ઊંડા પાણીમાં તણાતા બચાવ પહેલાં જ બંને યુવાનો ગાયબ, ફાયર બ્રિગેડની શોધખોળ યથાવત
એક યુવાન ખાનગી નોકરીમાં, બીજા યુવકના ભાઈના આવતા મહિને લગ્ન પહેલાં જ દુર્ઘટનાથી પરિવારમાં માતમ
વાઘોડિયા:
જરોદ નજીક આવેલા આલમગઢ ગામની સીમમાં આવેલા રાણીયા તળાવમાં ન્હાવા પડેલા ગામના જ બે યુવાનો ડૂબી જતા લાપતા બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ફાયર બ્રિગેડ દ્વારા બંને યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ આલમગઢના અમિતભાઈ સુરેશભાઈ તડવી (ઉં.વ. 25) અને શૈલેષ રમણભાઈ સોલંકી (ઉં.વ. 18) સહિત ચાર યુવાનો રવિવારે બપોરે આશરે બે વાગ્યાના સમયે તળાવમાં ન્હાવા પડ્યા હતા. ન્હાવા દરમિયાન ચારેય યુવાનો ઊંડા પાણી તરફ જતા બે યુવાનોને તરતા આવડતું હોવાથી બહાર આવી ગયા હતા, જ્યારે અમિત તડવી અને શૈલેષ સોલંકી ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા. અન્ય યુવાનો દ્વારા બૂમાબૂમ કરતાં આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા, પરંતુ બંનેને બચાવી શકાય તે પહેલાં તેઓ તળાવમાં લાપતા બન્યા હતા.
ઘટનાની જાણ થતા જ ગામમાં અરેરાટી મચી ગઈ હતી અને પરિવારજનો તેમજ ગ્રામજનો તળાવ પાસે એકત્ર થઈ ગયા હતા. જરોદ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી તેમજ વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતાં જવાનો દ્વારા તળાવમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે મોડી રાત સુધી કોઈ પત્તો ન મળતાં ઓપરેશન સ્થગિત કરી સોમવારે સવારે ફરીથી શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાપતા બનેલા અમિત તડવી ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા, જ્યારે શૈલેષ સોલંકીનું ભણતર પૂર્ણ થયું હતું અને તે ઘરે જ હતો. શૈલેષના મોટાભાઈના આવતા મહિને લગ્ન નક્કી થયેલા હોવાથી ઘટનાએ પરિવારજનોમાં વધુ શોકની લાગણી ફેલાવી છે. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે.
રિપોર્ટર: બજરંગ શર્મા