
આહવા તાલુકામાં સમાવિષ્ટ તથા અંતરિયાળ અને મહારાષ્ટ્રના સરહદને જોડતું ગામ એટલે ગોટીયામાળ. આ વિસ્તારના ખેતરમાં વર્ષો પહેલા એક આંબાનું ઘટાદાર વૃક્ષ આવેલું હતું. આ આંબાના વૃક્ષ પર ઘોટીયા એટલે (ગોટીયા) જેવા ગોળ આકારના આંબાનાં ફળ લાગતાં હતાં. જે-તે સમયે આ વિસ્તારમાંથી પસાર થતા લોકો સિઝનમાં આ આંબા પરથી ઘોટીયા એટલે ગોટીયા જેવા ગોળ આકારના આંબાનાં ફળો તોડી આરોગતા હતા અને તેઓએ આંબા નજીકનાં માળ એટલે ખેતરોમાં કુટુંબ કબીલા તથા પશુપાલન સાથે વસવાટ શરૂ કર્યો હતો. આ આંબા પર ઘોટીયા એટલે ગોટીયા જેવા ગોળ આકારના ફળો લાગતા હોવાથી સૌપ્રથમ લોકોએ આ ગામનું નામ મરાઠીમાં ઘોટીયાચામાળ ઉચ્ચારણ કરી પાડ્યું હતું. બાદ મહારાષ્ટ્રમાંથી ઘોટીયાચામાળ ગામ છૂટું પડી ગુજરાતના ડાંગ જિલ્લામાં જોડાતા આ ગામનું નામ ઘોટયાચામાળ મરાઠીમાંથી બદલીને ગુજરાતીમાં ગોટીયામાળ પડ્યું હોવાની લોકવાયકા સાંભળવા મળે છે.
ચોતરફ પર્વતોની ખીણમાં સમથળ ભૂમિ ઉપર ધબકતા ગામમાં લોકજીવન ખુશહાલ
ગોટીયામાળ ગામ નજીકથી અંબિકા નદીની કોતરો પસાર થાય છે. જેથી અહીં દસ મહિના સુધી પાણીની સગવડો જોવા મળી રહે છે. આ ગામથી સાપુતારા 10 કિલોમીટરનું અંતર ધરાવે છે. જેથી આ ગામ હાલમાં રોજગારી ક્ષેત્રોમાં પણ આગળ જોવા મળી રહ્યું છે. અહીં શિક્ષણની સાથે સાથે નોકરી, પશુપાલન, આંબાવાડી, બાગાયતી તથા શાકભાજીની ખેતી કરી લોકજીવન આર્થિક રીતે સધ્ધર બનવાના પ્રયાસો કરી રહ્યું છે. ગોટીયામાળ ગામનો વિસ્તાર ચોતરફ ઘટાદાર વૃક્ષોથી ભરેલો જોવા મળે છે. આ ગામ હાલમાં રોજગારી, શિક્ષણ, નોકરી, પશુપાલન, ખેતીવાડીના ક્ષેત્રે વિકાસનાં ડગલાં ભરી આગળ ધપી રહ્યું છે. અહીં ચોતરફ કુદરતી સૌંદર્ય અને નયનરમ્ય દૃશ્યોમાં કાચાં-પાકાં ઘરોની આહલેક વચ્ચે તળેટી વિસ્તારમાં ગામડાંની અદભૂત ઝલક જોવા મળે છે. આ ગામમાં જવું હોય તો બારીપાડા, ભાપખલ, રાનપાડા ગુંદીયા, માળુંગા થઈ પણ જઈ શકાય છે. જ્યારે સાપુતારા માલેગામ અને જોગબારી થઈને પણ જવાય છે. જ્યારે આહવા જવું હોય તો લગભગ 38 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. આ ગામમાં ચોમાસા અને શિયાળાની ઋતુમાં કુદરતી સંપદા પણ જાજરમાન દેખાય છે.
