તારમાં દ્રાક્ષ તથા શાકભાજીની વાડીઓમાં મજૂરીકામ અર્થે જાય છે. તેમજ અમુક કુટુંબો સુગર ફેક્ટરીઓમાં પણ શેરડી કાપણી અર્થે સ્થળાંતરણ કરે છે.
ડાંગ જિલ્લાનું જાખાના ગામ સાપુતારાથી 10 કિલોમીટરનાં અંતરે આવેલું છે. જ્યારે શામગહાનથી 3 કિલોમીટરના અંતરે રાષ્ટ્રીય ધોરી માર્ગને જોડતું ગામ છે. જાખાના ગામથી વહીવટી મથક આહવા કે અન્ય સ્થળોએ જવું હોય તો લોકોને સરળતાવાળી સગવડ મળી રહે છે. હાલમાં જાખાના ગ્રુપ ગ્રામ પંચાયતમાં જાખાના, કોટમદર અને ધૂમખલ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લી બે ટર્મથી ગ્રુપ ગ્રામ પંચાયત જાખાનામાં ભાજપાની બોડીનો દબદબો જોવા મળે છે. જાખાના ગામના લોકોના શિક્ષણ ક્ષેત્ર વિશેની વાત કરીએ તો આ ગામનો સાક્ષરતા દર 71.86 ટકા જેટલો ઊંચો જોવા મળે છે. આ ગામનો સાક્ષરતા દર સારો જોવા મળે છે. જેના પગલે હાલમાં નોકરિયાતોની સંખ્યામાં પણ ધીરે ધીરે વધારો નોંધાઈ રહ્યો છે.
જાખાના ગામની પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો અહીં એક વર્ગ પ્રાથમિક શાળા તથા મુખ્ય પ્રાથમિક શાળા, બે આંગણવાડી, પોસ્ટ ઓફિસ, દૂધડેરી જોવા મળે છે. તાલુકા મથક કે પછી મુખ્ય મથક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જવા માટે લોકોને સરળતાવાળી સગવડ જોવા મળી રહે છે. અહીં સમયાંતરે લોકલ એસટી બસ, એક્સપ્રેસ એસટી બસ, ખાનગી વાહનો રોજેરોજ નિયત સમય મુજબ મુસાફરોને આવનજાવન કરવા માટે મળી રહે છે. જાખાના ગામને જોડતા ત્રણ જેટલા આંતરિક માર્ગો જિલ્લા પંચાયત, માર્ગ-મકાન વિભાગની ગ્રાંટમાંથી ઘણા વર્ષો પૂર્વે નવીનીકરણ કરવામાં આવ્યા હતા. જે ત્રણ માર્ગોની હાલત હાલ જર્જરિત થઈ ગઈ છે. હાલ આ ત્રણેય માર્ગો ધૂળિયા બની ગયા છે. જેમાં હેદીપાડા ફળિયાના માર્ગમાં તો ડામર સપાટીનું નામોનિશાન મટી જતાં આ માર્ગ ચંદ્રભૂમિને શરમાવે તેવો બની ગયો છે. આ માર્ગો બનાવવા માટે માજી સરપંચ સંજયભાઈ વળવીએ ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગમાં રજૂઆત કરી છે. પરંતુ માર્ગ-મકાન વિભાગે આ ત્રણેય માર્ગ બાબતે ચૂપકીદી સેવતાં સંજયભાઈ વળવી સહિત ગ્રામજનોએ બળાપો ઠાલવ્યો હતો. માર્ગો ધૂળિયા બનતાં ગામના વાહનચાલકોને હાલાકી વેઠવાની નોબત આવી છે. જાખાના ગામમાં ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા દરેક ફળિયાંમાં પેવર બ્લોક અને સીસી માર્ગો બનાવવામાં આવ્યા છે. જે પેવર બ્લોક માર્ગોની હાલત સારી છે. જ્યારે સીસી માર્ગો ઉખડી ગયા છે. જ્યારે અમુક જગ્યાએ હજુ પણ પેવર બ્લોક અને સીસી માર્ગોની તાતી જરૂરિયાત લાગી રહી છે. સાથે જાખાના ગામે ત્રણેય