Business

આસમાનનો રંગ કેવો? જવાબમાં અટ્ટહાસ્ય જ સાંભળવા મળે તેવો!

સૂર્યોદય સમયે આકાશના બદલાતા રંગની કલા જોઈ આપણે દિવ્ય ચિત્રકાર પર આ આફ્રિન થઈ જઈએ છીએ પણ સૂર્ય ઊંચો આવે પછી આસમાનનો રંગ કેવો થઈ જાય છે?!
આકાશના રંગ માટે જવાબદાર વાતાવરણની બહાર જાઓ અને અંતરિક્ષમાં જુઓ તો ચોમેર અંધકારમાં સ્વયં પ્રકાશિત તારા અને પર પ્રકાશિત ગ્રહો અને ઉપગ્રહો દેખાય અને આપણે અદ્યતન ટેલિસ્કોપની મદદથી બ્રહ્માંડની જુદી જુદી અવસ્થાની રંગીન તસવીર પ્રાપ્ત કરી શકીએ તે પહેલાં પ્રશ્ન એ છે કે બ્રહ્માંડ હંમેશાં એક રંગનું રહ્યું હતું?આસમાનનો સાચો રંગ કયો?
બ્રહ્માંડના પ્રથમ રંગ વિશે તાજેતરમાં થયેલું સંશોધન એમ કહે છે કે, બ્રહ્મ વિસ્ફોટ એટલે કે બિગ બેંગ થયો ત્યારે પ્રકાશનું અસ્તિત્વ જ નહોતું કારણ કે બ્રહ્મ વિસ્ફોટ સમયે ઉષ્ણતામાન એટલું પ્રચંડ હતું કે પ્રકાશનાં અસ્તિત્વની કોઈ ગુંજાઈશ ન હતી.
કાળા કિરણોત્સર્ગને કારણે સૌપ્રથમ નારંગી અને સફેદ ઝબકાર થયો તે બ્રહ્માંડનો પ્રથમ રંગ હતો એમ ગણાય. બ્રહ્મ વિસ્ફોટના 3.8 લાખ વર્ષ પછી બ્રહ્માંડનું ઉષ્ણતામાન ઘટીને 3000 કેલ્વિન
( 2727 સેન્ટિગ્રેડ) થયું. પણ તે પહેલા ક્ષણાર્ધ માટે બ્રહ્માંડનું ઉષ્ણતામાન ઘટ્યું અને પ્રકાશના કણનો ઉદ્ભવ થયો. દસ સેકન્ડ પછી બ્રહ્માંડ પ્રકાશના કણના યુગમાં પ્રવેશ્યું.


