બે ચાલકોના આજીવન રદ સાથે 203ના 6 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ
ફેટલના 65, ડ્રીન્ક એન્ડ ડ્રાઇવના 24, રોડ સેફ્ટી અને અન્ય નિયમના ભંગ બદલ 115 એમ શહેર જિલ્લાના કુલ મળીને 205 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.26
વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા પ્રથમ વખત ફેટર એકસીડન્ટ અને રોડ સેફ્ટી સહિત બીજા નિયમોનો ભંગ કરનાર 203 જેટલા ચાલકોના લાયસન્સ છ મહિના માટે સસ્પેન્ડ સહિત બે વાહન ચાલકના ડ્રાઇવિંગ લાઇસન્સ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવિંગના ગુનામાં આજીવન માટે રદ કરવામાં આવ્યા હતા.
વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી દ્વારા શહેર અને જિલ્લામાં 205 જેટલા ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરટીઓ કચેરી દ્વારા આ વર્ષે વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં 65 તેમજ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના ગુનામાં 24 ઉપરાંત રોડ સેફ્ટી અને અન્ય નિયમના બદલ 115 મળી કુલ 205 જેટલા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે આ ઉપરાંત બે આજીવન રદ થયેલા ડ્રાઇવિંગ લાઇસન્સના ધારકોનો પણ તેમાં સમાવેશ થાય છે. જેમાં એક માંજલપુરમાં અવધૂત ફાટક પાસે શ્રમજીવી પરિવાર ઉપર નશાની હાલતમાં કાર ચડાવી દેનાર નીતિન કિશન ઝા અને કરજણમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવમાં પકડાયેલ સંજય માછીનું આજીવન લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.