ફળિયાંમાં અગાઉ ગટરલાઇનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ગામનો મોટા ભાગનો વિસ્તાર સમથળ અને થોડોક ભાગ ટેકરાળ હોવાથી ચોમાસાનું પાણી આરામથી નજીકથી પસાર થતી કોતરમાં ઊતરી જાય છે. જેથી લોકોનાં ઘરોમાં પાણી ભરાવાનો સવાલ જ ઊભો થતો નથી. ગામમાં પાણીની સુવિધા વિશે ચર્ચા કરીએ તો આ ગામને અડીને ખાપરી નદીને જોડતી બે જેટલી કોતર આવેલાં છે, જેમાં પાણી જોવા મળી રહે છે. આ ગામને જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યું છે. અહીં પાણી પુરવઠાની પાણીની યોજના સફળ દેખાઈ છે. આ ગામમાં સૌપ્રથમ લોકોને સ્ટેન્ડ પોસ્ટ આધારિત પાણી આપવામાં આવતું હતું. પરંતુ હાલમાં નલ સે જલ યોજના અંતર્ગત અહીં ઘરદીઠ નળ કનેક્શનની સુવિધા પૂરી પાડી ઘરે-ઘરે પાણી પહોંચાડવા માટે 3 મોટી અને અન્ય નાની ટાંકીઓ તથા 20 જેટલા કૂવા પણ બનાવવામાં આવ્યા છે. સાથે ગામમાં દરેક જગ્યાએ મીની પાઇપલાઇનના નળ મૂકવામાં આવ્યા છે. જેથી ઘર ઘર નળ કનેક્શન યોજના ભાજપાના શાસનમાં જાખાના ગામમાં સાર્થક થઈ છે. ગામમાં સરકાર દ્વારા 40થી વધુ બોર પણ ઉતારી આપવામાં આવ્યા છે, જેમાંથી અડધા ચાલુ છે અને અડધા બંધ હાલતમાં હોવાનું આગેવાનો જણાવે છે. આ ગામ ખાપરી નદીના કોતરને સાંકળતું હોય તથા ગામની નજીકમાં પાણી સંગ્રહ માટે દમણગંગા અને સિંચાઈ વિભાગની યોજનામાંથી 5 જેટલા નાના-મોટા ચેકડેમો બનાવવામાં આવ્યા છે. જે ચેકડેમોમાં એપ્રિલ સુધી પાણીનો સંગ્રહ જોવા મળે છે, જેમાં આગેવાનોનાં જણાવ્યાનુસાર ડાંગ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના નેજા હેઠળ બનેલા ચેકડેમો ગુણવત્તાસભર બનતાં તેમાં પાણીનો સંગ્રહ રહે છે. ડાંગ જિલ્લા પાણી પુરવઠા વિભાગ અને જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગની દેણના પગલે આ ગામ પાણીની સુવિધાઓથી સમૃદ્ધ જોવા મળે છે. આ ગામમાં 11 મહિના સુધી નળ દ્વારા લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં માત્ર એક મહિના માટે થોડી ઘણી તકલીફ વેઠવી પડે છે. જાખાના ગામે ચોમાસું, ઉનાળુ અને શિયાળામાં પણ પાણીના સ્ત્રોત મળી રહેતાં અહીં ખેડૂતો શિયાળુ અને ચોમાસુ પાકોની ખેતી થકી સમૃદ્ધ બન્યા છે. માત્ર અહીં ઉનાળાના આખરનાં એક મહિનામાં થોડી વતી પાણીની અછત સર્જાય છે. પરંતુ આગેવાનોના જણાવ્યાનુસાર સિંચાઈ વિભાગનાં ચેકડેમમાંથી આખરના મહિનામાં પણ પાણી રહેતું હોવાથી લોકો સહિત ઢોરઢાંખરને પાણીનો પુરવઠો પૂરો પાડી શકાય છે. વધુમાં સરપંચ દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયતનાં દરેક ગામમાં ટેન્કરની સુવિધા ઊભી કરી પાણી પહોંચાડવામાં આવે છે.