ભૌતિક વિજ્ઞાન પ્રમાણે કોઈ પણ પદાર્થની અવસ્થા વાયુ, પ્રવાહી અથવા ઘન હોય છે અને પ્રવાહી અને ઘન વચ્ચેની અવસ્થા અર્ધ પ્રવાહી એટલે કે પ્લાઝમા કહેવાય. બ્રહ્માંડમાં હીલિયમ અને હાઇડ્રોજનની નાભિમાં પ્રોટોન અને ન્યુટ્રોન કર્યા હતા અને બ્રહ્માંડમાં અર્ધ પ્રવાહી પદાર્થનું સામ્રાજ્ય શરૂ થયું તે સમયે બ્રહ્માંડનું ઉષ્ણતામાન એક અબજ કેલ્વિન હતું ત્યારે પ્રકાશ હતો, પણ આંખ જોઈ શકે તેવો કોઈ રંગ ન હતો. પ્રકાશના કણનું સામ્રાજ્ય વધવા માંડ્યું પણ તે વખતે ઉષ્ણતામાન અત્યંત પ્રચંડ હતું અને પ્રકાશ ગાઢ અર્ધ પ્રવાહી પદાર્થમાં પ્રવેશી શકે તેમ ન હતો, પણ અણુઓની રચના થઈ ત્યારે પ્રકાશના કણને અર્ધ પ્રવાહી પદાર્થમાં પ્રવેશવાની રજા મળી ત્યાં સુધીમાં 3.8 લાખ વર્ષ વીતી ચૂક્યા હતા. બ્રહ્માંડના પ્રારંભિક કાળમાં ઉષ્ણતામાન ઓછું-વધતું ચાલતું હતું તેનું કારણ એ છે કે, તેઓ ઉષ્ણતામાન આધારિત રંગ જ પ્રદર્શિત કરતું હતું. બ્રહ્માંડના પ્રારંભિક કાળમાં પ્રકાશ નારંગી રંગનો હતો જે હોળીના રંગને વધુ મળતો આવતો હતો. બ્રહ્માંડ દસ કરોડ વર્ષનું થયું ત્યાં સુધીમાં આ નારંગી રંગ અદ્રશ્ય થવા માંડ્યો. અત્યારે બ્રહ્માંડમાં ઘણે સ્થળે ઉષ્ણતામાન ત્રણ કેલ્વિનથી ઓછું છે, પણ નારંગી રંગ અદ્રશ્ય થવા માંડ્યો અને પ્રથમ તારાઓનો જન્મ થયો અને આપણે આજે જે બ્રહ્માંડ જોઈએ છે તે રંગ તેણે ધારણ કર્યો!
હવે આપણા સ્પેસ ટેલિસ્કોપ અને કેમેરા બ્રહ્માંડની જુદી જુદી તસવીરો લે છે, પણ એ તસવીર અસલ રંગને વફાદાર છે એની શું ખાતરી? ચંદ્ર પર માનવીએ પહેલીવાર પગ મૂક્યો હોવાની જાહેરાત થઈ ત્યારથી શંકાશીલો કહે છે કે જ્યાં કોઈ ગયું નથી ત્યાં આ માનવીઓ ગયા છે તેની શું ખાતરી?
અવકાશની ઘટનાઓ અને પદાર્થોની તસવીર ટેલિસ્કોપના કેમેરા બતાવે એ આપણે જોવાની? આકાશગંગા ખરેખર નજીકથી કેવી દેખાય છે તે આપણે નરી આંખે જોવા જવાના છીએ? ટેલિસ્કોપ આપણને બે લાખ પ્રકાશવર્ષ દૂરનું કોઈ જ રહેશે બતાવે તો તે જ આપણે જોઈ શકવાના છીએ?
ખગોળશાસ્ત્રીઓ આપણી સાથે બનાવટ નથી કરતા, પણ ખાસ કરીને ટેલિસ્કોપ પરના કેમેરા અને આપણી આંખ જુદી જુદી રીતે કામ કરે છે. આપણા સૌથી મોંઘા સ્માર્ટફોનના કેમેરા સહિત કોઈ પણ કેમેરાથી જે તસવીર અત્યારે લેવાય છે તે આપણે આંખ જુએ છે તેનું સાચું ચિત્ર રજૂ કરી શકતા નથી એમ વિજ્ઞાન કહે છે. આપણે જે તસવીર ખેંચીએ છીએ તે આપણી લગભગ વફાદાર તસવીર લઈ શકે છે. તમારી આંખના પડદામાં સળિયા અને શંકુ આકારના-એમ બે જાતના કોષ આવે છે, જે માનવીની દ્રષ્ટિ માટે પાયારૂપ છે. સળિયા આકારના કોષ રંગ નથી શોધી શકતા પણ પ્રકાશને ઝીલવામાં સમર્થ છે અને તેથી જ આપણે દૂરના તારા કોઈ પણ જાતનાં દૂરબીનની મદદ વગર જોઈએ છીએ અને તે સફેદ દેખાય છે. શંકુ આકારના કોષ ત્રણ પ્રકારના હોય છે જે લાલ, લીલા કે ભૂરા પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય છે. આપણે પ્રકાશનાં મિશ્રણ સામે જોઈએ છીએ ત્યારે આ શંકુ આકારના કોષ રંગ ગ્રહણ કરે છે. આ પ્રક્રિયા જટિલ છે કે અને કેટલાક ડિજિટલ કેમેરા આ પ્રક્રિયાની તેને મળતા પ્રકાશના કણની સંખ્યાને ગણતા સૂક્ષ્મ પીક્સલ હોય છે જે વિજાણું પદ્ધતિ વાપરે છે. આ પ્રથામાં તેજસ્વી પદાર્થના પ્રકાશના કણ વધુ હોય છે, પણ રંગના તફાવત પાડવાનું મુશ્કેલ છે. તેઓ પ્રકાશના કણની નોંધ લે છે અને ફિલ્ટર જ વર્ણપટલમાં લાલ, લીલા કે ભૂરા રંગને પસાર થવા દે છે, પછી રંગની અસર પેદા થાય છે. આ ત્રિરંગી છબી કહેવાય અને આપણી આંખ તે જ જુએ છે એમ દ્રષ્ટિ નિષ્ણાતો કહે છે. ખગોળીય કેમેરા મોટાં લાલ, લીલાં અને ભૂરાં ફિલ્ટર વાપરે છે અને પરિણામ લગભગ સરખું જ આવે છે. રંગના ફિલ્ટર તમારી આંખના પ્રતિભાવને સુસંગત ન હોવાથી તમે જે તસવીર મેળવો છો તે તમે જુઓ છો તેવી આબેહૂબ નથી હોતી, છતાં તેની વધુ નજીકની હોઈ શકે.
સૂર્ય વ્યાપક શ્રેણીની તરંગ લંબાઈનો પ્રકાશ વેરે છે. જ્યારે એક પુષ્પ મિશ્ર તરંગ લંબાઈનું પ્રતિબિંબ પાડે છે, તેથી રંગનો તફાવત લાગે છે. અંતરિક્ષના પદાર્થો બધા સૂર્યની જેમ એક સરખી તરંગ લંબાઈના પ્રકાશ ન ધરાવતા હોવાથી અને તેમની તસવીર માટે સાંકડા ફિલ્ટર વાપરતા હોવાથી તમને આબેહૂબ તસવીર ન મળે. આમ આસમાનનો રંગ કેવો છે તેવો પ્રશ્ન થાય તો તમે શું જવાબ આપશો?

Most Popular

To Top