ગુજરાત સરકારના નિર્ણયથી ડભોઈ તાલુકા પંચાયત સહિત રાજ્યની ગ્રામ પંચાયતની કામગીરી પર અસર પડવાની ભીતિ
ડભોઇ: ગુજરાત રાજ્યમાં તાલુકા પંચાયતોની વિવિધ શાખાઓમાં વર્ષોથી સેવાઓ આપતી આર્મી ઈન્ફોટેક લિમિટેડની કોન્ટ્રાક્ટ આધારિત કામગીરી ગુજરાત સરકાર દ્વારા 1 ફેબ્રુઆરી 2026થી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ કોન્ટ્રાક્ટ 2027 સુધી માન્ય હતો. અચાનક લેવાયેલા આ નિર્ણયથી રાજ્યભરમાં 1500થી વધુ કર્મચારીઓના રોજગાર પર સીધી અસર થવાની શક્યતા ઊભી થઈ છે.
ડભોઈ તાલુકા પંચાયત ખાતે છેલ્લા લગભગ 20 વર્ષથી આર્મી ઈન્ફોટેક લિમિટેડ સાથે સંકળાયેલા કુલ 6 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા હતા. કંપની બંધ થતાં તાલુકાની 83 ગ્રામ પંચાયતોની દૈનિક વહીવટી કામગીરી પર ગંભીર અસર પડશે તેવી આશંકા કર્મચારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ કર્મચારીઓમાં 1 એમ.આઈ.એસ. ઓપરેટર, 3 ટેકનિકલ સપોર્ટ સ્ટાફ તથા 2 કર્મચારીઓ 15મા નાણાં પંચ અંતર્ગત ફરજ બજાવતા હતા.
ટેકનિકલ સપોર્ટ સ્ટાફ દ્વારા ગ્રામ પંચાયતોમાં રેશનકાર્ડ, વિધવા સહાય, આવક દાખલા, આયુષ્માન કાર્ડ સહિત વિવિધ સરકારી યોજનાઓ અંગે ગ્રામ પંચાયતના વી.સી.ઓ.ને માર્ગદર્શન આપવામાં આવતું હતું. હવે તાલુકા સ્તરે આવા કર્મચારીઓ ન રહેતા ગ્રામ પંચાયતોની કામગીરી ખોરવાશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ મુદ્દે ડભોઈના અસરગ્રસ્ત કર્મચારીઓએ તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી પોતાની વ્યથા રજૂ કરી છે. સાથે જ ધારાસભ્યોને પણ રજૂઆત કરી સરકાર સમક્ષ પોતાની વાત પહોંચાડવા વિનંતી કરી છે. કર્મચારીઓ દ્વારા 1-2-2026થી અમલમાં આવનારા પરિપત્રને રદ કરવાની લોક માંગ પણ ઉઠી રહી છે.
1500થી વધુ કર્મચારીઓની છૂટણી સામે માત્ર 70 કર્મચારીઓથી કામગીરી ચલાવવાનો નિર્ણય
આર્મી ઈન્ફોટેક લિમિટેડના 1500થી વધુ કર્મચારીઓને ફરજમાંથી મુક્ત કરીને રાજ્યસ્તરે માત્ર 70 કર્મચારીઓ દ્વારા કામગીરી કરાવવાની યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં
સ્ટેટ લેવલે 1 એક્ઝિક્યુટિવ
જિલ્લા કક્ષાએ 33 એક્ઝિક્યુટિવ
સ્ટેટ આધાર કોઓર્ડિનેટર – 1
એસ.એ.એસ. – 1
સ્ટેટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર – 1
જિલ્લા કક્ષાએ 33 કોઓર્ડિનેટર
આમ કુલ 70 કર્મચારીઓ રાખવામાં આવશે. તાલુકા સ્તરે એકપણ કર્મચારી ન હોવાના કારણે ગ્રામ પંચાયતોની કામગીરી ગંભીર રીતે ખોરવાશે તે નક્કી હોવાનું કર્મચારીઓ માને છે. હવે જોવાનું રહ્યું કે ગુજરાતના ગામડાઓનો વહીવટ આ નિર્ણય બાદ કેવી રીતે ચાલશે.
રિપોર્ટર: દિપક જોશી