ગોટીયામાળ ગામ અગાઉ ડાંગ જિલ્લાના વાસુર્ણા સ્ટેટના રાજવીના રજવાડામાં આવતું હતું
ગોટીયામાળ ગામ વિસ્તાર અગાઉ ડાંગ જિલ્લાના વાસુર્ણા સ્ટેટના રાજવીના રજવાડામાં આવતું હતું. આ ગામમાં આંબા નજીકનાં ખેતરોમાં સૌપ્રથમ ભીલ અને વારલી જાતિના લોકોએ વસવાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળે છે. બાદ વાસુર્ણાના રાજવી મહારાષ્ટ્રના શ્રુંગારવાડીથી કોકણી અને કુનબી સમાજના ચૌધરી લોકોને માન સન્માન સાથે ફેંટા બાંધી સેવા કરવા માટે વાસુર્ણા સ્ટેટના ગોટીયામાળ ગામ વિસ્તારમાં લાવ્યા હતા. બાદમાં ભીલ, કુનબી અને કોકણી લોકોએ સાથે મળી વસવાટ શરૂ કરી આ ગામનું નામ આંબાના ઘોટીયા ફળ પરથી ઘોટીયાચામાળ (ગોટીયામાળ) પાડી કુટુંબ કબીલા અને પશુપાલન સાથે વિધિવત રીતે વસવાટ કર્યો હતો. આ ગામમાં સો ટકા આદિવાસી લોકો વસવાટ કરે છે, જેમાંથી સૌથી વધુ કોંકણી, કુનબી ભીલ અને વારલી જ્ઞાતિના છે. આ ગામના 100 ટકા લોકો હિન્દુ ધર્મનું પાલન કરે છે. ગામમાં હિન્દુ સિવાય અન્ય ધર્મો પર સખત પ્રતિબંધ છે. આ ગામમાં હનુમાનજીનું મંદિર, વાઘદેવની પ્રતિમા પણ આવેલી છે. ગોટીયામાળથી સાપુતારાનો ડુંગર દેખાય છે. ગોટીયામાળ ગામમાં નિર્માણ કરાયેલા હનુમાનજીના મંદિરે ભક્તો દ્વારા શનિવારે પૂજા-અર્ચના કરવામાં આવે છે. વધુમાં આ ગામમાં હિન્દુ ધર્મના મોક્ષમાર્ગી અને માળકરી અને શ્રી સંપ્રદાયના વધુ લોકો જોવા મળે છે. આ ગામમાં ભક્તો પણ સમય તિથિ પ્રમાણે પૂજા-અર્ચના કરી પોતાના સનાતન હિન્દુ ધર્મનું પાલન કરે છે. ગોટીયામાળ ગામના લોકોએ ઘરદીઠ ફાળો એકત્રિત કરી મંદિરના પ્રાંગણમાં સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો માટે શેડનું પણ નિર્માણ કર્યું છે. આ શેડમાં દરેક સામાજિક કાર્યક્રમો યોજાય છે. ગોટિયામાળ ગામની ચર્ચા કરીએ તો ગામની કુલ વસતી આશરે 1073થી વધુ છે, જેમાં પુરુષોની સંખ્યા અંદાજિત 493થી વધુ છે. જ્યારે સ્ત્રીઓની સંખ્યા પણ 580થી વધુની છે. આ ગામમાં 300થી વધુ કાચાં અને પાકાં ઘરો આવેલાં છે. ગોટીયામાળ ગામમાં ઉપલું ફળિયુ, નીચલું ફળિયું, વારલી ફળિયું મળી કુલ 3 ફળિયાં આવેલાં છે. ગોટીયામાળ ગામમાં વર્ષોથી માત્ર કોંકણી, કુનબી, ભીલ અને વારલી જાતિના આદિવાસી લોકો વસવાટ કરે છે. આ ગામમાં સૌથી વધુ ચૌધરી, ગાવીત, ચૌહાણ, વાઘેરા, ભોયે, ગાંગોડા, બારીયા, ભગરે, પવાર, વાઘમારે, કડાળી, ચોથવા જેવી અટકના લોકો રહે છે.
