Vadodara

આરટીઓ કચેરીમાં સર્વરના ધાંધિયા : ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ થયો હોવાનો મેસેજ મળતા અરજદારો ઉમટી પડ્યા

અરજદારોની કચેરીથી બહાર દોઢ કિમી સુધીની લાઈન પડી : મોડી રાત સુધી કામગીરી ચાલી

લાંબા સમયથી બંધ પડેલી કામગીરી કાર્યરત થતા હજારો અરજીઓનો ભરાવો :

વડોદરાની આરટીઓ કચેરીમાં લાંબા સમયથી સર્વરમાં ખામી રહી હતી જે બાદ એકાએક સર્વર ચાલુ થતા કચેરી દ્વારા અરજદારો પર ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો સંદેશો જતા એક સાથે મોટી સંખ્યામાં અરજદારો આરટીઓ કચેરી ખાતે પહોંચતા ભારે અંધાધુંધી સર્જાઈ હતી.

વડોદરા આરટીઓ કચેરીમાં ગત તારીખ 15 મી માર્ચથી સર્વર ખોટ ખાતા ટ્રેક પર ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી અટકી પડી હતી. જ્યારે થોડા દિવસ બાદ લાઇસન્સ સંબંધિત પણ કામગીરી ખોરવાતા અરજદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા જોકે આ અંગે આરટીઓ કચેરી પ્રશાસન દ્વારા અરજદારોની એપોઇન્ટમેન્ટ કરી આપવામાં આવી હતી. જો કે હોળી હોળી ધુળેટી ના તહેવારો બાદ પણ સર્વર ખોટકાયેલું જ રહ્યું હતું. લાંબા સમય સુધી આરટીઓ કચેરી નું સર્વર બંધ રહેતા કોઈ કામગીરી થઈ શકી ન હતી જેના કારણે અત્યાર સુધીમાં 1000 કરતા વધુ અરજીઓનો ભરાવો થઈ ગયો છે, તેવામાં શનિવારે ટેસ્ટ ટ્રેક ઉપર ટેસ્ટ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનો સંદેશ અરજદારોને મળતા એક સાથે મોટી સંખ્યામાં અરજદારો આરટીઓ કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. જેના કારણે ભારે અંધાધુંધી સર્જાઇ હતી. સવારે 8:00 કલાકે થી મોટી સંખ્યામાં અરજદારોની આરટીઓ કચેરીથી લઈ દોઢ કિલોમીટર સુધીની લાંબી લાઈન લાગી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સર્વરમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાથી આખા રાજ્યમાં આ સમસ્યા સર્જાઇ હતી વડોદરા આરટીઓ કચેરીમાં ટુવિલર અને ફોરવીલર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે દરરોજની 125 થી 150 જેટલી એપોઇન્ટમેન્ટ હોય છે. તેવામાં શનિવારે અરજદારો પર આરટીઓ કચેરી દ્વારા ટેસ્ટ ટ્રેક ઉપર ટેસ્ટ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનો મેસેજ મળતા વહેલી સવારથી જ અરજદારો આરટીઓ કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. જેના કારણે રાત્રિના નવ કલાક સુધી કામગીરી ચાલી હતી. જોકે તેમાં પણ કેટલાક અરજદારોનું કામ થઈ ન શકતા ફોકટનો ફેરો રહ્યો હતો. જેઓને હવે સોમવારે પરત આરટીઓ કચેરી ખાતે ધક્કો ખાવો પડશે.

Most Popular

To Top