આરોગ્યની દૃષ્ટિએ આ ગામથી 3 કિ.મી.ના અંતરે સામૂહિક આરોગ્ય કેન્દ્ર શામગહાન આવેલું છે. આ ગામના લોકોને શામગહાન દવાખાનામાં જવું પડે છે. આ ગામથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર 3 કિ.મી.ના અંતરે નજીક હોય તથા રસ્તો પણ સારો હોવાથી ચોમાસામાં દર્દીઓને સરળતાવાળી સગવડ મળી રહે છે. મોટી બીમારીઓમાં લોકોને આહવા સિવિલ અને વાંસદા સુધી દોડવું પડે છે. ગામના યુવાનો અને વડીલો વચ્ચેના સુમેળભર્યા સંબંધો, વડીલોને માન આપવાની પ્રથા, માતા-પિતા અને ગુરુજનો તથા માતા-બહેનોનું સન્માન અને આદર ભાવના ધરાવતું ગામ હોવાથી અહીં સંપ ત્યાં જંપનું ઉદાહરણ જોવા મળે છે. અહીં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શાળાનાં બાળકો, આગેવાનો અને ગ્રામજનો દ્વારા ગામની વારતહેવારે સાફસફાઈ કરવામાં આવે છે. તથા પંચાયતે ગામનાં દરેક ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા કરી આપી છે. અહીં દરેક ઘરમાં શૌચાલયો હોવાથી સ્વચ્છ ભારતનું સપનું સાકાર બનેલું નજરે પડે છે. વધુમાં ચાલુ વર્ષમાં ગામમાં અનેક લાભાર્થીઓને ઇન્દિરા આવાસ, પ્રધાનમંત્રી આવાસ તથા સમાજ કલ્યાણ શાખામાંથી આવાસની ફાળવણી કરાઈ છે.
આ ગામમાં દક્ષિણ ગુજરાત વિ.પ્રા.લિ. સાપુતારા દ્વારા 24 કલાક વીજળી આપવામાં આવે છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની-સાપુતારાએ આ ગામના ખેડૂતોને ખેતીવાડીનાં વીજ કનેક્શન ફાળવી આપી ખેતી ક્ષેત્રે સધ્ધર બનવા માટેનું પ્રોત્સાહન આપ્યું છે. ગામમાં મહિલાઓ દ્વારા 20 જેટલાં સખીમંડળો પણ કાર્યરત કરાયાં છે. આ તમામ સખીમંડળની બહેનો પૈસાની બચત કરી સુખદુઃખના સમયે જરૂરિયાતમંદ લોકોને ઓછા વ્યાજ ઉપર નાણાં આપી મદદ કરે છે.
આ ગામના તલાટી કમ મંત્રી તરીકે રજનીબેન ચૌહાણ કામગીરી કરે છે. તેમના ચાર્જમાં ગ્રુપ ગ્રામ પંચાયતનાં અન્ય ગામડાં પણ આવે છે. ગ્રુપ ગ્રામ પંચાયત જાખાનાની નિયમિત કામગીરી કરી રહ્યા છે. જાખાના ગ્રુપ ગ્રામ પંચાયતની કચેરી ગામમાં જ હોવાથી ગામના લોકોને દાખલા સહિત અન્ય કામગીરી માટે સરળતા પડે છે અને અન્ય જગ્યાએ જવું પડતું નથી. જ્યારે વી.સી. તરીકે હંસાબેન રાજારામ દળવી કામગીરી કરી રહ્યાં છે.