ઉનાળાના આખરમાં પાણીની તકલીફ પડે છે
ગોટીયામાળ ગામમાં પાણીની સુવિધા વિશે ચર્ચા કરીએ તો આ ગામને અડીને અંબિકા નદીની કોતરો આવેલી છે, જેમાં 10 મહિના સુધી પાણી જોવા મળી રહે છે. આ ગામને જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યું છે. પરંતુ આ યોજના હાલમાં પાણી પુરવઠા વિભાગના પાપે પડી ભાંગતા પાણીની તકલીફો વધી છે. ગોટીયામાળ ગામમાં પાણી પુરવઠા વિભાગની જળ સે નળ યોજના નિરર્થક નીવડી છે. ગામમાં 4 જેટલી મોટી અને અન્ય નાની ટાંકીઓ તથા 12 જેટલા કૂવા પણ બનાવવામાં આવ્યા છે. આ ગામમાં ખાનગી તથા સરકારી 80થી વધુ બોર પણ ઉતારી આપવામાં આવ્યા છે. જે બોરમાં 10 મહિના સુધી પાણી જોવા મળે છે. બાદ પાણીનું સ્તર નીચું જતાં ગામમાં પાણીની તકલીફો વધી જાય છે. જેથી ગોટીયામાળ ગામમાં પાણી પુરવઠા વિભાગ ધ્યાન આપે તેવી લોકમાંગ ઊઠી છે. આ ગામનાં નજીકમાં પાણી સંગ્રહ માટે સિંચાઈ અને દમણગંગા વિભાગની યોજનામાંથી નાના મોટા ચેકડેમો બનાવવામાં આવ્યા છે. જે ચેકડેમોમાં માર્ચ-એપ્રિલ મહિના સુધી પાણીનો સંગ્રહ જોવા મળી રહે છે. બાદ પાણીનાં સ્તર સુકાઈ જાય છે. ઉનાળામાં કોતરોમાં પાણીના સ્ત્રોત ઓછા હોવા છતાં ગામના અમુક બોર અને કૂવામાં પાણી મળી રહે છે. આ ગામમાં લોકો સહિત ઢોર-ઢાંખરને પીવાનું પાણી મળી રહે છે. જ્યારે ઉનાળામાં ખેતી માટે નહીંવત પાણી મળતાં અહીંના ખેડૂતો ઋતુ આધારિત સિઝનેબલ પાકોની ખેતી થકી સમૃદ્ધ બન્યા છે.
આ ગામના યુવાનો અને વડીલો વચ્ચેના સંબંધો સુમેળભર્યા

આ ગામના યુવાનો અને વડીલો વચ્ચેના સુમેળભર્યા સંબંધો, વડીલોને માન આપવાની પ્રથા, માતા-પિતા અને ગુરુજનો તથા માતા બહેનોનું સન્માન અને આદર ભાવના ધરાવતું ગામ હોવાથી અહી સંપ ત્યાં જંપનું ઉદાહરણ જોવા મળે છે. અહીં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શાળાનાં બાળકો, આગેવાનો અને ગ્રામજનો દ્વારા ગામની વાર-તહેવારે સાફસફાઈ કરવામાં આવે છે. તથા ગ્રુપ ગ્રામ પંચાયતે ગામમાં દરેક ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા કરી આપી છે. અહીં દરેક ઘરમાં શૌચાલયો હોવાથી સ્વચ્છ ભારતનું સપનું સાકાર બનેલું નજરે પડે છે. વધુમાં ગ્રામ પંચાયત ગોટીયામાળ દ્વારા ચાલુ વર્ષમાં ગામમાં અનેક લાભાર્થીઓને પીએમવાય, પીએમ જનમન આવાસ તથા સમાજકલ્યાણ યોજનામાંથી આવાસોની ફાળવણી કરી છે.