કવચ પ્રકલ્પ અંતર્ગત વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડથી બચાવ અંગે માર્ગદર્શન
લીમખેડા |
લીમખેડાની આર્ટસ કોલેજમાં કોલેજ સાયબર ક્લબ દ્વારા કવચ પ્રકલ્પ અંતર્ગત સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ કોલેજના આચાર્ય અશ્વિન પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આજના ડિજિટલ યુગમાં ઈન્ટરનેટ અને ઓનલાઈન સેવાઓનો વ્યાપ વધતાં સાયબર ગુનાઓમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ સાયબર ફ્રોડના ભોગ ન બને અને વધુ જાગૃત બને તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાયબર ટ્રેનર પ્રોફેસર સુજીત ઉપાધ્યાયે સાયબર ક્રાઇમ શું છે, તે કેવી રીતે થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે હેકિંગ, ઓનલાઈન ડેબિટ-ક્રેડિટ કાર્ડ ફ્રોડ, ઓનલાઈન ગેમિંગ ફ્રોડ, ટ્રાફિક ચલણ ફ્રોડ, હની ટ્રેપ, AI વોઇસ ક્લોનીંગ ફ્રોડ, ફોટો મોર્ફિંગ તેમજ ડિજિટલ એરેસ્ટ ફ્રોડ જેવા વિષયો પર ઉદાહરણો સાથે ઊંડાણપૂર્વક સમજ આપી હતી.
કાર્યક્રમમાં કોલેજના તમામ પ્રોફેસરો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કોલેજ સાયબર સેલના કન્વીનર પ્રોફેસર જશવંતસિંહ નાયક દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
રિપોર્ટર: દિનેશ શાહ