Entertainment

આયુષ્યમાનનાહાથમાં કેવાં છે તીરકમાન

સ્ટાર્સ ટોપ પર હોય તે તેમની ફિલ્મો રજૂ ન થતી હોય ત્યારે પણ ટોપ સ્ટાર્સ જ ગણાતા હોય છે. તમે શાહરૂખ, આમીરખાન, ઋતિક રોશન વગેરેનો દાખલો લો. તેમને તેમના સ્ટારપદ પરથી કોઈ હલાવી શકતું નથી. જ્યારે કેટલાંક એવાં હોય છે કે જો તેમની ફિલ્મ ચાલી ગઈ તો લોકો તેટલો સમય તેને સ્ટાર તરીકે માન આપે પણ પછી તે ‘જૈસે થે’ હાલતમાં આવી જાય. આયુષ્યમાન ખુરાનાને તમે આ કેટેગરીમાં જોઈ શકો. તેનું સ્ટારડમ આકાશ તરફ રાખેલી પિચકારી જેવું છે. નીચેથી પંપ મારવામાં આવે તો પિચકારી બહુ ઊંચે જતી લાગે, પણ પંપ ન મારે તો લાગે કે પિચકારી જેવું કાંઈ હતું જ નહીં. ફિલ્મ સફળ જાય તો તેની સાથે તેના અભિનેતા-અભિનેત્રી સફળ જાય તે જૂદું, પણ સ્ટાર્સ તે જે ફિલ્મની સફળતા પહેલાં પણ સ્ટાર્સ હોય ને પછી પણ. આયુષ્યમાન જેવા માટે એવું ન જ હોય. જો કે તે તો વિનમ્રભાવે એટલું જ કહે છે કે જો તમે તમારા પ્રેક્ષકને તમારી ફિલ્મમાં રોકી શકો, મનોરંજન કરાવી શકો અને તેનાથી તેમના જીવનમાં કશુંક ઉમેરી શકો તો એક કલાકાર માટે ઘણું છે. આયુષ્યમાન તો એમ પણ ઉમેરે છે કે હું જુદા જુદા પ્રકારની ફિલ્મો વડે અખતરા કરું છું કે હું બધું કરી શકું છું કે નહીં અને હું જૂદું જૂદું કામ કરું ત્યારેય બધાં પ્રેક્ષકોને ગમું છું કે નહીં. આયુષ્યમાન આ બધું અભિનેતા તરીકે કહે છે, સ્ટાર નથી, અમિતાભ બચ્ચન, શાહરૂખ કે રણબીર કપૂર જૂદા જૂદા પ્રકારની ફિલ્મોના અખતરા કરે તેનાથી આયુષ્યમાનનું જૂદું છે. તેની ફિલ્મો 100 કરોડનો ધંધો કરે તો પણ તેનામાં સ્ટાર તરીકેનો ભાવ આવી શક્તો નથી અને તેના નામે હવે આવનારી ફિલ્મ રજૂ થતાં જ કરોડોનો ધંધો કરી લેશે એ પણ શક્યતા નથી. બાકી તેણે તેની ફિલ્મોથી લોકપ્રિયતા પણ મેળવી છે, પણ અમોલ પાલેકરની ફિલ્મો સફળ થવા જેવું છે. ચાહે તે ‘ડોક્ટરજી’, ‘શુભ મંગલ સાવધાન’, ‘બાલા’, ‘બધાઈ હો’ યા ‘અંધાધૂન’ હોય. ‘એન એકશન હીરો’માં પણ તેણે તેની ઈમેજથી જૂદું કામ કરી દેખાડેલું અને ‘આર્ટિકલ 15’માં પણ તે જૂદો દેખાયેલો. આમ છતાં તેની પાછળ કોલેજની છોકરીઓ ઘેલી થતી નથી. સ્ટારની ઓળખ સંજય દત્ત જેવી હોય તો ચાલે, પણ બહુ મેચ્યોર, શાલીન હોય તો ન ચાલે. લફડાબાજ સ્ટાર્સના ફેન વધારે હોય છે. આમ છતાં આયુષ્યમાને બોક્સ ઓફિસ પર એક શક્યતા ઊભી કરી છે. નિર્માતા તેને રાજકુમાર રાવથી વધારે ભરોસાથી જુએ છે. ગાયક તરીકે અલબત્ત, તે તેની લોકપ્રિયતામાં નવું ઉમેરણ કરી શક્યો નથી અને તેનું ધ્યાન પર અભિનેતા તરીકે જ વધું હાસલ કરવાનું છે. ગયા વર્ષે તેની ‘ડ્રીમગર્લ-2’ ફિલ્મ આવી એટલે હમણાં તે બહુ ચર્ચામાં નથી, પણ આવનારી છ ફિલ્મ વિશે તેને ઘણી આશા છે. એ ફિલ્મો આયુષ્યમાનની ઈમેજ પ્રમાણેની જ હશે કારણકે હવે તેની કેશ કરી શકાય એવી ઈમેજ બની છે. ‘વેમ્પાયર્સ ઓફ વિજયનગર’ એ રીતે રહસ્યમયતાથી ભરપૂર છે અને તેમાં તેની સાથે સમેન્થા રૂથ પ્રભુ છે તો ‘સન્ડે’ માં ત્રણ એવી વ્યક્તિની વાત છે જે રવિવાર માણવાના નુસખામાંથી જૂદી કહાણી ઊભી કરી નાંખે છે. તેની દિગ્દર્શક અનુભૂતિ કરાય છે અને આયુષ્ય સાથે જાન્હવી કપૂર અને અંગિરા ઘર છે. ‘બોર્ડર-2’ નામની ફિલ્મ જે.પી.દત્તાની દીકરીના દિગ્દર્શનમાં બની રહી છે અને તે ‘બોર્ડર’ જેવી તો ન બનશે, પણ તેમાં સની દેઓલ છે એટલે આશા તો રાખી શકો. ‘ઈન્વર્સ’ ફિલ્મમાં ભૂમિ પડેનેકર અને પિયુષ મિશ્રા છે તો અન્ય એક ફિલ્મમાં તે સૌરવ ગાંગુલી બની ક્રિકેટ રમવાનો છે. આયુષ્યમાન આ દરેક ફિલ્મમાં જૂદો છે અને વિષય પણ રૂટીન નથી. •

Most Popular

To Top