અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફતેગંજ વિસ્તારમાંથી આરોપીને દબોચ્યો, પરંતુ વડોદરા પોલીસને ગંધ શુદ્ધા ન આવી
વડોદરા : ‘સિંઘમ’ સ્ટાઈલમાં આરોપી પકડવા આવેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સામે વડોદરામાં જનતા લાલઘૂમ થઈ ગઈ હતી. બગોદરા લૂંટ કેસના આરોપીને ઝડપી પાડ્યા બાદ પોલીસની કારથી થયેલા અકસ્માતને લઈ સ્થાનિકોએ રસ્તો રોકી ભારે હોબાળો મચાવ્યો હતો.
અમદાવાદના બગોદરા નજીક થયેલી લૂંટના ગુનાનો મુખ્ય આરોપી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ વડોદરા આવી હતી અને ફતેગંજ પોલીસ મથકની નજીક આવેલા એક શોરૂમ પાસેથી આરોપીને દબોચી લીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ સાથે લૂંટમાં વપરાયેલી સ્કોર્પિયો કાર પણ કબજે કરી હતી.
આરોપી અને કબજે કરેલી કાર સાથે પરત ફરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમ દરમિયાન ડ્રાઈવિંગ કરતી વખતે પોલીસ કર્મીએ રાત્રીના સમયે બે-ત્રણ વાહનોને ટક્કર મારી હતી. અચાનક થયેલા અકસ્માતને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પોલીસ હોવા છતાં બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે લોકોએ સ્કોર્પિયો કારને ઘેરી લીધી હતી અને કારમાં બેઠેલા પોલીસ કર્મીઓ સામે ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
ઘટનાસ્થળે થોડીવાર માટે અફરાતફરી અને તણાવનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ફતેગંજ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. સ્થાનિક પોલીસે ઉશ્કેરાયેલા લોકોને શાંત પાડી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જવાનો સાથે વાતચીત કરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
અંતે મામલો શાંત પડતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આરોપી અને સ્કોર્પિયો કાર લઈને રવાના થઈ ગઈ હતી. જોકે આરોપીને પકડી લઈ જવામાં આવ્યો હોવા છતાં શરૂઆતમાં વડોદરા પોલીસને ઘટનાની ગંધ સુદ્ધા ન આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.